(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પર્યુષણ પર્વ દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવામાં આવશે. આ ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ-ઇન્દોર વચ્ચે દોડતી અન્ય ત્રણ વિશેષ ટ્રેનોની સેવા અવધિ લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના અહેવાલ અનુસાર બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન ક્રમાંક 09023) આજે સાંજે 7.25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી રવાના કરવામાં આવી હતી, જે આવતીકાલે સવારે 9.25 વાગ્યે પાલિતાણા પહોંચશે. એ જ રીતે પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન ક્રમાંક 09024) સ્પેશિયલ સોમવાર, 7 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે પાલિતાણાથી રવાના થશે. આ વિશેષ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર રોકાશે.
પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને ઈન્દોર વચ્ચે દોડતી ત્રણ વિશેષ ટ્રેન સેવાઓની કામગીરીનો સમયગાળો પણ લંબાવ્યો છે.
મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ (ટ્રેન ક્રમાંક 09087) હવે 25 નવેમ્બર, 2026 સુધી દોડશે, જ્યારે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ (ટ્રેન ક્રમાંક 09088) સ્પેશિયલ 26 નવેમ્બર સુધી ચાલુ રહેશે. તે જ રીતે, ટ્રેન ક્રમાંક 09079 મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સ્પેશિયલની સેવા 29 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
તેમ જ પરત ફરતી ટ્રેન ક્રમાંક 09080 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 30 નવેમ્બર સુધી દોડશે. આ ઉપરાંત ટ્રેન ક્રમાંક 09085 મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર સ્પેશિયલની સેવા 27 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેની પરત ફરતી ટ્રેન ક્રમાંક 09086 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 28 નવેમ્બર સુધી પ્રવાસીઓની સેવામાં દોડશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે ટ્રેન ક્રમાંક 09023 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ તેમ જ અન્ય લંબાવાયેલી વિશેષ ટ્રેનો માટેનું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઈટ મારફતે પ્રવાસીઓ માટે ઉપલબ્ધ રહેશે.