Tue Sep 08 2026

Logo

વઢવાણ લોકમેળામાં ચકડોળ પરથી પટકાતાં 12 વર્ષની બાળકીનું કરુણ મોત

2026-09-06 18:36:39
Author: Pooja Shah
વઢવાણ લોકમેળામાં ચકડોળ પરથી પટકાતાં 12 વર્ષની બાળકીનું કરુણ મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણમાં યોજાયેલા લોકમેળામાં એક કરુણ અકસ્માત સર્જાતા 12 વર્ષની  બાળકીનું ચકડોળ પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ મૃતક બાળકીની ઓળખ નિહારીકા પરમાર તરીકે થઈ છે. નિહારીકાના પિતા કાંતિલાલ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. મેળામાં આનંદ માણવા ગયેલી તેમની લાડલી દીકરી ચકડોળ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને બાદમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

માસૂમ દીકરીના અચાનક મોતથી પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસ પરિવાર સહિત આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી છે. આ દુર્ઘટના બાદ લોકમેળામાં ચકડોળ સહિતની રાઈડ્સની ફિટનેસ, મિકેનિકલ સુરક્ષા અને સલામતીના ધોરણો અંગે સવાલો ઊભા થયા છે. મેળાને નિયમો અને એસઓપી મુજબ મંજૂરી આપવામાં આવી હોવાના દાવા વચ્ચે આટલી ગંભીર દુર્ઘટના કેવી રીતે બની તે અંગે તપાસની માગણી કરવામા આવી છે.


ચકડોળની સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ચકડોળ સંચાલકોની જવાબદારી તેમજ મેળામાં જરૂરી સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ કર્મચારીની લાડલી દીકરીના મોતની આ ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વઢવાણ પોલીસ ટીમે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.