Sun Sep 13 2026

Logo

ફડણવીસના કાર્યક્રમમાં દેખાઈ ખાલી ખુરશીઓ, સંજય રાઉતનો કટાક્ષ; “લોકોનો વિશ્વાસ નથી, છતાં ઈવીએમમાં મત ઘુસાડીને જીત મેળવો છે”

2026-08-29 16:13:04
Author: Mumbai Samachar Team
ફડણવીસના કાર્યક્રમમાં દેખાઈ ખાલી ખુરશીઓ, સંજય રાઉતનો કટાક્ષ; “લોકોનો વિશ્વાસ નથી, છતાં ઈવીએમમાં મત ઘુસાડીને જીત મેળવો છે”

નાશિક: મહરાષ્ટ્રના નાશિકમાં આગામી કુંભમેળાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. આ જ વિકાસકામોની સમીક્ષા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નાશિકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કુંભમેળા અંગે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમનો વીડિયો શેર કરીને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી ફડણવીસ પર આકરો કટાક્ષ કર્યો છે.

સંજય રાઉતે સોશિયલ મીડિયા પર ફડણવીસના કાર્યક્રમનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાર્યક્રમ દરમિયાન કેટલીક ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. આ વીડિયોને લઈને રાઉતે મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં લોકોની નહિવત હાજરીને મુદ્દો બનાવ્યો છે. રાઉતે પોતાના સંદેશમાં કહ્યું કે નાશિકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કુંભમેળા નિમિત્તે નાશિકની જનતાને આમંત્રણ આપ્યું હતું અને મુખ્યમંત્રીના આહ્વાનને મળેલો આ ‘અભૂતપૂર્વ પ્રતિસાદ’ છે.

સંજય રાઉતે આ સાથે સરકાર અને ચૂંટણી પ્રક્રિયા અંગે પણ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, “લોકોનો વિશ્વાસ આ લોકો પર નથી, છતાં ઈવીએમમાં મત ઘુસાડીને વિજય મેળવો છે!” રાઉતના આ નિવેદનથી ફરી એકવાર ઈવીએમને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ છે. કાર્યક્રમમાં ખાલી રહેલી ખુરશીઓના વીડિયોને આધારે રાઉતે સરકાર પ્રત્યે લોકોના કથિત અસંતોષ પર નિશાન સાધ્યું છે.

બીજી તરફ, કુંભમેળા માટે ચાલી રહેલા વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને પણ રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કુંભમેળાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરીને કામ પાછળના ખર્ચનો અહેવાલ જાહેર કરવાની માગણી કરી હતી. તેના જવાબમાં મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે તમામ પ્રોજેક્ટની માહિતી જાહેર કરવામાં આવી છે અને એક પણ પ્રોજેક્ટ છુપાવવામાં આવ્યો નથી. તમામ માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે અને જેને તપાસ કરવી હોય તે તેની તપાસ કરી શકે છે.

વિરોધીઓના આક્ષેપો પર પ્રહાર કરતા ફડણવીસે કહ્યું કે કુંભમેળાને બદનામ કરવા માટે દરરોજ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમણે આને વિરોધીઓની એક પ્રકારની રણનીતિ ગણાવી હતી. ફડણવીસે રામ મંદિરનો ઉલ્લેખ કરીને પણ વિરોધીઓ પર નિશાન સાધ્યું અને કહ્યું કે જ્યાં સનાતન અને હિન્દુ આસ્થા સાથે જોડાયેલા સ્થળો હોય ત્યાં આ પ્રકારના આક્ષેપો કરીને લોકોના મનમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કુંભમેળાની તૈયારીઓ વચ્ચે હવે એક તરફ વિકાસકામો અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકીય ટકરાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સંજય રાઉતના ઈવીએમ અંગેના નિવેદનથી રાજકીય ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે.