Wed Sep 02 2026

Logo

પુણેમાં ગણેશોત્સવ વખતે ડીજે અને મોટા અવાજના સંગીત પર પ્રતિબંધની માંગ: રહેવાસીઓ અને આયોજકો વચ્ચે વિવાદ

2026-08-31 17:06:30
Author: Mumbai Samachar Team
પુણેમાં ગણેશોત્સવ વખતે ડીજે અને મોટા અવાજના સંગીત પર પ્રતિબંધની માંગ: રહેવાસીઓ અને આયોજકો વચ્ચે વિવાદ

પુણે: 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવ દરમિયાન મોટા અવાજે સંગીત અને ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે પુણેના સેંકડો રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. અસહ્ય અવાજના કારણે તેઓ બીમાર પડી જાય છે અને થોડા દિવસો માટે શહેરની બહાર નીકળી જવું પડે છે એવો દાવો તેમણે કર્યો છે.

જોકે, ગણેશ મંડળોના કેટલાક પ્રતિનિધિઓએ મોટા સંગીતના મુદ્દે ઈરાદાપૂર્વક વાંધો ઉઠાવવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. રવિવારે શહેરના જાણીતા ગુડલક કેફે ચોક પાસે સેંકડો લોકો એકઠા થયા હતા અને ગણેશ મંડળો દ્વારા ઉપયોગમાં લેવાતી મોટા અવાજવાળી સાઉન્ડ સિસ્ટમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એક વિરોધકે જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક વર્ષોથી ઉપયોગમાં લેવાતી આ મોટા અવાજવાળી મ્યુઝિક સિસ્ટમ્સને કારણે અમે માંદા પડી જઈએ છે. ગણેશ વિસર્જન દરમિયાન અમે બે થી ત્રણ દિવસ માટે શહેર બહાર જતા રહીએ છીએ. 
ડીજે સાઉન્ડ સિસ્ટમ્સના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અમારી માંગણી છે. આ વિરોધ કોઈ ચોક્કસ ધર્મ કે જાતિ પ્રત્યે નિર્દેશિત નથી. વિવિધ તહેવારોમાં શહેરમાં દરેક જગ્યાએ મોટા અવાજવાળા સાઉન્ડ સિસ્ટમનો વધુ પડતો ઉપયોગ જોવા મળે છે અને એ અસહ્ય છે.'

જોકે, ગણેશ મંડળના પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે સંગીત પર પ્રતિબંધની માંગ કરનારાઓ પર્યાવરણીય પ્રદૂષણને સરળતાથી અવગણે છે. 'મુઠા નદી પ્રદૂષિત છે, પણ આ મુદ્દો કોણ ઉઠાવી રહ્યું છે? તેઓ ફક્ત ગણેશ મંડળોને જ નિશાન બનાવવા માંગેછે' એવી દલીલ તેમણે કરી હતી.