Wed Sep 09 2026

Logo

શું ગોવિંદા અને સુનિતા ખરેખર લઈ રહ્યા છે છૂટાછેડા? ફેમિલી કોર્ટ બહાર ગંભીર હાલતમાં જોવા મળી સુનિતા...

2026-08-19 14:28:00
Author: Darshana Visaria
શું ગોવિંદા અને સુનિતા ખરેખર લઈ રહ્યા છે છૂટાછેડા? ફેમિલી કોર્ટ બહાર ગંભીર હાલતમાં જોવા મળી સુનિતા...

બોલીવૂડના જાણીતા એક્ટર ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે તેમના છૂટાછેડાની અટકળોએ ફરી જોર પકડ્યું છે. બુધવારે સવારે સુનિતા આહુજા પોતાના પુત્ર યશવર્ધન સાથે મુંબઈની ફેમિલી કોર્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ બોલિવૂડ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...

હંમેશા મીડિયા સામે હસમુખા અને બિન્દાસ અંદાજમાં વાત કરતી સુનિતા આહુજા કોર્ટ પરિસરમાં અત્યંત ગંભીર અને ઉતાવળમાં જોવા મળી હતી. પેપ્સે જ્યારે સવાલો પૂછ્યા ત્યારે તેમણે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, બર્થડે ઉજવવા આવ્યા હતા! આ દરમિયાન પુત્ર યશવર્ધન કેમેરામેનને ફોટો ન લેવા વિનંતી કરતો જોવા મળ્યો હતો.

તમારી જાણકારી માટે કે ગોવિંદા અને સુનિતા વચ્ચેના મતભેદો ઘણા સમયથી ચર્ચામાં છે. કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર સુનિતા આહુજાએ પાંચમી ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ફેબ્રુઆરી, 2025માં ગોવિંદાના વકીલ લલિત બિંદલે પુષ્ટિ કરી હતી કે અરજી દાખલ થઈ હતી, પરંતુ દાવો કર્યો હતો કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને તેઓ સાથે છે. તે સમયે સુનિતાએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ અલગ ઘરમાં રહે છે કારણ કે ગોવિંદાના રાજકીય કામકાજ અને પરિવારની પ્રાઈવસી જળવાઈ રહે.

 

તાજેતરમાં જ આ વિવાદ ત્યારે વણસ્યો જ્યારે ગોવિંદા પોતાની આગામી ફિલ્મ 'રૂપા'ની કો-એક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સુનિતાએ જાહેરમાં નિશાન સાધતાં કહ્યું હતું કે, તેઓ પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યા છે, તેમને શરમ આવવી જોઈએ. પહેલાં તો કંઈક સ્ટાન્ડર્ડ હતું, હવે તો એ પણ નથી રહ્યું.

બોલીવૂડના અભિનેતા ગોવિંદાએ પણ વીડિયો મેસેજ દ્વારા સુનિતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો આરોપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે તમે મારા પ્રોફેશનલ કામમાં દખલ કરી રહ્યા છો. સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા કલાકારોનું આ રીતે અપમાન ન થવું જોઈએ. દેશના ઘણા મોટા કલાકારોએ પોતાનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કે ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્ન 1987માં થયા હતા. શરૂઆતમાં તેમણે પોતાના લગ્નની વાત લગભગ બે વર્ષ સુધી દુનિયાથી છૂપી રાખી હતી અને પુત્રી ટીના આહુજાના જન્મ બાદ તેનો ખુલાસો કર્યો હતો. તેમને એક પુત્ર યશવર્ધન પણ છે. 37 વર્ષના લાંબા દાંપત્યજીવન બાદ બંને વચ્ચેનો વિવાદ હવે કોર્ટના દરવાજે પહોંચી ગયો છે.