Tue Aug 18 2026

Logo

કર્ણાટક, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વરસાદની ખાધને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં 3.65 ટકાનો ઘટાડો

2026-08-18 20:01:45
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ કર્ણાટક, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વરસાદની ખાધ રહેતાં વર્તમાન ખરીફ મોસમમાં દેશમાં અત્યાર સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ગત મોસમના સમાનગાળાના 393.44 લાખ હેક્ટર સામે 3.65 ટકા ઘટીને 379.07 લાખ હેક્ટર રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે દેશમાં ખરીફ વાવેતરનો આરંભ જૂન મહિનામાં નૈર્ઋત્યના ચોમાસાના આગમનથી થતો હોય છે, પરંતુ આ વર્ષે અલનિનોની સ્થિતિને કારણે વાવેતર વિલંબથી થયું છે. મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ડાંગરના વાવેતર વિસ્તારમાં 14.37 લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. 

કૃષિ મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત 14મી ઑગસ્ટ સુધીમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 1037.52 લાખ હેક્ટર સામે 20.95 લાખ હેક્ટરના ઘટાડા સાથે 1016.57 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં ડાંગરના વાવેતર વિસ્તાર ઉપરાંત કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 108.49 લાખ હેક્ટર સામે 35,000 હેક્ટરના ઘટાડા સાથે 108.14 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં તુવેરનો વાવેતર વિસ્તાર ઘટીને 40.31 લાખ હેક્ટર (42.01 લાખ હેક્ટર), અડદનો વાવેતર વિસ્તાર વધીને 23.52 લાખ હેક્ટર (20.79 લાખ હેક્ટર), મગનો વાવેતર વિસ્તાર ઘટીને 32.05 લાખ હેક્ટર (33.42 લાખ હેક્ટર), કળથીનો વાવેતર વિસ્તાર વધીને 19,000 હેક્ટર (18,000 હેક્ટર), મઠનો વાવેતર વિસ્તાર વધીને 8.92 લાખ હેક્ટર (8.69 લાખ હેક્ટર) તથા અન્ય કઠોળનો વાવેતર વિસ્તાર ઘટીને 3.14 લાખ હેક્ટર (3.40 લાખ હેક્ટર)ની સપાટીએ રહ્યો હતો. 

વધુમાં અત્યાર સુધીમાં જાડા અથવા તો કડ ધાન્ય અથવા તો શ્રી અન્નનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 177.13 લાખ હેક્ટર સામે 4.17 લાખ હેક્ટર ઘટીને 172.96 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હતો. તેમ જ તેલીબિયાંનુંં વાવેતર પણ ગત સાલના સમાનગાળાના 185.36 લાખ હેક્ટર સામે ઘટીને 184.46 લાખ હેક્ટરની સપાટીએ રહ્યું છે, જેમાં મગફળીનું વાવેતર ગત સાલના સમાનગાળાના 47.01 લાખ હેક્ટર સામે વધીને 48.03 લાખ હેક્ટરમાં, સોયાબીનનું વાવેતર ગત સાલના સમાનગાળાના 122.61 લાખ હેક્ટર સામે ઘટીને 120.84 લાખ હેક્ટરમાં, સૂર્યમુખીનું વાવેતર વધીને 1.06 લાખ (61,000 હેક્ટર)માં, તલનું વાવેતર વધીને 10.35 લાખ (8.73 લાખ) હેક્ટરમાં, ખુરસાણીનું વાવેતર વધીને 24,000 હેક્ટર (16,000 હેક્ટર)માં, એરંડાનું વાવેતર ઘટીને 3.83 લાખ હેક્ટર (6.19 લાખ હેક્ટર)માં અને અન્ય તેલીબિયાંનું વાવેતર વધીને 10,000 (6000) હેક્ટરમાં થયું છે. 

વધુમાં અન્ય રોકડિયા પાકમાં શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 58.62 લાખ હેક્ટર સામે ઘટીને 58.31 લાખ હેક્ટર, જ્યૂટ અને મેસ્ટાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 6.23 લાખ હેક્ટર સામે વધીને 6.34 લાખ હેક્ટર અને કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 108.26 લાખ હેક્ટર સામે ઘટીને 107.30 લાખ હેક્ટરના સ્તરે રહ્યો હોવાનું કૃષિ વિભાગે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.