બોલીવૂડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ફિલ્મો અને લાઈમલાઈટથી વિવિધ સામાજિક અને નાગરિક મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ અને બેબાક રજૂઆત માટે જાણીતી છે. ભૂતકાળમાં સીએજેપી વિરોધ પ્રદર્શન અને સોનમ વાંગચુકના મુદ્દે પોતાનું ખુલ્લું સમર્થન દર્શાવી ચૂકેલી સોનાક્ષી સિન્હા અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું તે ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં ઝંપલાવશે?
આ મામલે સોનાક્ષીના પિતા, દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે અને સાથે જ સોશિયલ મીડિયા પર સોનાક્ષીને ટ્રોલ કરનારાઓ સામે આકરા પ્રહારો કર્યા છે.
જ્યારે શત્રુઘ્ન સિન્હાને પૂછવામાં આવ્યું કે સોનાક્ષી સામાજિક-રાજકીય આંદોલનો અને વિદ્યાર્થીઓના હિતમાં ખુલીને અવાજ ઉઠાવે છે, તો શું તે પોલિટિક્સ જોઈન કરશે? આ સવાલના જવાબમાં શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે હું હાલમાં ચોક્કસ કંઈ કહી શકતો નથી. પહેલાં હું તેને પૂછતો પણ હતો. પરંતુ આજે હું એટલું ચોક્કસ કહી શકું કે તે એક અત્યંત કાબેલ પિતાની અત્યંત કાબેલ દીકરી છે.
તેમણે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે સોનાક્ષીએ તાજેતરમાં જ ઝારખંડના વિદ્યાર્થીઓના આંદોલન અને બાળકોના અધિકારો માટે પણ મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. સોનાક્ષી સિન્હાની સોશિયલ મીડિયા પર થતાં ટ્રોલિંગ અંગે વાત કરતાં શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા મોટાભાગના લોકો 'પેઈડ ટ્રોલર્સ' છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ઓર્ગેનિક ટ્રોલિંગ નથી પરંતુ ચોક્કસ આઈટી સેલ દ્વારા કરાવવામાં આવે છે. આ ટ્રોલર્સને ઘણીવાર એ પણ ખબર નથી હોતી કે તેઓ શું બોલી રહ્યા છે. તેમણે સોનાક્ષીના વલણની પ્રશંસા કરતાં કહ્યું કે સોનાક્ષી આવા નકારાત્મક ટ્રોલિંગ પર ધ્યાન આપતી નથી અને પોતાની મજબૂત ઓળખ સાથે આગળ વધે છે.
સોનાક્ષી સિન્હાની વર્કફ્રન્ટની વાત કરીએ તો, સોનાક્ષી સિન્હા છેલ્લે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી લીગલ ડ્રામા ફિલ્મ 'સિસ્ટમ' માં જોવા મળી હતી, જેમાં તેણે એક દમદાર વકીલનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.