નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂરને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ દાવાનો જંગ ચાલી રહ્યો છે. પાકિસ્તાને ભારતમાં બનેલી ઑપરેશન સિંદૂરની ડૉક્યુમેન્ટ્રી પર સવાલ ઉઠાવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે, આ ડૉક્યુમેન્ટ્રીમાં ઘટનાઓ ભારતના પક્ષમાં જ બતાવવામાં આવી છે અને કેટલીક વાતોને ખાસ પસંદ કરીને રજૂ કરવામાં આવી છે.
ભારત સરકારે ઑપરેશન સિંદૂરને આતંકવાદ સામેની મોટી સૈન્ય કાર્યવાહી અને સફળ ઑપરેશન ગણાવ્યું હતું. રક્ષા મંત્રાલય અનુસાર આ કાર્યવાહીમાં આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવાયા હતા. જ્યારે પાકિસ્તાને ભારતીય ડૉક્યુમેન્ટ્રીમાં ઑપરેશન સિંદૂરને નાટકીય રીતે રજૂ કર્યાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાનનો દાવો છે કે, તેમાં પસંદગીના ઈન્ટરવ્યૂ, ભાવનાત્મક કહાની અને ફિલ્મી અંદાજમાં તૈયાર કરવામાં આવેલી ઈમેજનો ઉપયોગ કરાયો છે.
પાકિસ્તાને એમ પણ કહ્યું કે, આ ડૉક્યુમેન્ટ્રીમાં 22 એપ્રિલ 2025ના પહલગામ આંતકી હુમલો અને 16 એપ્રિલ 2025 પાકિસ્તાન સેના પ્રમુખના ભાષણ વચ્ચે સંબંધ બતાવવાની કોશિશ કરવામાં આવી છે. પાકિસ્તાન તેને ખોટી અને પાયા વિહોણી કહાની ગણાવી છે.
કેમ ચર્ચામાં છે ઑપરેશન સિંદૂર ડૉક્યુમેન્ટ્રી
ઑપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતમાં એક ડૉક્યુમેન્ટ્રી રિલીઝ કરવામાં આવી હતી. જેમાં સૈન્ય અભિયાનની યોજના, સાયબર અને અંતરિક્ષ ક્ષમતાઓ તથા હુમલા સાથે જોડાયેલી જાણકારી બતાવવામાં આવી હતી. આ ઉપરાંત ડિસ્કવરીએ ઓગસ્ટ 2026માં 'Declassified: Operation Sindoor' નામથી બે ભાગમાં ડૉક્યુમેન્ટ્રી સીરિઝ પણ રજૂ કરી હતી. જેમાં ભારતીય સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને રક્ષા વિશેષજ્ઞોના અનુભવ સામેલ કરાયા હતા.
શું હતું ઑપરેશન સિંદૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતે 7 મે, 2025ના રોડ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતે પીઓકેમાં 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. ભારત અનુસાર આ કાર્યવાહીનો હેતુ આતંકવાદની કમર તોડવાનો હતો, પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ કરવાનો નહોતો.
More than a year after Marka-e-Haq, India refuses to face the harsh reality. Instead of conceding defeat in a failed venture, India has decided to colour history in her preferred hues. To achieve this mutilation of history, Indian content creators have produced a highly…
— DG ISPR (@OfficialDGISPR) August 17, 2026
વિમાનોના નુકસાન પર બંને દેશોના અલગ-અલગ દાવા
ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વિમાનોના નુકસાનને લઈને પણ બંને દેશોના દાવા અલગ રહ્યા છે. પાકિસ્તાને ઘણા ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ભારતે શરૂઆતમાં આ દાવો સ્વીકાર્યો ન હતો. જોકે, બાદમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે સ્વીકાર્યું હતું કે ઑપરેશનના પ્રારંભિક તબક્કામાં ભારતને હવાઈ નુકસાન થયું હતું. તેમણે કહ્યું હતું કે ત્યારબાદ ભારતીય સેનાએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો અને આગળની કાર્યવાહીમાં ઊંડા વિસ્તારો સુધી હુમલા કર્યા હતા.
સીઝફાયર કેવી રીતે થયું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી સૈન્ય તણાવ અને હુમલાઓ ચાલુ રહ્યા બાદ 10 મે 2025ના રોજ બંને દેશોએ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ દર્શાવી હતી. ભારતના સત્તાવાર નિવેદન અનુસાર, પાકિસ્તાનના DGMOએ ભારતીય DGMOનો સંપર્ક કર્યો હતો અને બંને દેશોએ જમીન, હવા અને સમુદ્રમાં સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ સાધી હતી. બીજી તરફ, પાકિસ્તાને આ ઘટનાક્રમને પોતાની રીતે રજૂ કર્યો અને કહ્યું કે તેની સૈન્ય કાર્યવાહીએ ભારતને સંઘર્ષ રોકવા માટે મજબૂર કર્યું હતું.