Thu Aug 20 2026

Logo

સાત સમંદર પારઃ શું તમે જાણો છો રોબર્ટ ક્લાઇવનો કાચબો ને ડાર્વિનની કાચબીની અવનવી કથા?!

2026-08-19 08:47:00
Author: Ravi Nayak
Article Image

 

રવિ નાયક

કાચબાઓમાં અનેક પ્રજાતિ જોવા મળે છે. નાના કાચબા ત્રીસથી માંડીને પચાસ કે એંસી વર્ષ લાંબું આયુષ્ય ભોગવે છે. જ્યારે જમીન પર રહેતા વિશાળ કદના કાચબા તો મનુષ્ય કરતાંય બમણું આશરે દોઢસો વર્ષનું આયુષ્ય ભોગવી જાણે! દોઢસો વર્ષ એટલે કેટલો લાંબો સમયગાળો... આટલા સમય દરમિયાન કદાચ આખા કાળખંડને કરવટ બદલતો જોઈ શકાય.

હજી હમણાં જ આપણે એંસીમો સ્વાતંત્ર્ય દિન ઊજવ્યો. ઇતિહાસને લઈને આમેય આપણે ઉદાસીન છીએ. કોણ રાજ કરી ગયું અને કોણ તારાજ કરી ગયું, એનો ઇતિહાસબોધ આપણને બહુ પચતો નથી. બ્રિટિશ સલ્તનતનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઇવનું નામ અભ્યાસક્રમમાં આવતું એટલે કાચું-પાકું યાદ છે. 

એક પછી એક આવતી જનરેશનોનાં ભાતભાતનાં નામ પાડવાની આપણને મજા આવે છે. જેન-ઝી, જેન-આલ્ફા... ઇત્યાદિ ઇત્યાદિ, પણ આ બધી જનરેશન્સ ક્યાંથી આવી અને કઈ રીતે વિકસી એનું પાયાનું જ્ઞાન આપનાર ચાર્લ્સ ડાર્વિન પણ અભ્યાસક્રમમાં આવતું એક નામ માત્ર છે. એ સિવાય બીજા કશાની બહુ ચિંતા આપણે કરતા નથી.

આ પરિસ્થિતિમાં રોબર્ટ ક્લાઇવ અને ચાર્લ્સ ડાર્વિનને નજીકથી જોનારા-સ્પર્શ કરનારા જીવો હજી અત્યાર સુધી, એટલે કે એકવીસમી સદીના આરંભ સુધી જીવિત હતા એમ કહીએ તો કોણ માનશે? પણ વાત સાચી છે. આ જીવો એટલે ડાર્વિન અને ક્લાઇવ સાથે રહેલા બે કાચબા. વાતની શરૂઆત રોબર્ટ ક્લાઇવથી કરીએ. 

1757માં ક્લાઇવ પ્લાસીનું યુદ્ધ જીત્યો એ સાથે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે સત્તા આવી. એવું કહેવાય છે કે રોબર્ટ ક્લાઇવે બંગાળ જીત્યું એના માનમાં કોઈકે એને ચાર કાચબા ભેટમાં આપ્યા. જી હા, ભેટમાં બીજું કશું નહીં, પણ પ્રમાણમાં આળસુ ગણાતો ઢાલવાળો જીવ કાચબો. એ જમાનામાં કદાચ જીવતા પ્રાણીઓ ભેટ આપવાનો રિવાજ હશે. ક્લાઇવે બરાકપુર ખાતેના પોતાના એસ્ટેટમાં આ ચારેય જળચરોને રાખવાની વ્યવસ્થા કરી. 

જોકે ઇતિહાસના ગ્રંથોમાં કોઈકે આ રીતે ક્લાઇવને કાચબા ભેટ આપ્યા હોવાની વાતને કોઈ મજબૂત આધાર મળતો નથી. આમ છતાં ક્લાઇવની બરાકપુર એસ્ટેટમાં ચાર કાચબા હતા એ નકક્કી. એ પૈકીના એક કાચબાનું નામ ‘અદ્વૈત’ પાડવામાં આવેલું. જો ક્લાઇવે પોતે કાચબા ખરીદ્યા હોત તો કોઈક અંગ્રેજી નામ પાડ્યું હોત એટલે કાચબા કોઈ સ્થાનિક હિન્દુ મહાજન તરફથી ભેટમાં અપાયા હોવાની મજબૂત શક્યતા છે.

મજાની વાત એ છે કે રોબર્ટ ક્લાઇવનો એ ‘અદ્વૈત’ નામનો કાચબો ઠેઠ એકવીસમી સદીના પ્રથમ દશક સુધી જીવિત રહ્યો! ક્લાઇવના તાબામાં આવ્યો ત્યારે અદ્વૈતની આયુ કદાચ ચાર-પાંચ વર્ષની હશે. અને ઇસ 2005માં એનું મૃત્યુ થયું. એ હિસાબે અદ્વૈત ઓછામાં ઓછું અઢીસો વર્ષ જીવ્યો! દાવા મુજબ બસો પંચાવન વર્ષ જીવેલો અદ્વૈત સમગ્ર જીવનકાળ દરમિયાન એકલો-અટૂલો રહ્યો અને કોઈ સંતાન પેદા ન કર્યું. 

કદાચ એ જેમના તાબા હેઠળ રહ્યો, એ તમામ મનુષ્યોને બિચારા કાચબાનો સંસાર શરૂ કરાવવાનો વિચાર જ નહીં આવ્યો હોય. એનું વજન અઢીસો કિલોગ્રામ હતું. કોઈક કારણોસર પીઠમાં ઈજા થઈ અને ઘા પાકવાથી થયેલું ઇન્ફેક્શન લીવરને અસર કરી ગયું. એમાં અદ્વૈતે જીવનલીલા સંકેલી લીધી.

હેરિયેટ નામની કાચબીની કથા ‘યોગ્યતમની ચિરંજીવિતા’ (સર્વાઇવલ ઑફ ધી ફિટેસ્ટ) જેવો સિદ્ધાંત આપનાર મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન સાથે જોડાયેલી છે. સજીવોની વિવિધ પ્રજાતિઓના અભ્યાસ માટે ચાર્લ્સ ડાર્વિને ‘બીગલ’ નામના જહાજમાં દુનિયાનાં અનેક સ્થળોનો પ્રવાસ કરેલો. 

1835માં પ્રવાસ શરૂ થયો અને આખી દુનિયામાં ફરીને સંશોધનકાર્ય પૂરું કર્યા બાદ ડાર્વિને ઇસ 1839માં એક જર્નલ પ્રકાશિત કરી ડાર્વિને આ જર્નલનું નામ પણ ‘ધી વોયેજ ઑફ ધી બીગલ’ જ રાખ્યું.‘ બીગલ’ના કૅપ્ટન હતા જ્હોન ક્લેમેન્ટ્સ વિકહામ. સ્વાભાવિક છે કે લાંબી મુસાફરી દરમિયાન ડાર્વિનને એમની સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ હશે.

હવે થયું એવું કે ઉત્તર અમેરિકા નજીકના ગેલાપેગોસ ટાપુના વિસ્તારમાંથી ચાર્લ્સ ડાર્વિને સંશોધન હેતુ કેટલાક નાના અને તાજા કાચબા એકઠા કર્યા. આમાંના કેટલાક કાચબાઓ લાંબી મુસાફરી દરમિયાન જહાજના પ્રવાસીઓ માટે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાઈ ગયા, અન્ય કેટલાક બીજાં કારણોસર મરણને શરણ થયા. બાકીના કાચબા સંશોધન માટે ઉપયોગમાં લેવાયા, પણ એમાંની એક કાચબી ‘બીગલ’ના અધિકારી જ્હોન ક્લેમેન્ટ્સ વિકહામે પોતાની પાસે રાખી લીધી.

એ રીતે ગણીએ ઇસ 1841થી એ કાચબી વિકહામના તાબા હેઠળ હતી. 1860માં વિકહામ નોકરીમાંથી નિવૃત્ત થયા અને પોતાના વતન પેરિસ જતાં પહેલાં કાચબીનો હવાલો ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ ખાતેના એક બોટાનિકલ ગાર્ડનને સોંપતા ગયા. પાછળથી એનો કબજો ઑસ્ટ્રેલિયા ઝૂ નામની સંસ્થાએ લીધો.

આ આખી કથામાં મજાની વાત એ છે કે 1960 સુધી તો લોકો આ કાચબીને ‘નર’ સમજતા રહ્યા. એનું નામ પણ ‘હેરી’ પાડવામાં આવેલું. પાછળથી ચોખવટ થતાં નામ બદલીને હેરિયેટ કરવામાં આવ્યું.  મિસ હેરિયેટ ઠેઠ 2006 સુધી જીવી.

હાર્ટ ફેઈલ થઈ જવાથી એનું મૃત્યુ થયું ત્યારે એની અંદાજિત ઉંમર હતી આશરે 176 વર્ષ. ઠેઠ 1832માં જન્મેલા ‘જોનાથન’ નામના અન્ય એક કાચબાદાદા તો આજની તારીખેય સેન્ટ હેલેના ખાતે જીવિત છે. મોતિયાને કારણે આંખની રોશની ગઈ પણ સાંભળવાની શક્તિ હજી બરકરાર છે. સ્થાનિક પ્રજાને આશા છે કે ‘જોનાથન’ આયુષ્યની ડબલ સેન્ચ્યુરી જરૂર  ફટકારશે!