Fri Sep 04 2026

Logo

અમેરિકા અને ઈરાન વચ્ચે હવે શરૂ થયું 'આર્થિક યુદ્ધ'! ટ્રમ્પે કડક પ્રતિબંધોની કરી ઘોષણા...

Newyork   2026-08-20 11:57:00
Author: Vimal Prajapati
અમેરિકા અને ઈરાન વચ્ચે હવે શરૂ થયું 'આર્થિક યુદ્ધ'! ટ્રમ્પે કડક પ્રતિબંધોની કરી ઘોષણા...

ન્યૂ યોર્કઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતો સંઘર્ષ હવે વધુ ભયાનક મોડ પર પહોંચી ગયો છે. ઈરાન સામે શરુ કરાયેલા લશ્કરી અભિયાન બાદ મધ્યપૂર્વમાં સ્થિતિ હજુ સુધી સામાન્ય થઈ શકી નથી. ઈરાન તરફથી મળી રહેલા સખત પ્રતિકાર બાદ હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાનને આર્થિક મોરચે ઘેરવા માટે સંપૂર્ણ આર્થિક યુદ્ધ (Economic War)ની ઘોષણા કરી દીધી છે. જેના કારણે ઈરાનને હવે ભારે આર્થિક નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ છે. ચાલો વિગતે ચર્ચા કરીએ...

ટ્રમ્પની કડક ચેતવણી અને આર્થિક પ્રતિબંધો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઈરાનને સમજૂતી કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે તે ફગાવી દીધી. હવે ઈરાન વિરુદ્ધ નવા અને અત્યંત કડક આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. અમેરિકી પ્રમુખે ઈરાનને મદદ કરનારા અન્ય દેશો અને સંસ્થાઓને પણ પરિણામ ભોગવવાની ચીમકી આપી છે.

કઈ બાબતો પર તાત્કાલિક રોક લગાવવામાં આવશે

વિગતે વાત કરવામાં આવે તો, અનધિકૃત તેલ વેચાણ, રોકડની લેવડદેવડ અને ફ્રન્ટ કંપનીઓ પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જો કોઈ દેશ, નાણાકીય સંસ્થા, એરપોર્ટ કે સરકારી સંસ્થા ઈરાનને મદદ કરતી પકડાશે, તો તેણે પણ ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. આ દરેક બાબતો ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતો રોકવા માટે થઈ રહી છે. અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં આવશે નહીં.

અમેરિકાની ધમકી વચ્ચે ઈરાને કેવો જવાબ આપ્યો?

ઈરાને પણ અમેરિકા સામે નમતું જોખવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જ્યાં સુધી અમેરિકા ઈરાનની 14 મુદ્દાની માંગણીઓનો સ્વીકાર નહીં કરે, ત્યાં સુધી 'હોર્મુઝ’ માંથી વેપારી માર્ગો ખોલવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા હોર્મુઝ સ્ટ્રેટ પરના આ વિવાદને કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઇંધણના ભાવ પર પણ મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.