Sat Aug 22 2026

Logo

મેલ મેટર્સઃ વેદનાને કોઈ લિંગ નથી હોતું...

2026-08-20 12:09:00
Author: Ankit Desai
Article Image

અંકિત દેસાઈ

સુરતની નવી સિવિલ હૉસ્પિટલના હોસ્ટેલ રૂમમાં પીજી રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યાના સમાચાર માત્ર એક આશાસ્પદ યુવાન તબીબના અકાળ અવસાનનો કરુણ કિસ્સો નથી, પણ એ આપણા સામાજિક માનસશાસ્ત્ર અને ન્યાયનાં ચશ્માં પર જામેલી ધૂળને સાફ કરતી એક અત્યંત ગંભીર ક્ષણ છે. 

આ ઘટનામાં જ્યારે તપાસના અંતે સિનિયરો દ્વારા આચરવામાં આવતી ઘોર માનસિક યાતના અને રેગિંગની વિગતો બહાર આવી ત્યારે એ સત્ય પણ સામે આવ્યું કે પીડક તરીકે માત્ર પુરુષો જ નથી હોતા, તેમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. આ કરુણાંતિકા સમાજે વર્ષોથી ઘડી કાઢેલા બે ભ્રામક અને એકપક્ષીય ખ્યાલો પર સણસણતો તમાચો મારે છે.

પહેલો એ કે શોષણ કે અત્યાચાર કરવાનો એકાધિકાર માત્ર પુરુષો પાસે જ છે અને બીજો એ કે પુરુષ હંમેશાં ‘પાષાણ’ કે ‘તમામ પરિસ્થિતિ સહન કરી લેનારો’ જ હોવો જોઈએ.

આપણા સમાજમાં એક બહુ સહજ અને સ્વીકૃત માનસિકતા ઘર કરી ગઈ છે. જ્યારે પણ શોષણ, ત્રાસ, વર્કપ્લેસ હેરાનગતિ કે માનસિક ટૉર્ચરની વાત આવે ત્યારે પીડિતના સ્થાને અનાયાસે જ એક સ્ત્રીનું ચિત્ર ઊપસી આવે છે અને પીડકના સ્થાને એક અહંકારી પુરુષનું. નિ:સંદેહ, ઇતિહાસ અને વર્તમાન સાક્ષી છે કે સ્ત્રીઓએ અન્યાય અને શોષણનો સામનો ઘણો વધારે કર્યો છે, પરંતુ જ્યારે આપણે આ વિભાવનાને સર્વકાલીન સત્ય માની લઈએ છીએ ત્યારે આપણે અજાણતાં જ સમાજમાં એક એવાં બેવડાં કાટલાંનો પાયો નાખીએ છીએ જ્યાં પુરુષ ક્યારેય ‘પીડિત’ હોઈ જ ન શકે તેવું સ્વીકારી લેવાય છે. 

ડૉ. હર્ષ પંડ્યાના કિસ્સામાં સિનિયરો દ્વારા કલાકો સુધી અપાતો ત્રાસ એ વાતની સાબિતી છે કે જ્યારે સત્તા, હોદ્દો કે સિનિયોરિટીનો અહંકાર કોઈ વ્યક્તિના માથા પર સવાર થાય છે ત્યારે સ્ત્રી કે પુરુષની ભેદરેખા ભૂંસાઈ જાય છે. ત્રાસ ગુજારવાની માનસિકતા એ લિંગ આધારિત નથી, પણ ‘સત્તાના દુરુપયોગ’ અને સંવેદનહીનતા આધારિત છે.

જોકે આ આખી ઘટનાનું બીજું અને કદાચ સૌથી વધુ અસ્વસ્થ કરી દેનારું પાસું પુરુષની સંવેદનશીલતા સાથે જોડાયેલું છે. આપણું સામાજિક માળખું નાનપણથી જ છોકરાને એવું શીખવે છે કે ‘છોકરાઓ રડે નહીં’, ‘પુરુષે મજબૂત બનવું પડે’ કે ‘જે સહન ન કરી શકે તે મર્દ નહીં.’ આ ઝેરી માનસિકતા પુરુષ પાસેથી તેની સંવેદનશીલ થવાની, ભાંગી પડવાની કે પોતાની વ્યથા વ્યક્ત કરવાની કુદરતી આઝાદી છીનવી લે છે. 

ડૉ. હર્ષ પંડ્યા જેવા અત્યંત તેજસ્વી, ભણેલા-ગણેલા અને સંવેદનશીલ યુવાનો જ્યારે મેડિકલ કૉલેજ કે કૉર્પોરેટ કલ્ચરની ઝેરી હવામાં શ્વાસ લે છે ત્યારે તેઓ પોતાના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતાં પણ અચકાય છે. કારણ? સમાજ તેમને જ નબળા ગણવા લાગશે. પરિણામે પોતાની અંદર ભરાઈ રહેલો આક્રોશ, ગૂંગળામણ અને વેદના તેઓ કોઈને કહી શકતા નથી અને અંતે એક દિવસ એ વેદના ગળાનો ફાંસો બની જાય છે. પુરુષની સંવેદનશીલતાને આ સમાજે ક્યારેય સહાનુભૂતિથી જોઈ જ નથી. તેને કાં તો નબળાઈ ગણવામાં આવી છે કાં તો તેનો અનાદર કરવામાં આવ્યો છે.

જો આ સમગ્ર ઘટનાને થોડા વ્યાપક અને તાર્કિક દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે  તો અહીં માત્ર ‘સ્ત્રી વિરુદ્ધ પુરુષ’ કે ‘સિનિયર વિરુદ્ધ જુનિયર’નો જ મુદ્દો નથી. આ કિસ્સો સિસ્ટમના સ્તરે વ્યાપેલા ‘ઇન્સ્ટિટ્યુશનલ હાયરાર્કી’ અને ‘એબ્યુઝ ઑફ પાવર’નો છે. આપણી તબીબી શિક્ષણ પ્રણાલી હોય, સરકારી સંસ્થાઓ હોય કે કૉર્પોરેટ જગત. ત્યાં એવા વાતાવરણને બિલકુલ પોષવામાં આવે છે જ્યાં સિનિયર હોવું એટલે જુનિયરના સ્વાભિમાનને કચડી નાખવાનો પરવાનો મળી જવો. 

જ્યારે કોઈ સંસ્થામાં કામનું ભારણ, માનસિક તણાવ અને સત્તાનો રોફ અનિયંત્રિત બની જાય ત્યારે ત્યાં માનવીય સંવેદનાઓ મરી પરવારે છે. ત્યાં લિંગ ગૌણ બની જાય છે અને માત્ર શક્તિશાળી દ્વારા નિર્બળનું શોષણ કરવાની અમાનવીય પ્રવૃત્તિ મુખ્ય બની જાય છે. સિનિયર મહિલા તબીબો દ્વારા જૂનિયર પુરુષ તબીબનું થતું શોષણ એ દર્શાવે છે કે જ્યારે કાયદો કે વ્યવસ્થા સત્તાના દુરુપયોગને રોકવામાં નિષ્ફળ જાય છે ત્યારે કોઈ પણ લિંગની વ્યક્તિ ક્રૂર બની શકે છે.

અહીં એક અન્ય મહત્ત્વનો તાર્કિક દૃષ્ટિકોણ એ પણ વિચારવા જેવો છે કે આપણે જ્યારે સમાનતાની વાતો કરીએ છીએ ત્યારે સમાનતા માત્ર અધિકારોમાં જ નહીં, પણ જવાબદારીઓ, ગુનાહિત માનસિકતા અને સજામાં પણ હોવી જોઈએ. જો કોઈ પુરુષ દ્વારા થતો ત્રાસ ગંભીર ગુનો છે તો સ્ત્રી દ્વારા થતો ત્રાસ પણ એટલો જ ગંભીર, સજાપાત્ર અને અક્ષમ્ય ગુનો છે. ગુનાની ગંભીરતા પીડકની જાતિ જોઈને નક્કી ન થવી જોઈએ.