નવી દિલ્હીઃ આ દિવાળી વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ હોય કે વતનથી દૂર રહીને કામ-વ્યવસાય કરતા લોકોને ઘરે જવાની ઈચ્છા ફ્લાઈટ દ્વારા હોય તો એક મહત્ત્વની અપડેટ આવી છે. છઠ્ઠ પૂજા અને દિવાળીના દિવસોમાં ઘરે જવાની કે ફરવાની ગણતરી હોય તો બજેટનો આંક ખોટો પડી શકે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફ્લાઈટના વધી ટિકિટ ભાડા પર સરકાર તરફથી કોઈ જ પ્રકારનો અંકુશ નહીં હોય અને કોઈ કાયદાકીય રોક નહીં લગાવવામાં આવે. આના પરિણામે એવિએશન કંપનીઓ તહેવારના દિવસોમાં મનફાવે એવા ટિકિટના ભાવ સેટ કરીને બુકિંગ લેશે.
સરકારે કેમ હાથ ઊંચા કર્યા?
સરકારના આ નિવેદનનો અર્થ સ્પષ્ટ છે કે, એરલાઈન્સ કંપનીઓ તહેવારની સીઝનમાં ટિકિટના ભાવ મનફાવે એવા નક્કી કરી શકે છે. નાગિરક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાઈડુએ જણાવ્યું હતું કે, તહેવારની સીઝનમાં સરકાર એર ટિકિટ પર કોઈ કેપ નહીં લગાવે. સરકાર એરલાઈન્સ કંપનીઓની ટિકિટના દરને યોગ્ય રાખવાની સલાહ અવશ્ય આપી શકે છે. ઈરાન-અમેરિકાના યુદ્ધ દરમિયાન એવિએશન ટર્બાઈન ફ્યૂલની વધેલી કિંમતને કારણે એરલાઈન્સ કંપનીઓની ઑપરેટિંગ કોસ્ટ વધી ગઈ છે. આ કારણે આવનારા સમયમાં એર ટિકિટના દરમાં વધારો થઈ શકે છે. સરકાર પહેલા પણ તહેવાર અને અન્ય જરૂરી આયોજન દરમિયાન ટિકિટના દરને મેનેજ કરી ચૂકી છે. સરકાર સતત એરલાઈન્સ કંપનીઓના સંપર્કમાં છે, નિયમિતપણે આની બેઠક થાય છે. અમે એવિએશન કંપનીઓ સાથે વાતચીત કરીશું કે, ટિકિટના દરમાં સ્થિરતા જળવાઈ રહે. જેથી સામાન્ય માણસના ખિસ્સા પર એનો વધારાનો કોઈ બોજ ન પડે.
આ કારણે વધે છે ટિકિટના દર
એરલાઈન્સના ટોટલ કોસ્ટ ઑપરેશનમાં ફ્યૂલનો ભાગ સૌથી મોટો હોય છે. એરટ્રાવેલમાં ટર્બાઈન ફ્યૂલની ટકાવારી 40થી 43 ટકાની હોય છે. આ ફ્યૂલના ભાવમાં થોડો પણ વધારો થાય છે ત્યારે આની સીધી અસર એવિએશન કંપનીઓના ફ્લાઈટ ઑપરેશન પર થાય છે. ટિકિટમાં સીધો જ ભાવ વધારી દેવામાં આવે છે. આખરે બધુ ગ્રાહક પર આવીને ઊભું રહે છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ એરલાઈન્સની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો ઝીકી દેવામાં આવે છે. એ પછી છઠ્ઠ પૂજાનો તહેવાર નજીક આવતા દેશભરમાંથી લોકો પોતાના વતનમાં જતા હોય છે આ સમયે પણ તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા દિવાળીના દિવસોમાં લોકોનું બજેટ ખોરવાય છે.