Thu Oct 01 2026

Logo

વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં રૂ. 1201ની અને ચાંદીમાં રૂ. 2070ની પીછેહઠ

2026-09-22 20:07:08
Author: Ramesh Gohil
વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં રૂ. 1201ની અને ચાંદીમાં રૂ. 2070ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વનાં નીતિ ઘડવૈયાઓ તરફથી વ્યાજદરમાં વધુ વધારો કરવામાં આવે તેવા સંકેતો મળતા આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1196થી 1201ની પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2070નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વધુ ઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2070ના ઘટાડા સાથે રૂ. 2,32,922ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેવાની સાથે વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1196 ઘટીને રૂ. 1,51,527 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1201 ઘટીને રૂ. 1,52,136ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4327.74 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4364.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 65.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

દરમિયાન ગઈકાલે ફેડરલના અધિકારી મુસાલેમે જણાવ્યું હતું કે વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધુ વધારાની આવશ્યકતા હોવાનું જણાવતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું નેમો મનીનાં વિશ્લેષક જેમી દત્તાએ જણાવતાં ઉમેર્યું હતું કે મુસાલેમ વ્યાજદરમાં વધારાની તરફેણ કરનાર તરીકે જાણીતા હોવાથી અમે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ આૈંસદીઠ 4300થી 4400 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા યથાવત્‌‍ રાખીએ છીએ. 

તંગ નાણાનીતિના સંજોગોમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવતા હોય છે અને તે જોતા વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં વધારાની શક્યતા પ્રબળ થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ અલ્બર્ટો મુસાલેમ ઉપરાંત શિકાગો ફેડના પ્રમુખ ઑસ્ટિન ગુલસ્બીએ પણ વ્યાજદરમાં વધારાના સંકેત આપ્યા હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 90 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.