Tue Oct 06 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ અલ્લાહની મૌજૂદગીનો અહેસાસ સેતાનના બહેકાવાથી બચાવે

2026-09-17 10:26:00
Author: Anwar Valiani
મુખ્બિરે ઈસ્લામઃ અલ્લાહની મૌજૂદગીનો અહેસાસ સેતાનના બહેકાવાથી બચાવે

અનવર વલિયાણી

મઝહબે ઈસ્લામ એક એવો સંપૂર્ણ દીન છે જેણે માનવીને વિચારવાની ને'મત (કૃપા) અતા ફરમાવી છે. આવા આ ઉમદા ધર્મનો જો સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો દુનિયાનો એવો કોઈ કોયડો - પ્રશ્ન નથી જેનું માર્ગદર્શન મળે નહીં. મન હોય તો માળવે જવાય એ કહેવત અનુસાર એક નિયતથી વિચારવામાં આવે તો જન્મથી મૃત્યુ સુધીના, જન્નતથી દોઝખ સુધીના તમામ પ્રશ્નોના જવાબો બુદ્ધિપૂર્વક સમજાય તેવી રીતે મળી રહે છે. 

ઉદાહરણ તરીકે પાકો - પાકિઝા અને સુખી જીવન જીવવા માટે ઈસ્લામે આ કરો અને આ ન કરોની જે હિદાયત આપી છે તેની સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે સદાચારી જીવન જીવશો અને નેકીના પુણ્યના કાર્ય કરશો તો તેનો બદલો માનસિક શાંતિરૂપે આ દુનિયામાં તો મળશે, પરંતુ આખેરત (પરલોક)માં તો ભરપૂર અને કાયમી સુખ મળશે. જ્યારે બદી અને ગુમરાહીનું જીવન તમને આખેરતના અઝાબ અને ભયંકર તકલીફો તરફ દોરી જશે. 

અલ્લાહતઆલાના આ વાયદા પર માનવીને ઈમાન અને ત્યાર પછી યકિન પેદા થાય તેનું જીવન કામિયાબ થયું ગણાય, પરંતુ આવું મજબૂત ઈમાન અને વિશ્વાસ પેદા કરવું આસાન-(સરળ) નથી. સેતાનનો અહીં પોતાનો કસબ અજમાવવાની પૂરી સ્વતંત્રતા મળે છે એવી દલીલ કરીને કે સજા અને જજા અને જન્નત-દોઝખના વાયદાને તમો સાચો કેમ માનો છો, જ્યારે મૃત્યુ પછી એવો અનુભવ કરીને આ પૃથ્વી પર પાછું તો કોઈ આવ્યું નથી જેથી તેને સો ટકા સાચું માની ન શકો, તમોને સુધારવા માટે આ માત્ર કલ્પના પણ કેમ ન હોય? 

આવી મજબૂત દલીલ કરીને સેતાન માનવીને યકિનની મંઝિલ સુધી પહોંચવા જ ન દે. એ આપણો અનુભવ છે. સેતાન સાથેના આ યુદ્ધમાં માનવીએ સફળ થવું હોય તો પરવરદિગારે આલમ પાસે ગીરીયાજારી કરી દુઆ માગતા રહેવું જોઈએ કે તે સેતાનના વસવસાથી `બચાવતો રહે અને અલ્લાહતઆલા પોતાના દાખવેલા માર્ગે ચાલવાની નેક તૌફિક (સમજ) અદા કરતો રહે. 

એક વખત સજા અને જજાના ઈસ્લામના પાયાના અટલ સિદ્ધાંતમાં શક પેદા થયો એટલે તેને રૂહની બીમારી લાગુ પડી સમજો. જે રીતે આ વાયદા પર ઈમાન અને યકિન લાવવું મુશ્કેલ છે તેવી જ રીતે શકને દૂર કરવો પણ એટલો જ મુશ્કેલ છે. ઈસ્લામને સારી રીતે સમજવો હોય તો આવા શકને દૂર કરવો જ રહ્યો તે વગર ઈસ્લામ કદી સમજી શકાય નહીં. એટલે અલ્લાહતઆલાની મદદ લઈને સેતાનની ગુમરાહીથી બચવું રહ્યું. 

જો ઈસ્લામના દાયરામાં રહેવું હોય, ઈસ્લામની ખૂબીઓને સમજવી હોય તો પાક પરવરદિગારના આ વાયદાને આસ્થાપૂર્વક દિલમાં અંકિત કરી દેવો જોઈએ. આવું જો થઈ શકે તો જીવનમાં વિચારોની ક્રાંતિ આવશે તથા અલ્લાહ અને આખેરતને સમજયાનો આનંદ મળશે. આત્મવિશ્વાસ એટલો વધી જશે કે સાચા-ખોટાના ભેદને તરત પારખી શકીશું. ગુના તો આ ઈમાન અને યકિનની રોશનીમાં આપણને દીવા જેવા સ્પષ્ટ દેખાશે એટલે બદી તરફ જવાનો તો પ્રશ્ન જ ખડો થતો નથી. વિચારોની આવી ક્રાંતિ વ્યક્તિનાં આત્માને તંદુરસ્ત બનાવશે.

ઉપરાંત આ વિચારસરણીમાં બીજા પણ અનેક લાભો છે. બીજાઓ જે કહે છે તે કરી શકતા નથી પણ જે વિચારશો તે કરી શકવાની શક્તિ પ્રાપ્ત થશે. તમારી વાણી અને વર્તનનું અંતર ઘટતું જશે. તમે જે જાહેરમાં વિચારો વ્યક્ત કરતા હશો તેવો જ અમલ એકાંતમાં પણ કરી શકાશે, કારણ કે તમારો એ વિશ્વાસ હશે કે હું એકલો નથી. મારા અમલ અને વિચારોને કોઈ જોઈ રહ્યું છે. ઈસ્લામનું આ તત્ત્વજ્ઞાન જીવનને કામિયાબી તરફ લઈ જાય છે અને શકની બીમારીથી બચાવે છે. આમીન, તથાસ્તુ, ઈશ્વર, અલ્લાહ સૌનું ભલું કરે, નેક સમજ અતા કરે.
* * *

સમજ સુખ અપાવે નાસમજ દુ:ખ નોતરે

જગતમાં અનેક લોકો વસે છે. સૌની શક્તિ અને નસીબમાં તફાવત હોય છે અને આ પ્રણાલિ આખેરત સુધી રહેવાની. આપણી પાસે છે તે આપણું અને એનાથી સંતોષ રાખીને જીવીએ તો આપણને કોઈ દુ:ખીયા ચલિત કરી શકે નહીં, પરંતુ જ્યાં બીજાની શક્તિ કે સમૃદ્ધિ તરફ નજર રાખીને આપણી સમૃદ્ધિ અને શક્તિને સરખાવવાનો - મુલવવાનો પ્રયત્ન કરીશું તો સમજી લેજો કે દુ:ખને પ્રારંભ થઈ ચૂક્યો છે. 

આ પરિસ્થિતિમાંથી  છુટકારો મેળવવા અલ્લાહ પાસે દુઆ માગતા રહેવી જોઈએ કે - `યા પરવરદિગાર, મને મારી હસદથી અને બૂરાઈ પેદા થાય તેનાથી મારું રક્ષણ કર, કારણ હસદને હું રોકી શકવા સમર્થ નથી, પરંતુ તું જરૂર છે.'

દુઆમાં દયા રહેલી છે અને તે પણ જો સાચા હૃદયે માગવામાં આવે તો તે કબૂલ ન થાય તેવું બને જ નહીં. અલ્લાહ રબ્બ, રહેમાન, રહીમ, કરીમ  અને આપણી જાન-માલ-આલો ઔલાદનો માલિક છે તે આપણી સુખાકારી માટે બંધાયેલો છે. માટે સમજથી સુખ, અણસમજથી દુ:ખ નિર્માણ થાય છે તે સાદી-સરળ વાતને સમજવી રહી. 
* * *

સાપ્તાહિક સંદેશ: 

મોત આવતા પહેલાં પાછલા ગુનાઓની ઈસ્લાહ, સુધારણા કરી લેવી જોઈએ, કેમકે આપણમાં જહન્નમ, દોઝખના અઝાબ, દુ:ખ, કષ્ટ, વિપત્તિ, યાતના, સજાને સહન કરવાની શક્તિ નથી. * મોત  આપણા માથા પર જ ભમી રહી છે. એમ સમજો કે આ તમારા જીવનનું છેલ્લું વરસ છે, છેલ્લો સમય છે.