અનવર વલિયાણી
ઘણા લોકોનું એવું માનવું છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે કોઈ મેળ નથી અને તેથી જ કેટલાક ધર્મિષ્ઠ લોકો વિજ્ઞાનમાં રસ લેતા નથી, ઊલટું વિજ્ઞાનની પ્રગતિને વખોડી કાઢે છે. ખરી રીતે તો જગતમાં જે ચીજો છે, પછી ભલે ધરતીના પેટાળમાં હોય કે પછી ઊંચે આકાશમાં હોય, તેની શોધખોળ કરવી અને એમાંથી લોકહિતની સામગ્રી સંપાદન કરવી એજ સાચું વિજ્ઞાન છે. ‘અલ્લાહની કુદરતમાં એક કલાક ચિંતન-મનન કરવું એક વર્ષની ઇબાદત કરતા ઉત્તમ છે.’ આ હદીસને નજરમાં રાખી અલ્લાહના સર્જન વિષે વિચાર કરીએ.
કુરઆને મજીદમાં ખુદાતઆલાએ સૂરજ અને ચાંદ વિષે ફરમાવ્યું છે કે - ‘સૂરજની એ મજાલ નથી કે એ પોતે ચાંદને પકડી શકે અને રાતની એ તાકાત નથી કે એ દિવસથી આગળ વધી જાય.’ બીજી બાજુ ખુદાએ ફરમાવ્યું છે કે- ‘અમે તારાઓને એટલા માટે પેદા કર્યા કે અંધારામાં તમે ભટકી ન જાઓ, બલકે એ તારાઓ પાસેથી તમે હિદાયત હાંસલ કરી શકો.’
આપણે સહુથી પહેલા તો અલ્લાહે ઉત્પન્ન કરેલી આ પૃથ્વી પરની નાનામાં નાની વસ્તુને લઈએ અને તે છે પૃથ્વી પરના સૂક્ષ્મ બારીક કણો. એમાંના કેટલાક કણોને વૈજ્ઞાનિક ભાષામાં એટમ અથવા પરમાણુ કહેવામાં આવે છે. એ પરમાણુ કણ એટલા બધા નાના હોય છે કે નરી આંખે જોઈ શકાતા નથી.તેને જોવા માટે નાના કણને હઝાર ગણું મોટું દેખાડી શકે એવા શક્તિશાળી માઇક્રોસ્કોપ ની જરૂર પડે છે. હવે એ જોઈએ કે અલ્લાહે બનાવેલા આ નાના કણ અંદરથી કેવા છે? આ કણ (પરમાણુ) આટલા બધા ઝીણા હોવા છતાં એની અંદર ખાલી જગ્યા છે એટલે કે એ પોલા છે, નક્કર નથી. આમ અલ્લાહે પેદા કરેલા નાનામાં નાના કણોને પણ આજનો આગળ વધેલો ઈન્સાન પૂરું જાણી શકયો નથી.
આસમાનના અબજો સિતારાઓ તથા આપણી દુનિયામાંથી નજરે જોઈ શકાતા સૂરજ - ચાંદ - તારા વગેરે વિષે વિચાર કરીએ ત્યારે અલ્લાહની ભવ્ય, અદ્ભુત અને જબરજસ્ત કુશળતાની આપણને ઝાંખી થાય. આકાશમાં દેખાતા નઝારા અલ્લાહે ખલ્ક કર્યા છે. પહેલા આપણું વિશ્ર્વ જેમાં આપણે વસીએ છીએ તે કેટલું મોટું છે એ જાણીએ.
પૃથ્વીની સહુથી નજીકનો તારો આલ્ફા સેન્ટાઉન્ટી છે, ત્યાં સેકંડે એક લાખ છીયાસી હજાર માઇલની ગતિથી જતા અવકાશયાનમાં જઈએ તો પૂરા ત્રણ વર્ષ- ત્રણ મહિના અને અઢાર દિવસ લાગે. આ જ ઝડપે આપણી આકાશગંગાના એક છેડેથી બીજા છેડે જઈને પાછા આવતા દોઢ લાખ વર્ષ લાગે. વળી રાત્રિના આપણે જે તારાઓ જોઈએ છીએ તે તથા આપણી આ પૃથ્વી, સૂરજ,ચંદ્ર વિગેરે મળીને 200 અબજ તારાઓ ધરાવતું વિશ્વ એક જ નથી. એવા વધુ તારાઓ ધરાવતા બીજા વિશ્વો પર અલ્લાહે આ આકાશમાં ગોઠવેલા છે.
એટલું જ નહીં પણ આવા જબરદસ્ત તારા વિશ્વો એકબીજાથી ઓછામાં ઓછા 20 લાખ પ્રકાશ વર્ષ દૂર છે. એક પ્રકાશ વર્ષ (એટલે કે પ્રકાશના વેગથી કાઢેલું અંતરનું માપ) કે જે પ્રકાશ દર સેકન્ડે લગભગ ત્રણ લાખ કિલોમીટરના વેગથી જાય છે. એક વર્ષ સુધી પ્રકાશ આ ગતિથી જાય ને જેટલું અંતર કાપે તે અંતરને ‘પ્રકાશ વર્ષનું અંતર’ કહે છે. હેવ આવા 20 લાખ પ્રકાશ વર્ષના માઉલોનો હિસાબ કાઢવો હોય તો ક્યાંથી નીકળી શકે?
આપણા નાચીઝ ઈન્શાનના ગણિતશાસ્ત્રમાં એટલા આંકડા જ નથી. આમ અલ્લાહની બનાવેલી નાની તેમ જ મોટી સૃષ્ટિની કલ્પના અને સમજ ઈન્શાનના ગજમાં પૂરેપૂરી ઊતરતી નથી. આપણા મગજની શક્તિ ઘણી જ મર્યાદિત છે, તો પછી આ જબરદસ્ત સૃષ્ટિના માલિક વિષે પૂરેપૂરું ક્યાંથી જાણી શકાય? એટલે જ હદીસોમાં કહ્યું છે કે - ‘અલ્લાહની જાતમાં વિચાર ન કરો પણ ફકત એની કુદરતમાં વિચાર કરો.’
આજે ઈન્સાને ચાંદ પર જવા જેટલી વિશાળ પ્રગતિ કરી છે, પણ અલ્લાહે રચેલી આ જબરદસ્ત સૃષ્ટિને ધ્યાનમાં લઈને વિચારીએ તો, આપણી પૃથ્વી પર જેટલા સમુદ્રો છે અને એના કિનારા પર જેટલી રેતી છે તે રેતીના એક કણ પરથી બીજા કણ પર એક કીડી જાય ને જેટલી પ્રગતિ કીડીએ કરી ગણાય એટલી જ પ્રગતિ ઈન્સાને ચાંદ ઉપર જઈને કરી ગણાય.
જગતના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઇન પણ કહી ગયા છે કે - ‘અલ્લાહની ખલ્કત (સૃષ્ટિ)નું જે જ્ઞાન આજે દુનિયા પાસે છે તે જ્ઞાન જગતના સઘળા સમુદ્રના કિનારાની રેતીના એક કણ જેટલું જ છે.’ તદ્ઉપરાંત આ જબરદસ્ત આસમાન કે જેની ઈન્તેહા (સીમા) જેનો અંત પણ હજી ઈન્સાનને માલુમ પડી શકેલ નથી અને અલ્લાહે રચેલા કરોડો તારા વિશ્વો અને તે ઉપરાંતની બીજી રચનાઓ શું શું છે એ તો હજુ પામર મનુષ્ય જાણી તો શું કલ્પી પણ શકતો નથી.
અબજો તારાઓ ધરાવતા બીજા કરોડો વિશ્વો હોવા છતાં અલ્લાહે બનાવેલા આ અનંત આસમાનમાં મોટા ભાગની જગ્યા ખાલી છે. આ અલ્લાહની મહાનતા નથી તો બીજું શું છે?
માણસ કુદરત પાસેથી ઘણું શીખ્યો છે. તેના દરેક સર્જનની પ્રતિકૃતિ બનાવવાની કોશીશ કરે છે. છતાં માણસની બનાવેલી વસ્તુઓ, કુદરતી સર્જન કરતા અપૂર્ણ છે. પક્ષીઓ કેમ ઊડે છે, કેવી રીતે ઊડે છે તેનો અભ્યાસ કરીને માણસે વિમાન બનાવ્યું. ગુંજન પક્ષી હવામાં સ્થિર કઈ રીતે રહી શકે છે તેનો અભ્યાસ કરીને હેલિકૉપ્ટર બનાવ્યા. ગીધ, ગરુડ વગેરે પક્ષીઓનો અભ્યાસ કરીને ગ્લાઈડર એટલે કે એન્જિન વગરના ગ્લાઇડર વિમાન બનાવ્યા.
પક્ષી જ્યારે પાંખો પ્રસારીન ઊડતું હોય ત્યારે ડાબેથી જમણે વળતા, ઊંચું નીચું થતું હોય ત્યારે પાંખને છેડે એકબીજાથી છૂટાં લાંબા પીછા હોય છે, જે વડે એ સમતુલન જાળવી રાખી શકે છે. વિમાની યુગના પ્રારંભમાં આ હકીકતની ઉપેક્ષા થઈ, જ્યારે કોઈ ભૂલ રહી જતી ત્યારે વિમાન અકસ્માતનો ભોગ બનતું. સુરખાબ, મોટા બગલા, સારસ વગેરે મોટા અને ભારે પંખી ઊડવા માટે પહેલા પાંખો પ્રસારીને દોડે છે જેથી હવા ઉપર આખું શરીર ઉપડી આવે. માણસે તે જોઈને પદાર્થપાઠ લીધો કે વિમાન પવન સામે દોડે તો પાંખોની નીચે હવાનું દબાણ ઉત્પન્ન થાય છે જેથી વિમાન ઊંચકાઈ આવે છે. જમીન પરથી સહેલાઇથી ઊડી શકે છે.
આ યોજનાપૂર્વક રચાયેલી સૃષ્ટિ અને એના પરના આસમાન વિગેરે પર શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીએ તો છેવટે તો અલ્લાહ જ મહાન છે. આ તમામ જહાનનો સર્જનહાર સૃષ્ટિની દરેક પેદાયશને યોજનાપૂર્વક વ્યવસ્થિત રાખનાર અલ્લાહ જ મહાન છે. બાકી બધું તુચ્છ છે એની પ્રતિત થતા જ અલ્લાહની માઅરેફત વધતી જાય અને આપણી મગરૂરીઓ ઓગળી જાય અને તેથી જ અલ્લાહને અનુસરવા માટેની જે રીત ઈસ્લામે સૂચવી છે તેમાં ઈન્શાન મુખેથી અલ્લાહની શ્રેષ્ઠતા ઉચ્ચારતો પોતાનું મસ્તક જમીન પર ઢાળી દેતો હોય છે. સજદો કરતો હોય છે. નમાજ પઢતો હોય છે. આવી ઉત્તમ અને યોગ્ય રીતે અલ્લાહની ઈબાદત કરવાની શીખ ફકત ઈસ્લામ આપે છે.
આજથી 1300-1400 વર્ષ પહેલા પયગંબર સાહેબનું આસમાન પર મેઅરાજ થઈ જ ચૂકયું છે અને ખુદાતઆલાએ પણ એ વાતની યાદ અપાવતું વર્ણન કુરઆને મજીદમાં વિસ્તારથી ફરમાવ્યું છે કે ‘અમો રસૂલે ખુદાને મસ્જિદે હરમથી મસ્જિદે અકસામાં લાવ્યા અને ત્યાર પછી ‘બુરાક’ પર સવાર કરીને આપનું મેઅરાજ કીધું.
આ બધી વાતોનું તાત્પર્ય એટલું જ કે ધર્મ અને વિજ્ઞાનને છૂટા ન પાડી શકાય, જ્યાં સુધી માનવીની શ્રદ્ધા ધર્મમાં છે ત્યાં સુધી માનવી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકશે, પરંતુ જ્યારે માવી ધર્મમાંથી શ્રદ્ધા અને વિશ્ર્વાસ ગુમાવી દેશે ત્યારે વિજ્ઞાન નકામું હથિયાર બની જશે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. જગતકર્તાના ભેદ એ પોતે જ જાણે છે.
* * *
સાપ્તાહિક સંદેશ:
હઝરત અલી સાહેબ કહે છે કે,
*મનુષ્ય જીવતા જીવતો નિંદ્રાધિન છે, પણ મરશે ત્યારે જાગશે.
સૌથી વધુ દયા પાત્ર તે માનવી છે જે વિદ્વાન હોય અને તોય અજ્ઞાનીની આજ્ઞા હેઠળ રહેવું પડે.