એટીએમ સેન્ટરમાં વૉકીટૉકી છુપાવીને ગ્રાહકોને છેતરવાની નવી યુક્તિ અજમાવનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોઈસરમાં એટીએમ સેન્ટરમાંના ‘બોલતા’ મશીનને અનુસરીને છેતરાયેલી મહિલાના બૅન્ક ખાતામાંથી રોકડ રકમની કથિત ઉચાપત કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. એટીએમ સેન્ટરમાં વૉકીટૉકી છુપાવીને તેની મદદથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી છેતરવાની નવી તરકીબ અજમાવનારા થાણે જિલ્લાના કલવા ખાતે રહેતા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
બોઈસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ જિતેન્દ્ર રામદેવ પાલ (26) તરીકે થઈ હતી. કલવાના મનીષનગરમાં જય ભીમનગર ખાતે રહેતા આરોપી પાસેથી પોલીસે બે વૉકીટૉકીના સેટ અને 60 હજારની રોકડ જપ્ત કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પાલઘર જિલ્લાના પામ વિસ્તારની વૃંદાવન નગરી ખાતે રહેતી સમીરા ખાન (37) 14 સપ્ટેમ્બરની સવારે 11.30 વાગ્યાની આસપાસ બોઈસરના શિવાજીનગર પરિસરમાં આવેલા સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના એટીએમ સેન્ટરમાં ગઈ હતી. મશીનમાં એટીએમ કાર્ડ નાખી તેણે સાત હજાર રૂપિયા કઢાવ્યા હતા, પરંતુ પછી તેનું કાર્ડ મશીનમાં જ અટકી ગયું હતું.
ફરિયાદીએ કાર્ડ કાઢવાના પ્રયાસ કર્યા, પણ કાર્ડ મશીનમાંથી નીકળ્યું નહોતું. પછી એકાએક મશીન પાછળથી એક શખસનો અવાજ આવ્યો હતો, જેમાં તે કહેતો હતો કે ‘હું એટીએમ કૅમેરાથી તમને જોઈ શકું છું... જબરદસ્તી કાર્ડ ન ખેંચો... જે સમસ્યા હોય તે મને જણાવો.’
કાર્ડ અટકી ગયા બાબતે મહિલાએ કહેતાં ફરી મશીન પાછળથી અવાજ આવ્યો હતો, જેમાં શખસે ત્રણ વાર પિન નંબર નાખીને કૅન્સલ કર્યા પછી એન્ટર દબાવવાની સૂચના આપી હતી. ફરિયાદી સૂચનાને અનુસરી છતાં કાર્ડ બહાર આવ્યું નહોતું. આખરે મશીન પાછળથી ફરી અવાજ આવ્યો હતો, જેમાં શખસે કહ્યું કે ‘તમારો મોબાઈલ નંબર લખીને મશીન પર મૂકી જાઓ... કાલે મશીન ઑપરેટર આવ્યા પછી કાર્ડ કાઢીને તમને કૉલ કરશે, પછી આવીને કાર્ડ લઈ જજો.’
મશીનની સૂચનાને અનુસરી મહિલા ઘરે ગઈ ત્યારે તેના મોબાઈલ ફોન પર એકાઉન્ટમાંથી 90 હજાર રૂપિયા કઢાવી લેવામાં આવ્યા હોવાનો મેસેજ આવ્યો હતો. તરત જ મહિલાએ બોઈસર પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પાંચ દિવસમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.બોઈસર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુનીલ જાધવે જણાવ્યું હતું કે આરોપીએ વૉકીટૉકીનો ઉપયોગ કરી નવી પદ્ધતિથી એટીએમમાંથી નાણાં કઢાવવા આવેલા ગ્રાહકોને છેતરવાની યુક્તિ અજમાવી હતી. તેણે એક વૉકીટૉકી મશીન પાછળ સંતાડી રાખી હતી, જ્યારે બીજી પોતાની પાસે રાખી હતી. મહિલા રૂપિયા કઢાવવા આવી ત્યારે પાછળ ઊભા રહીને તેણે ચાલાકીથી કાર્ડનો પિન નંબર મેળવી લીધો હતો. તેણે પહેલેથી જ મશીન સાથે ચેડાં કર્યાં હતાં, જેને કારણે કાર્ડ અટકી જાય.
મહિલાનું કાર્ડ મશીનમાં અટકી ગયા પછી આરોપી થોડે દૂર જઈને પોતાની પાસેની વૉકીટૉકીમાંથી સૂચના આપતો હતો, જેનો અવાજ મશીન પાછળના વૉકીટૉકીમાંથી આવતો હતો. તે સમયે મહિલા મશીનની સૂચના હોવાનું માની તેને અનુસરી હતી. આરોપીએ આ રીતની તરકીબ અન્ય કયાં એટીએમ સેન્ટરોમાં અજમાવી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.