Tue Oct 06 2026

Logo

કેબ ડ્રાઈવર્સની હડતાળને લીધે અમદાવાદના મુસાફરો હેરાન, ભારત ટેક્સી વધારે ભાડું લેતી હોવાનો પણ આક્ષેપ

2026-09-23 16:27:00
Author: Pooja Shah
કેબ ડ્રાઈવર્સની હડતાળને લીધે અમદાવાદના મુસાફરો હેરાન, ભારત ટેક્સી વધારે ભાડું લેતી હોવાનો પણ આક્ષેપ

AI


અમદાવાદઃ અમદાવાદમાં ટેક્સી અને ઓટોરિક્ષા ચાલકો દ્વારા ઓલા, ઉબેર અને રેપિડોના બહિષ્કાર વચ્ચે મુસાફરોને કેબ બુક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા અમદાવાદીઓએ સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી અને તેમને ભારત ટેક્સી લેવાનું કેબ ડ્રાઈવર દ્વારા કહેવામાં આવતું હોવાનું જમાવ્યું હતું. જ્યારે બીજી બાજુ ભારત ટેક્સી વધારે ભાડું લેતી હોવાની ફરિયાદો પણ મુસાફરો કરી રહ્યા છે. 

21 સપ્ટેમ્બરથી બહિષ્કાર શરૂ થયો હતો, જેમાં ડ્રાઇવર યુનિયનો દ્વારા સ્થાપિત કેબ એગ્રીગેટર્સ દ્વારા ઓછા ભાડા અને ઊંચા ચાર્જ વસૂલવામાં આવતા હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવરો મુસાફરોને ભારત ટેક્સીનો ઉપયોગ કરવા માટે કહી રહ્યા છે. ભારત ટેક્સી સહકારી મોડેલ પર ચાલતી નવું રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ છે.આ બહિષ્કાર ડ્રાઇવર યુનિયનો દ્વારા કરવામાં આવી રહ્યો છે, એગ્રેગેટર્સ તેમનું શોષણ કરતા હોવાના આક્ષેપ સાથે તેમણે હડતાળ જાહેર કરી હોવાનું કહેવાય છે. આ મહિનાની શરૂઆતમાં, અમદાવાદમાં ટેક્સી અને ઓટોરિક્ષા ડ્રાઇવરોએ પણ મોંઘવારી અને ભાડા પોસાતા ન હોવાની ફરિયાદો સાથે હડતાળ પાડી હતી. 


યુનિયનના અંદાજ મુજબ, અમદાવાદમાં લગભગ એક લાખ ઓટોરિક્ષાઓ અને 30,000-40,000 ટેક્સીઓ કેબ એગ્રીગેટર્સ પાસે નોંધાયેલી છે. અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ડ્રાઈવરોને જે ભાડારૂપે પૈસા મળે છે તે પૂરતા નથી. તેમણે કહ્યું કે ભારત ટેક્સી ડ્રાઇવરો પાસેથી ન્યૂનતમ ફી વસૂલ કરે છે અને મુસાફરોને સવારી માટે વીમા કવરેજ પણ મળે છે.

જોકે, આ ફેરફારથી મુસાફરોમાં ભાડા અંગે ચિંતા વધી છે. એક મુસાફરે મીડિયાને જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં અમદાવાદથી ગાંધીનગર સુધીની ભારત ટેક્સીની રાઈડ માટે રૂ. 850 થી વધુની ચૂકવણી કરી હતી, જ્યારે રેપિડો પર તેની રિટર્ન રાઈડનો ખર્ચ લગભગ રૂ. 425 હતો.ભારત ટેક્સીના ભાડા, જે પહેલા ઓછા હતા, તાજેતરમાં વધ્યા છે. મળતી વિગતો અનુસાર આ નિર્ણય 10 સપ્ટેમ્બરના રોજ ભારત ટેક્સીના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર, એક પ્રીપેડ ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું હતું કે બહિષ્કાર વચ્ચે હાલમાં ફક્ત પ્રીપેડ ટેક્સીઓ અને ભારત ટેક્સીઓ જ ચાલી રહી છે. ભારત ટેક્સી સહકારી મોડેલ પર ચાલતી રાઈડિંગ એપ હોવા છતાં જોઈએ તેટલી લોકપ્રિય થઈ નથી. આ વચ્ચે આ પ્રકારે અન્ય ખાનગી એપ ડ્રાયવરની હડતાળે ઘણા સવાલો ઊભા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.