સોયા રિફાઈન્ડમાં રિફાઈનરોની બાયબૅકમાં લેવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 62 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 47 રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ તેમ જ સ્થાનિક સ્તરે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતા આયાતી તેલમાં 10 કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. 15નો અને આરબીડી પામોલિનમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20 અને સરસવમાં રૂ. 30નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1455 અને સનફ્લાવરના રૂ. 1705, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના રૂ. 1470 અને સરસવના રૂ. 1705 અને જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1471 અને સોયા રિફાઈન્ડના રૂ. 1435 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે ગોકુલ એગ્રોની સોયા રિફાઈન્ડમાં બાયબૅકમાં સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં રૂ. 1405ના મથાળે, ઑક્ટોબર કોન્ટ્રાક્ટમાં રૂ. 1415ના મથાળે, નવેમ્બર કોન્ટ્રાક્ટમાં રૂ. 1420ના મથાળે અને ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં રૂ. 1423ના મથાળે લેવાલી નીકળી હોવાના અહેવાલ હતા.
આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 10,000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1750માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે રાજકોટ મથકે 2200 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1650માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ મધ્ય પ્રદેશનાં મથકો પર આજે સોયાસીડની 50,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5500થી 5700માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5750થી 5950માં થયા હતા. તેમ જ આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 2760માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 20 ઘટીને રૂ. 1740ના મથાળે થયા હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1480, સોયા રિફાઈન્ડના રૂ. 1455, સન રિફાઈન્ડના રૂ. 1720, સિંગતેલના રૂ. 1790, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1630 અને સરસવના રૂ. 1730ના મથાળે રહ્યા હતા.