મલયાલમ સિનેમા અને રંગમંચની જાણીતી અભિનેત્રી સાવિત્રી શ્રીધરનનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે કોઝિકોડે સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. એક અહેવાલ મુજબ સાવિત્રી છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન હતા. તેમના નિધનના સમાચારથી મલયાલમ ફિલ્મ અને થિયેટર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. સાવિત્રીને ખાસ કરીને 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સુડાની ફ્રોમ નાઈજિરિયા’માં ભજવેલા જમીલા પાત્ર માટે યાદ કરવામાં આવે છે.
‘સુડાની ફ્રોમ નાઇજિરિયા’થી મળી અલગ ઓળખ
સાવિત્રી શ્રીધરને ‘સુડાની ફ્રોમ નાઇજીરિયા’માં જમીલાનું પાત્ર ભજવીને દર્શકો અને સમીક્ષકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી અને આ ભૂમિકાએ તેમને અનેક મહત્વપૂર્ણ સન્માનો પણ અપાવ્યા હતા. વર્ષ 2019માં તેમને કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ કેરેક્ટર એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
આ ઉપરાંત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પણ તેમના અભિનયને સ્પેશિયલ મેન્શન દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં સાવિત્રીનો અભિનય તેમની સહજતા અને અસરકારક સંવાદ રજૂઆત માટે ખાસ ચર્ચામાં રહ્યો હતો. આ સફળતા બાદ તેમણે મલયાલમ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. તેઓ ‘વલિયાંગડી’, ‘ડાકિની’, ‘મેરા નામ શાજી’, ‘વાયરસ’, ‘ઇટ્ટિમાની: મેડ ઇન ચાઇના’, ‘પાડા’ અને ‘પપ્પન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
16 વર્ષની ઉંમરે શરૂ કરી હતી રંગમંચની સફર
ફિલ્મોમાં ઓળખ બનાવતાં ઘણાં વર્ષો પહેલાં જ સાવિત્રી શ્રીધરને રંગમંચને પોતાની કારકિર્દી બનાવી હતી. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે એમેચ્યોર થિયેટરથી અભિનયની શરૂઆત કરી હતી. લગભગ બે દાયકા સુધી તેમણે શોખિયા રંગમંચ પર સતત કામ કર્યું હતું અને ત્યાર બાદ પ્રોફેશનલ થિયેટર તરફ વળ્યા હતા. પોતાના લાંબા થિયેટર કરિયરમાં તેમણે કેરળની અનેક જાણીતી નાટ્યમંડળીઓ સાથે કામ કર્યું હતું. ધીમે-ધીમે તેઓ રાજ્યના થિયેટર સમુદાયમાં એક સન્માનિત નામ બની ગયા હતા. અભિનય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને રંગમંચ સાથે જોડાયેલા કલાકારો વચ્ચે વિશેષ ઓળખ અપાવી હતી.
કે.ટી. મોહમ્મદના જાણીતા નાટકમાં પણ કર્યું કામ
સાવિત્રીના રંગમંચીય સફરમાં જાણીતા નાટ્યકાર કે. ટી. મોહમ્મદના પ્રસિદ્ધ નાટક ‘દીપસ્તંભમ મહાશ્ચર્યમ’માં કામ કરવું પણ મહત્વપૂર્ણ પડાવ રહ્યું હતું. આ નાટક સાથે જોડાયા બાદ તેમણે અન્ય અનેક જાણીતા થિયેટર ગ્રુપ્સ સાથે પણ કામ કર્યું હતું. ઉંમર વધતી હોવા છતાં રંગમંચ સાથે તેમનો સંબંધ લાંબા સમય સુધી જળવાઈ રહ્યો હતો. રંગમંચમાં તેમના યોગદાન બદલ કેરળ સંગીત નાટક અકાદમીએ પણ તેમને સન્માનિત કર્યા હતા. તેમને કેરળ સંગીત નાટક અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રંગમંચ અને પડદા બંને પર પોતાના અભિનયની છાપ છોડી
સાવિત્રી શ્રીધરનના પાર્થિવ દેહને આજે લોકોના અંતિમ દર્શન માટે કોઝિકોડેના ટાઉન હોલમાં રાખવામાં આવ્યા હતા. લોકો બપોરે 3:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. તેમના નિધન સાથે મલયાલમ થિયેટર અને સિનેમાએ એવી કલાકારને ગુમાવ્યા છે, જેમણે રંગમંચ અને પડદા બંને પર પોતાના અભિનયની આગવી છાપ છોડી હતી.