મુંબઈ: બોલીવુડના અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા ફરી ચર્ચામાં છે. તાજેતરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદા પોતાની રુમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાણી સ્વર્ણકાર સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યાર બાદ સુનીતા આહુજાનું નિવેદન ગોવિંદા સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યું છે. જોકે, સુનીતાએ પોતાના નિવેદનમાં ગોવિંદાનું સીધું નામ લીધું નથી, પરંતુ લોકો સીધા કનેક્ટ કરે છે.
સુનીતાએ કહ્યું- માણસો કરતાં જાનવરો વધુ સારા
મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી સાથે વાતચીત દરમિયાન સુનીતા આહુજાએ પોતાના ડોગી વિન્ટર વિશે વાત કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે માનવીય સંબંધો અને પ્રાણીઓ પ્રત્યેના પોતાના લગાવ અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. સુનીતાએ જણાવ્યું હતું કે માનવીય સંબંધોમાં ક્યારેક દગો જોવા મળે છે, જ્યારે પ્રાણીઓ કોઈ સ્વાર્થ વિના પ્રેમ કરે છે. તેના આ નિવેદનમાં ‘દગાબાજ માણસો’વાળી વાતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે તેના નિવેદનને ગોવિંદા સાથેના સંબંધો સાથે જોડવાનું શરૂ કર્યું છે. જોકે, સુનીતા કોઈ ચોક્કસ વ્યક્તિ તરફ ઈશારો કરી રહી હતી કે પછી સામાન્ય રીતે પોતાના અનુભવ વિશે વાત કરી રહી હતી, તે સ્પષ્ટ નથી.
રાજાના દરબારમાં કોમલ સાથે જોવા મળ્યો ગોવિંદા
ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદાના લાલબાગચા રાજાના પંડાલ પહોંચવાના ફોટા અને વીડિયો પણ ચર્ચામાં રહ્યા હતા. અભિનેતા અહીં કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોવા જોવા મળ્યો હતો. બંનેએ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને ત્યાં હાજર લોકો તેમજ પાપારાઝીનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પહેલાં સુનીતા આહુજા પણ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. બંને અલગ-અલગ સમયે પંડાલમાં પહોંચ્યા હતા અને બાદમાં ગોવિંદા કોમલ સાથે જોવા મળ્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના વૈવાહિક સંબંધોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, ગોવિંદા કે સુનીતા તરફથી આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટ જાહેર નિવેદન સામે આવ્યું નથી. તેથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોને તેમના સંબંધોની સ્થિતિનું ચોક્કસ પ્રમાણ માનવું યોગ્ય નથી.
ગણેશોત્સવમાં પણ અલગ-અલગ જોવા મળ્યો પરિવાર
આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન પણ ગોવિંદા અને સુનીતા સાથે જોવા મળ્યા નહોતા. બંનેએ અલગ-અલગ રીતે તહેવારની ઉજવણી કરી હતી. સુનીતાએ અગાઉ જણાવ્યું હતું કે ગોવિંદા અમેરિકા પરથી પરત ફર્યા બાદ ગણપતિ બાપ્પાના દર્શન કરશે. ત્યાર બાદ ગોવિંદા લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો. દર્શન કર્યા બાદ તેઓ પોતાના ઘરે પણ ગયા હતા, જ્યાં તેમના બાળકો ટીના અને યશવર્ધન જોવા મળ્યા હતા. આ દરમિયાન સુનીતાની ગેરહાજરીએ ફરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
છૂટાછેડાની અફવા વચ્ચે ફેમિલી કોર્ટ સુધી પહોંચી
ગોવિંદા અને સુનીતાના સંબંધોને લઈને ચર્ચા નવી નથી. અગાઉ પણ બંનેના છૂટાછેડાની અફવાઓ સામે આવી ચૂકી છે. તાજેતરમાં સુનીતા પોતાના પુત્ર યશવર્ધન સાથે મુંબઈ ફેમિલી કોર્ટની બહાર જોવા મળી હતી. ત્યાર બાદ તેમના છૂટાછેડાને લઈને ફરી અટકળો શરૂ થઈ હતી. જોકે, ગોવિંદાના મેનેજરે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે સુનીતા અગાઉ દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજી પરત ખેંચવાની પ્રક્રિયા માટે કોર્ટમાં ગઈ હતી. તેમ છતાં, ગોવિંદા કે સુનીતાએ આ મામલે પોતે કોઈ વિગતવાર જાહેર નિવેદન આપ્યું નથી.
અફવાઓ વચ્ચે ચાહકોની નજર કપલ પર
ગોવિંદા અને સુનીતાના લગ્નને અનેક દાયકાઓ થઈ ચૂક્યાં છે અને બંને લાંબા સમયથી બોલીવુડના વિવાદાસ્પદ કપલ રહ્યા છે. તેથી તેમના સંબંધોને લગતી કોઈપણ ખબર તરત જ ચર્ચામાં આવી જાય છે. આ વખતે પણ લાલબાગચા રાજાના દર્શન, કોમલ રાણી સાથે ગોવિંદાની હાજરી અને સુનીતાના ‘દગાબાજ માણસવાળા નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, હાલ સુધી બંને તરફથી એવું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, જેના આધારે તેમના સંબંધોની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટ નિષ્કર્ષ કાઢી શકાય.