Sun Oct 04 2026

Logo

મનુ ભાકર મેડલ ગુમાવવા કરતાં કોચ જસપાલ રાણા ગુમાવવાને કારણે ભાવુક થઈ અને રડી પડી

Nagoya   2026-09-23 18:34:55
Author: Ajay Motiwala
મનુ ભાકર મેડલ ગુમાવવા કરતાં કોચ જસપાલ રાણા ગુમાવવાને કારણે ભાવુક થઈ અને રડી પડી

નાગોયાઃ 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના ભૂતપૂર્વ શૂટિંગ-સમ્રાટ જસપાલ રાણાના માર્ગદર્શનમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચનાર મહિલા શૂટર મનુ ભાકર બુધવારે જાપાનની એશિયન ગેમ્સમાં 10 મીટર ઍર પિસ્તોલની હરીફાઈમાં છેક પાંચમા નંબર પર આવી હતી અને મેડલ ચૂકી ગયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેણે ચંદ્રક ચૂકી જવા કરતાં કોચ રાણાની ગેરહાજરીથી પોતાને વધુ નુકસાન થયું એવો સંકેત આપ્યો હતો અને રાણાને યાદ કરીને રડી પડી હતી. તેણે રાણાને એશિયન ચૅમ્પિયન અને `બેસ્ટ ઑફ ધ બેસ્ટ' તરીકે ઓળખાવ્યા હતા.

જસપાલ રાણાનું જૂન, 2026માં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. તેઓ 49 વર્ષના હતા અને મનુ ભાકર ઉપરાંત અનેક યુવા નિશાનબાજોની કરીઅરને ચાર ચાંદ લગાવવામાં રાણાનું બહુ મોટું યોગદાન હતું. જસપાલ રાણા હંમેશાં મનુ ભાકરને સલાહ આપતા હતા કે `હરીફાઈના પરિણામને બદલે પોતે જે કરી રહ્યા હોય એની ગતિ કે પ્રક્રિયા પર જ પૂરી એકાગ્રતા રાખવી જોઈએ.'

મનુ ભાકરે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન એશિયાડનો મેડલ ચૂકી જવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી, પરંતુ જ્યારે તેને પિસ્તોલ-લેજન્ડ જસપાલ રાણા (Rana) વિશે સવાલ પૂછાતાં તે કંઈ પણ બોલતાં પહેલાં ભાવુક થઈ ગઈ હતી અને રાણાએ આપેલી સલાહ યાદ આવતાં તેમ જ તેમના કોચિંગની સ્ટાઇલની યાદ આવી જતાં તે રડી પડી હતી. જૂનમાં રાણાનું દેહાંત થયું હતું અને પછીથી કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગની હરીફાઈ નહોતી એટલે મનુ ભાકર માટે એશિયન ગેમ્સ રાણાની વિદાય પછીની પહેલી મોટી સ્પર્ધા છે. રાણા એશિયન ગેમ્સ (Asian Games)માં ચાર ગોલ્ડ સહિત કુલ આઠ ચંદ્રક જીત્યા હતા.

મનુ સહિતની ત્રિપુટી નિષ્ફળ

મનુ ભાકર (Manu bhakar) તેમ જ એશા સિંહ અને સુરુચિ સિંહ સહિતની મહિલા ત્રિપુટીએ જાપાનની એશિયન ગેમ્સમાં 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ઝુકાવ્યું હતું, પરંતુ એશા અને સુરુચિ ફાઇનલમાં નહોતી પહોંચી શકી. એશા 572ના સ્કોર સાથે 15મા નંબરે રહી હતી. વર્લ્ડ કપમાં કેટલાક ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી સુરુચિ 568ના સ્કોર સાથે ફાઇનલના આઠ સ્પર્ધકના જૂથની બહાર રહી ગઈ હતી. તેઓ આઉટ થઈ જતાં મનુ ભાકર પર અપેક્ષાનો બોજ આવી ગયો હતો અને તે ક્વૉલિફિકેશન રાઉન્ડ બાદ સાતત્યતા નહોતી જાળવી શકી અને 181.1ના સ્કોર સાથે મેડલની રેસની બહાર થઈ ગઈ હતી. સાઉથ કોરિયાની ચુ ગેયુન 246.3ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતી હતી. તેની મુખ્ય હરીફ ચીનની શેન યિયાઓ (241.3) સિલ્વર જીતી હતી.