કકામિગહરા (જાપાન)ઃ ભારતે એશિયાના દેશો વચ્ચે રમાતી એશિયન ગેમ્સમાં મેન્સ અને વિમેન્સ, બન્નેમાં હૉકીનો ગોલ્ડ મેડલ જીતી લીધો હોય એવું પહેલી જ વખત બન્યું છે. શુક્રવારે સલિમા ટેટેના સુકાનમાં ભારતની મહિલા હૉકી (Hockey)ની ટીમે ચડિયાતા રૅન્કવાળા ચીનની ટીમને ફાઇનલમાં 1-0થી હરાવીને 44 વર્ષે પહેલી વખત દેશને સુવર્ણચંદ્રક અપાવ્યો ત્યાર બાદ શનિવારે હરમનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં ભારતે મલયેશિયાને 5-1થી કચડીને સુવર્ણચંદ્રક પર કબજો કર્યો હતો. ભારતની મેન્સ હૉકી ટીમ 1966, 1998, 2014 અને 2022 પછી પાંચમી વખત ગોલ્ડ મેડલ જીતી છે.
વધુ ખુશીની વાત એ છે કે ભારતની મહિલા અને પુરુષ, બન્ને ટીમે એશિયાડનો ગોલ્ડ જીતીને 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. પહેલી જ વખત એવું બન્યું છે જેમાં એક જ એશિયન ગેમ્સમાં ભારતના પુરુષ અને મહિલા, બન્ને વર્ગની હૉકી ટીમ ચૅમ્પિયન બની છે. પુરુષોની હૉકીમાં સતત બે વખત ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાન પછી ભારત બીજો દેશ છે. હરમનપ્રીત સતત બે ગોલ્ડ (Gold) જીતનાર ભારતનો પ્રથમ કૅપ્ટન છે.
PTI
શનિવારની મેન્સ ફાઇનલમાં હરમનપ્રીત સિંહે 11મી મિનિટ અને 57મી મિનિટ, એમ બે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહે 23મી મિનિટમાં, વાઇસ-કૅપ્ટન હાર્દિક સિંહે 42મી મિનિટમાં અને શિલાનંદ લાકરાએ 54મી મિનિટમાં ગોલ કર્યો હતો. આ પાંચ ગોલના ધમાકા સામે મલયેશિયા તરફથી માત્ર 14મી મિનિટમાં શેલો સિલ્વેરિયસે ગોલ કર્યો હતો. એ સિવાય, ભારતે ડિફેન્સ એટલું બધુ મજબૂત રાખ્યું હતું કે મલયેશિયાના સ્ટ્રાઇકર્સ વધુ ગોલ કરી જ નહોતા શક્યા.
ભારતીય સુકાની હરમનપ્રીત 12 ગોલ સાથે આ વખતના એશિયાડનો સર્વશ્રેષ્ઠ ગોલ-સ્કોરર બન્યો હતો. ભારતને શનિવારની મૅચમાં કુલ 14 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા, જ્યારે મલયેશિયન ટીમને ફક્ત બે કૉર્નર મળી શક્યા હતા.
મનપ્રીત સિંહ ભારતનો પીઢ ખેલાડી છે અને તેણે ત્રીજી વખત ગોલ્ડ મેડલનું સેલિબે્રશન કર્યું છે. તે 2014 તથા 2022ની એશિયન ગેમ્સમાં પણ હતો અને ત્યારે ભારત ચૅમ્પિયન બન્યું હતું.