કિશોર વ્યાસ
‘આયો આડર ગુરે, વ્યો ગુરે વોરાંણી’ ‘આયો’ એટલે ‘જે આવે તે’, ‘આડર’નો અર્થ થાય છે આદર, ‘ગુરે’ એટલે માગે, ‘વ્યો’નો અર્થ છે ‘જે જાય તે’ ‘વોરાંણી’ એટલે વિદાય... શબ્દાર્થ છે: જે આવે તે આદર માગે અને જતી વખતે વિદાય માગે! પરંતુ તેનો તદ્ન ટૂંકો ભાવાર્થ છે: વ્યક્તિને માન આપવું.
આપણે ઘણી બધી આશાઓ સાથે જીવતા હોઈએ છીએં, પણ આશાનાં પરિણામ પારખી શકાતાં નથી. ચોવક કહે છે: ‘આશા નેં પાસા, કડેં અવરા કડેં સવરા.’ અહીં આશાને ‘પાસા’ સાથે સરખાવવામાં આવી છે અને ‘પાસા’ એટલે આમ તો જુગાર રમવામાં વપરાતી ‘ધાણી’ના પાસા... પણ અહીં જીવનમાં થતાં કર્મોનાં પરિણામ સાથે વધારે સંબંધ હોય તેવું લાગે છે, કારણ કે ચોવકનો શબ્દાર્થ છે: આશા અને પાસા ક્યારેક અવળા તો ક્યારેક સવળા પડતા હોય છે. પરિશ્રમનાં ફળ સાથે પણ સરખાવી શકાય.
આશા ફળે ત્યારે- અધધધ આપે અને અવળી થાય ત્યારે નિરાશા આપી જાય છે. અહીં જે ‘કડેં’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે ‘ક્યારેક’ અને ‘અવરા - સવરા’નો મતલબ છે ‘અવળા-સવળા’!
એક બહુ સરસ ચોવક છે: ‘ઓસાંણ વડો હથિયાર’ ‘ઓસાંણ’નો અર્થ થાય છે: ‘જુસ્સાપૂર્વકની નવી હિમ્મત. ‘વડો’એટલે મોટો કે (અહીં) મોટું. ચોવકનો શબ્દાર્થ છે: હિમ્મત એજ મોટું હથિયાર છે.
કોઈ એક કાર્યમાં નિષ્ફળ ગયા પછી ફરી તેમાં સફળતા મેળવવા માટે જુસ્સાપૂર્વક નવી હિંમત સાથે એ કાર્યની શરૂઆત કરવી જોઈએ. નિરાશ થઈને બેસી ન રહેવાય.
આ ચોવક માણજો મિત્ર. ચોવક છે: ‘કડેંક માટી મટતેં, કડેંક મટ માટી તેં’ ‘કડેંક’ શબ્દનો અર્થ થાય છે ‘ક્યારેક’ અને ‘માટી’ એટલે ‘માટી’. ‘મટતેં’ એટલે માટલાં પર...
ચોવકનો સરળ શબ્દાર્થ છે: ક્યારેક માટી માટલાં પર તો ક્યારેક માટલું માટી પર! પરંતુ તેનો ભાવાર્થ જુદો જ છે, જેને નથી માટલા સાથે સંબંધ કે નથી માટી સાથે સંબંધ! અર્થને સંબંધ છે, જીવનમાં સમય પ્રમાણે થતી ઊથલપાથલ સાથે! - સમય પ્રમાણે ઊભા થતા સંજોગો સાથે, કે હાલત સાથે!
ઘણા લોકો એવા જોવા મળે છે કે જેને કામ કરવું ગમતું જ નથી. તેમની માનસિકતા જ એવી છે. જેને આપણે ‘કામનો કૂડો’ કહેતા હોઈએ છીએં. તેવા લોકોની માનસિકતા દર્શાવતી ચોવક છે: ‘કમ કરે કેર કમી થ્યો આય?’ મતલબ કે કામ કરીને કોણ કર્મઠ થયું છે? ‘કમ’ એટલે કામ. ‘કરે’ એટલે કરીને, અને ‘કેર’નો અર્થ થાય છે કોણ? ‘કરમી’ કર્મઠના અર્થમાં વપરાયેલો શબ્દ છે. ‘થ્યો આય?’ એટલે થયું છે? મજાકમાં પણ આ ચોવકનો ઉપયોગ થાય છે પણ તેનો મૂળ અર્થ તો એ જ કે ‘કામ ન કરવાની માનસિકતા.’
પરંતુ બીજી ચોવક છે જે કામની શક્તિને ઉજાગર કરે છે. કહે છે કે: ‘કમ તિતે કરમ’ કમ એટલે કામ, ‘તિતે’નો અર્થ છે ‘ત્યાં.’ ‘કરમ’ એટલે કર્મ (ધર્મ) ચોવક કહે છે કે, જ્યાં કામ છે ત્યાં જ કર્મ (ધર્મ) છે! અહીં કામનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.
ગુજરાતીમાં આપણે એક કહેવત વારંવાર પ્રયોજતા હોઈએ છીએં કે ‘જેવું કરો તેવું પામો’ એ જ અર્થમાં એક ચોવક છે: ‘કરણી તેડી ભરણી’ ‘કરણી’નો અર્થ થાય છે કર્મ, ‘તેડી’ એટલે તેવી. સરળ ભાવાર્થ છે: ‘જેવું કરશો તેવું પામશો’ કર્મનાં ફળ!
‘કરમ’ને ભાવિના અર્થમાં પ્રયોજીને ચોવક બની છે: ‘કરમ કો’ ઉપટી નાંય ન્યારેં’ ‘કો’ એટલે કોઈ. ‘ઉપટી’નો અર્થ થાય છે: ખોલીને, ‘નાંય’ એટલે નથી અને ‘ન્યારેં’નો અર્થ છે ‘જોવું કે જોયું. મૂળમાં અર્થ એવો છે કે, ભાવિથી અજાણ હોવું.
શબ્દાર્થ છે: ભવિષ્યના પેટારાને કોઈ ખોલીને જોઈ શકતું નથી.’