હેન્રી શાસ્ત્રી
નગદ નારાયણ માટે નારાયણીના ખેલ
‘યુદ્ધસ્ય કથા રમ્યા:’ ભલે કહેવાતું હોય, પણ રશિયન યુદ્ધની કથા જાણશો તો અરેરાટી થશે, શરમ આવશે, ક્રોધ ચડશે... જગત આખામાં પૈસો એ હદે પ્રિય અને પાવરફુલ થઈ ગયો છે કે માણસ છેલ્લી પાટલીએ બેસવા તૈયાર થઈ જતાં અચકાતો નથી, બલકે હોંશે હોંશે તૈયાર થઈ જાય છે. ભૌતિકવાદને ભગવાન સમજતી રશિયન મહિલાઓ અંગત સ્વાર્થ માટે ભલાભોળા પુરુષોને પટાવી એની સાથે પરણી રશિયા-યુક્રેન યુદ્ધમાં ધકેલી દે છે.
એક મિનિટ, દેશદાઝ - દેશભક્તિની કોઈ વાત નથી કે ‘મરજો ને કાં મારજો પૂંઠ ન દેજો લગાર’ જેવી શીખ દેતી વીર ભામિનીની પણ વાત નથી. વાત છે ખુવારીના વળતરના લાલચની. ચાર વર્ષથી ચાલી રહેલા યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની પત્ની અથવા પરિવાર ના સૌથી નિકટના લોકોને સરકાર તરફથી એક ચોક્કસ રકમની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 50 લાખ રૂબલથી 80 લાખ રૂબલ (આશરે 57 લાખ રૂપિયાથી 91 લાખ રૂપિયા) જેટલી માતબર હોય છે.
યુદ્ધ મોરચે ગયેલી વ્યક્તિ શહીદ થાય તો તેના પરિવારને પરેશાની ભોગવવી ન પડે એ આશય છે. જોકે કેટલાક ક્રૂર લોકો ઉમદા દેખાતા આ હેતુનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયન મીડિયામાં ‘બ્લૅક વિડો’ના વ્યથિત કરી દેતા કિસ્સા જોવા-જાણવા મળી રહ્યા છે. અનેક મહિલા સામેથી પુરુષનો સંપર્ક કરી તેમને ફોસલાવીને લગ્ન કરી લે છે અને ચાર દિન કી ચાંદની પૂરી થાય એટલે ભરથારને ભૂમિના રક્ષણ માટે યુદ્ધમાં મોકલી દે છે. ન કરે નારાયણ એ સૈનિક મૃત્યુ પામે તો નારાયણી આર્થિક વળતર મેળવી લે છે. ‘સબસે બડા રૂપૈયા’ બહુ સાચી વાત છે, હેં ને!
નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ નોખો છે
‘હર ઘર તિરંગા’ એ ભારત સરકારનું રાષ્ટ્રીય અભિયાન છે જેનો હેતુ લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વધારવાનો છે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનને દરેક ઘરમાં ઉત્સવ તરીકે ઊજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રધ્વજ માટે તિરંગો શબ્દનો ઉપયોગ ઘણી વાર થાય છે, કારણ કે ઘણા દેશના ફ્લૅગમાં ત્રણ રંગનો સમાવેશ જોવા મળે છે.
વિવિધ દેશના રાષ્ટ્રધ્વજના રંગોની માહિતી અનુસાર વિશ્વના સ્વતંત્ર દેશોના 192 ધ્વજ છે અને એમાંના સૌથી વધારે ત્રણ રંગના છે. આપણા પાડોશી દેશ નેપાળના ધ્વજની બેજોડ છે. એનો રાષ્ટ્રીય ધ્વજ દુનિયાનો એવો એકમાત્ર ફ્લેગ છે જે દેખાવમાં ચોરસ આકારનો નથી. બે ત્રિકોણાકારના સુમેળથી તૈયાર થયેલો આ ધ્વજ અગાઉ દેશ પર રાજ કરનાર રાણા વંશનાં બે જૂથનું પ્રતિનિધિત્વ કરે છે.
આ બે ત્રિકોણ આકાર ગઈ સદીમાં પહેલીવાર જોડવામાં આવ્યા હતા. જોકે દેશના સત્તાવાર ધ્વજ તરીકે એનો સ્વીકાર 1962માં થયો હતો જ્યારે બંધારણીય સરકાર અસ્તિત્વમાં આવી હતી. આ ધ્વજ પર સૂર્ય અને ચંદ્રનાં પ્રતીક છે. જ્યાં સુધી સૂરજ અને ચંદ્રમાનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી નેપાળ અને નેપાળના લોકોનું અસ્તિત્વ રહેશે એવી માન્યતા છે.
પાણીની અછતે બે હજાર વર્ષ જૂનો બ્રિજ બતાવ્યો
આફતમાં અવસર કહેવત તમે જાણતા હશો. મુશ્કેલીમાં મોકો શોધી કાઢવો કે મળી જવો એ આ કહેવતનો ભાવાર્થ છે. ‘પ્રૉબ્લેમ સૉલ્વિંગ’ રાષ્ટ્રની ખ્યાતિ ધરાવતા યુરોપિયન દેશ ઈટલીમાં એક સમસ્યાએ સંસ્કૃતિ સાથે સાક્ષાત્કાર કરાવ્યો હોવાની ઘટના તાજેતરમાં બની છે. રોમ ભડકે બળતું હતું ત્યારે રાજા નીરો વાંસળી (કે વાયોલિન ?! ) વગાડતો હતો એ અસાધારણ શરમજનક ઐતિહાસિક ઘટનાના સમયમાં રોમમાં એક બ્રિજ હતો જે રાજાના નામ પરથી નીરો બ્રિજ તરીકે ઓળખાતો હતો.
ઈટલીની સૌથી લાંબી એવી ટીબર નદી પર બાંધવામાં આવેલા આ બંધને નદીને કારણે ખ્યાતિ મળી હતી. આ નદીના કાંઠે રોમ વસ્યું હતું અને એ રોમન સામ્રાજ્યની જીવાદોરી તરીકે પંકાઈ હતી. કાળક્રમે બ્રિજનો વપરાશ ઘટતા અને નદીની સપાટીમાં ખાસ્સો વધારો થવાને પગલે એ બ્રિજ પાણીમાં ગરક થઈ ગયો. આશરે 1950 વર્ષના વહાણાં વીતી ગયા પછી આ બ્રિજે ફરી દર્શન દીધાં છે. ઈટલીમાં આ વર્ષે મેઘરાજા રિસાઈ ગયા હોવાથી અનેક જળસંગ્રહની સપાટી નીચે ઊતરી ગઈ છે.
ટીબર નદી પણ એમાં અપવાદ નથી રહી. નદીમાં નીરની અછતને પગલે જળનું સ્તર એટલું નીચે ઊતરી ગયું છે કે બ્રિજ સપાટી પર દેખાઈ રહ્યો છે. આ ઘટના વાઇરલ થવાને કારણે એન્ટિક બ્રિજ ટુરિસ્ટ સ્પોટ બની ગયો છે. ગાઇડ પણ પુલ અને નદીના ઇતિહાસની સાથે સાથે નીરોની કહાણી સંભળાવી બે પૈસા રળતો થઈ ગયો છે. સંસ્કૃતિની કેવી કેવી કૃતિ હોઈ શકે એની કલ્પના પણ ન થઈ શકે.
અઢી અબજના ઑર્ડર, પેમેન્ટ ઝીરો
મનુષ્યનું મગજ ખરેખર ગજબનાક છે. એવા એવા ખેલ દેખાડે કે લોકો ચકરાવે ચડી જાય. આ અજબ દુનિયામાં ગજબ ઘટનાઓ સતત બનતી રહે છે. બત્રીસ વર્ષની જાપાનીઝ મહિલાનાં કરતૂતો એનું વિશિષ્ટ ઉદાહરણ છે. રેસ્ટોરાંમાં કામ કરતી એક સન્નારીની ધરપકડ કરવા આવી ત્યારે એનો ‘ગુનો’ સાંભળી અનેક લોકોને ચક્કર આવી ગયાં.
2024 અને 2025 એ બે વર્ષ દરમિયાન મૅડમે ઘરે બેઠાં બેઠાં 4.3 અબજ બિલિયન યેન (આશરે અઢી અબજ રૂપિયા)ની કિંમતની વિવિધ પ્રોડક્ટનો ઑનલાઇન ઑર્ડર આપ્યો, પણ એમાંથી એકની પણ ડિલિવરી લીધી નહીં. મતલબ ઝીરો પેમેન્ટ. આ કામ કરવા માટે તેણે અલગ અલગ 238 એકાઉન્ટનો ઉપયોગ કર્યો. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ન કરવા માગતા લોકો માટે જાપાનમાં કન્વિનિયન્સ સ્ટોરની સગવડ છે, જ્યાં ખરીદદાર પ્રોડક્ટ મગાવી શકે છે.
આ મહિલાએ એક જ કંપનીને લક્ષ્ય બનાવી એની અનેક પ્રોડક્ટ સ્ટોરમાં મગાવી, પણ ડિલિવરી લીધી નહીં. અમુક સમય સુધીમાં જો ગ્રાહક પ્રોડક્ટ ન લઈ જાય તો ઑર્ડર કૅન્સલ થઈ જાય. દેખીતી રીતે કંપનીને કોઈ નુકસાન ન થાય, પણ પ્રોડક્ટ દુકાન સુધી પહોંચાડવાનો અને પછી પાછી લઈ જવાનો ખર્ચ તો ભોગવવો જ પડે ને. એટલું જ નહીં મૅડમે કેટલીક પ્રોડક્ટ કૅશ ઑન ડિલિવરી’ના વિકલ્પ સાથે ઑર્ડર કરી, પણ ઘરે માણસ આવે ત્યારે રિજેક્ટ કરી દેતી હતી.
મહિલાની આ હરકતોને કારણે કંપનીને 75 લાખ મિલ્યન યેન (આશરે 45 લાખ રૂપિયા)નો ફટકો પડ્યો ‘ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારહ આના’ જેવો ઘાટ થયો. મહિલાના ઑર્ડરને કારણે ‘આઉટ ઑફ સ્ટૉક’ની જાહેરાત કરવી પડી અને જે લોકો ખરીદવા માગતા હતા એ લોકો વંચિત રહી ગયા એ અલગ. કંપનીએ પોલીસમાં ફરિયાદ કરતાં એક વર્ષ ચાલેલી તપાસ પછી તાજેતરમાં આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આવી હરકતનું કારણ પૂછતાં મહિલાએ કહ્યું કે પોતે બહુ સ્ટ્રેસ અનુભવતી હતી અને આ કામથી એને માનસિક રાહત મળતી હતી.!
લ્યો કરો વાત
‘બચ્ચે મન કે સચ્ચે’ અમથું નથી કહેવાતું. માસૂમિયત તેમના ચહેરા પર જ નહીં તેમની વાણીમાં પણ ટપકતી દેખાય છે. એમની નિખાલસતાનો તો જવાબ નહીં. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક કિસ્સો આનું સમર્થન કરે છે. વાંચ્યા પછી હસવું આવશે અને વિચારે પણ ચડી જશો. સ્કૂલના વર્ગમાં બાળકોને સવાલ પૂછવામાં આવ્યો કે ‘જંગલોમાંથી વન્યજીવોની સંખ્યા કેમ ઘટી રહી છે?
મોટા ભાગનાં બાળકોએ શિકાર, પ્રદૂષણ જેવાં કારણ લખ્યાં. એક બાળકે લખ્યું કે ‘ખૂબ ઝાડ કપાઈ રહ્યાં છે અને જનાવરોને કિડનેપ કરી પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવી રહ્યા છે. એટલે જાનવરોની સંખ્યા ઘટી રહી છે.’ આ માસૂમ જવાબ વાંચી ટીચરને પહેલા તો ખૂબ હસવું આવ્યું પણ પછી ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ તેજીથી ફેલાઈ ગઈ અને હળવી અને ગંભીર પ્રતિક્રિયાઓ આવી.