Wed Aug 19 2026

Logo

FBI એ પંજાબી ગેંગસ્ટર મેજર સિંહને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો, ડ્રગ્સ અને હથિયાર તસ્કરીનો આક્ષેપ

Washington DC   2026-08-19 12:59:00
Author: Vimal Prajapati
Article Image

વોશિંગ્ટન ડીસી: અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી FBI એ આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક સાથે જોડાયેલા પંજાબના ગેંગસ્ટર મેજર સિંહને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે. FBIના જણાવ્યા અનુસાર, મેજર સિંહ કુખ્યાત જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો સક્રિય સભ્ય છે, જેનું નેટવર્ક અમેરિકાના લોસ એન્જેલસ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ફેલાયેલું છે.

મેજર સિંહ પર કયા ગંભીર આક્ષેપો છે?

વિગતે વાત કરવામાં આવે તો, FBI દ્વારા મેજર સિંહ સામે RICO એક્ટ હેઠળ ગુનાહિત કાવતરું,  ગેરકાયદેસર શસ્ત્રોનો વેપાર અને ડ્રગ્સ તસ્કરી સહિત ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર વિરોધી RICO (Racketeer Influenced and Corrupt Organizations) કાયદા હેઠળ કાવતરું રચવાનો આરોપ છે. આ સાથે લાયસન્સ વગર ગેરકાયદેસર હથિયારોની ખરીદ-વેચાણ અને સપ્લાય નેટવર્ક ચલાવવું અને નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય સ્તરે હેરાફેરી અને વેચાણના આરોપ હેઠળ મેજર સિંહને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અમેરિકી કોર્ટે એરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું

FBI ના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં મેજર સિંહ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 25 જૂન 2026 ના રોજ તેની સામે એરેસ્ટ વોરન્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. હાલમાં FBI તેની શોધખોળ કરી રહી છે અને સામાન્ય જનતાને તેના વિશે કોઈ માહિતી મળે તો એજન્સીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. એક્સ પર પોસ્ટ કરતા એજન્સી દ્વારા મેજર સિંહ અંગે વિગતે પણ જાહેર કરવામાં આવી છે

 

અમેરિકામાં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ પર સિકંજો

પંજાબથી શરૂ થયેલું જગ્ગુ ભગવાનપુરિયાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ભારત, અમેરિકા, કેનેડા અને મેક્સિકો સુધી ફેલાયેલું છે. અમેરિકી ગ્રાન્ડ જ્યુરીની ચાર્જશીટ મુજબ, આ નેટવર્કે લોસ એન્જિલસથી કેનેડાના વેનકુવર સુધી મોટા પ્રમાણમાં કોકેઇન અને અન્ય કેમિકલ ડ્રગ્સની તસ્કરી કરી હતી. હાલમાં અમેરિકી એજન્સીઓ આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને ઉખાડી ફેંકવા માટે સતત કાર્યવાહી કરી રહી છે.