Fri Sep 04 2026

Logo

મહેસાણામાં દલિત ડોક્ટર સાથે લવ મેરેજ કરનારી પાટીદાર યુવતીને પિયરિયાં ઢસડીને કારમાં નાખીને ઉઠાવી ગયાં......

2026-08-19 14:53:00
Author: Mayur Patel
મહેસાણામાં દલિત ડોક્ટર સાથે લવ મેરેજ કરનારી પાટીદાર યુવતીને પિયરિયાં ઢસડીને કારમાં નાખીને ઉઠાવી ગયાં......

Ai Image


મહેસાણાઃ મહેસાણામાં દલિત ડોક્ટર સાથે લવ મેરેજ કરનારી પાટીદાર યુવતીને પિયરિયાં ઢસડીને કારમાં નાખીને ઉઠાવી ગયાં હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દલિત ડોક્ટર સાથે પાટીદાર યુવતીએ માત્ર 4 મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, મહેસાણામાં ખાનગી હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. સ્મિત પરમાર અને પાલનપુરના સદરપુર ગામની ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ 4 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા. અલગ જ્ઞાતિમાં લગ્નથી નારાજ ચાંદનીના પિયરિયાંએ સાસરીમાં ઘૂસી તેનું અપહરણ કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ હતી.  18 ઓગસ્ટના રોજ બપોરે ચાંદની સાસરે સાસુ સાથે હતી ત્યારે તેના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ સહિતના લોકો બે કારમાં આવ્યા હતા. માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી ઘરમાં પ્રવેશ્યા બાદ, વાતચીત દરમિયાન ચાંદનીના વાળ પકડીને તેને બળજબરીપૂર્વક ઘરની બહાર ઢસડી કારમાં નાખીને ઉઠાવી ગયા હતા.

ઝપાઝપી અને ભાગદોડ દરમિયાન ચાંદનીની માતા કારમાં ચડી શકી નહોતી. તેઓ નીચે પડી જતાં અન્ય આરોપીએ તેને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનાક્રમ ડૉક્ટરના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ડૉ. સ્મિતની માતાએ આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે શું કહ્યું

 મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના જણાવ્યા અનુસાર, યુવતીની માતા સહિત 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અપહરણ કરવામાં આવેલી ચાંદની અને તેના પિતાને શોધવા માટે પોલીસની 3 ટીમો કામે લાગી છે અને ટૂંક સમયમાં તેમને પણ ઝડપી લેવામાં આવશે.