Sat Sep 12 2026

Logo

ભારતની મહિલા હૉકી ટીમે જબરદસ્ત લડત આપીને ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ચીનને ન જીતવા દીધું

Amstelveen   2026-08-16 19:57:58
Author: Ajay Motiwala
ભારતની મહિલા હૉકી ટીમે જબરદસ્ત લડત આપીને ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ચીનને ન જીતવા દીધું

ઍમ્સ્ટલવીન (નેધરલૅન્ડ્સ): હૉકી (Hockey)ના વર્લ્ડ કપમાં શનિવારના પ્રથમ દિવસે પુરુષોના વર્ગમાં ભારતે વેલ્સને 3-1થી કચડી નાખ્યું ત્યાર બાદ રવિવારે ભારતની મહિલા ટીમે ચીનની ચડિયાતી ટીમને ભારે રસાકસી વચ્ચે નહોતી જીતવા દીધી. ભારત અને ચીન વચ્ચેની પ્રથમ લીગ મૅચ 2-2થી બરાબરીમાં પૂરી થઈ હતી.

ચીનની મહિલા ટીમે 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. વિમેન્સ હૉકીમાં ચીન (China) ચોથા નંબરે અને ભારત નવમા સ્થાને છે. જોકે ભારતીય ટીમે એની સામેની રોમાંચક મૅચ ડ્રૉ કરાવીને એને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો છે. જો છેલ્લાં ક્વૉર્ટરમાં ભારતને પેનલ્ટી કૉર્નર આપવામાં આવ્યો હોત તો ભારત જીતી ગયું હોત.

ભારત વતી આઠમી મિનિટમાં નવનીતે અને 26મી મિનિટમાં દીપિકાએ ગોલ કર્યો હતો. ચીન વતી 14મી મિનિટમાં ઝાન્ગ યિન્ગે ગોલ કર્યો ત્યાર બાદ 39મી મિનિટમાં મા નિન્ગે પેનલ્ટી કૉર્નરથી ગોલ કરીને સ્કોર લેવલ કર્યો હતો.

હવે ભારતીય મહિલા ટીમનો મંગળવાર, 18મી ઑગસ્ટે સાઉથ આફ્રિકા સામે મુકાબલો થશે. પુરુષોમાં ભારતની સોમવારે (17મી ઑગસ્ટે) ઇંગ્લૅન્ડ સાથે ટક્કર છે.