સ્થાનિકમાં વધ્યા મથાળેથી માગ ઘટતાં સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટ બે મહિનાની ટોચે
રમેશ ગોહિલ
વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા વૈશ્વિક બજારમાં વ્યક્ત થઈ રહી હતી, પરંતુ ગત સપ્તાહે અમેરિકાનાં જાહેર થયેલા જુલાઈ મહિનાના ફુગાવાના અથવા તો પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સ અને ઉત્પાદનનાં અથવા તો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા બજારની અપેક્ષા કરતાં હળવા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવાની ઉતાવળ નહીં કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ગત સપ્તાહે વિશ્વ બજારમાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સુધારો આગળ ધપ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહના અંતે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવતા બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આવ્યો હતો. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલ અંગે અનિશ્ચિતતા સપાટી પર રહેવાથી ક્રૂડતેલના ભાવ વધી આવવાને કારણે ગત સપ્તાહે સોના અને ચાંદીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી ઑગસ્ટના રૂ. 1,49,621ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,51,061ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,50,641 અને ઉપરમાં રૂ. 1,53,071 સુધી વધ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 1.83 ટકા અથવા તો રૂ. 2742ના સુધારા સાથે રૂ. 1,52,363ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, ગત સપ્તાહે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 25 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. એકંદરે સપ્તાહ દરમિયાન સોનામાં વધ્યા મથાળેથી છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું જ્વેલરી ઉત્પાદકોએ જણાવતાં ઉમેર્યું હતું કે નિરસ માગને કારણે સ્થાનિકમાં ડીલરો દ્વારા ઑફર કરવામાં આવતા સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટ બે મહિનાની ઊંચી સપાટી સુધી પહોંચી ગયા છે.
વધુમાં ગત સપ્તાહે સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી ઑગસ્ટના કિલોદીઠ રૂ. 2,31,381ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,33,290ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,31,373 અને ઉપરમાં રૂ. 2,37,214 સુધી મજબૂત થયા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 1.06 ટકા અથવા તો રૂ. 2461ની તેજી સાથે રૂ. 2,33,842ના મથાળે બંધ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા સ્ટોકિસ્ટોની લેવાલી અત્યંત પાંખી રહી હોવાનું બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે વિશ્વ બજારમાં સોનાના ભાવ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ વિશ્વ બજારમાં ક્રૂડતેલના વધી રહેલા ભાવનો ટેકો મળતાં ફુગાવામાં વધારાની ચિંતાને ધ્યાનમાં લેતા સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ સોનામાં ખરીદી ધીમી પડતાં ભાવ 100 કલાકની સરેરાશ કરતાં નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા છે જે આૈંસદીઠ 4325 ડૉલર સુધી ઘટે તેવા સંકેત આપે છે અને જો આ સપાટીએથી લેવાલીનો ટેકો ન મળે તો ભાવ 4313થી 4320 ડૉલર સુધી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.
એકંદરે ગત સપ્તાહે અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદમાં વધારો થવાથી ભૂરાજકીય તણાવ વધતાં ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારાનું જોખમ સપાટી પર આવતા સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ છતાં ગત જુલાઈ મહિનાના ફુગાવામાં ઓછી વૃદ્ધિ થવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા જે અગાઉ પંચાવન ટકા મુકાઈ રહી હતી તે ઘટીને 31થી 33 ટકા જેટલી થઈ ગઈ હતી. સામાન્યપણે વ્યાજદરમાં વધારાના સંજોગોમાં રોકાણકારોની સોના અને ચાંદી જેવી અસ્કયામતોમાં લેવાલી ઓછી રહેતી હોય છે, જ્યારે વ્યાજદરના ઘટાડાના સંજોગોમાં માગ વધુ રહેતી હોય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકમાં ત્રણ સભ્યોએ વ્યાજદરમાં વધારા સામે અસહમતી વ્યક્ત કરી હતી.
જોકે, તાજેતરમાં ફેડરલના અધિકારીઓએ ફુગાવાની ચિંતા વ્યક્ત કરી હતી. આગામી સપ્તાહ દરમિયાન સોનાના ભાવ પર નજર પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ સંદર્ભના અહેવાલો અને ક્રૂડતેલના ભાવની વધઘટ પર અવલંબિત રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે વ્યક્ત કરતાં સપ્તાહ કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ માટે આૈંસદીઠ 4200 ડૉલરની સપાટી ટેકાની અને 4500 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને ચાંદીના ભાવ આૈંસદીઠ 60થી 70 ડૉલરની રેન્જમાં રહેશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં 10 ગ્રામદીઠ રૂ. 1.50 લાખની સપાટી ટેકાની સપાટી અને રૂ. 1.55 લાખની સપાટી પ્રતિકારક સપાટી તથા ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2.29 લાખથી 2.40 લાખની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ આગલા બંધ સામે 0.7 ટકા વધીને 4379.95 ડૉલર આસપાસ રહ્યા હતા. તેમ જ સાપ્તાહિક ધોરણે 0.7 ટકા જેટલો સુધારો નોંધાયો હતો અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 4437.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.7 ટકા વધીને આૈંસદીઠ 64.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જો આગામી સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ ધપશે તો ફુગાવો વધવાની શક્યતા પ્રબળ બનશે અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવશે, એમ અમેરિકી ગોલ્ડ એક્સચેન્જના વિશ્લેષક જિમ વાઈકોફે જણાવતાં ઉમેર્યું હતું કે જો ક્રૂડતેલના ભાવ ઘટશે તો ભાવમાં સુધારો આગળ ધપે તેમ જણાય છે.