Thu Aug 27 2026

Logo

'મનફાવે' તેટલું ભાડું વસૂલનારી એરલાઈન્સ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કહ્યું - તો બંધ કરી દો...

2026-08-17 15:02:00
Author: Mayur Patel
'મનફાવે' તેટલું ભાડું વસૂલનારી એરલાઈન્સ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કહ્યું - તો બંધ કરી દો...


નવી દિલ્હીઃ રજાઓ, તહેવારો, પ્રાકૃતિક આપત્તિ કે કોઈ ઈમરજન્સી સ્થિતિમાં હવાઈ ભાડાં આસમાને આંબી જાય છે. એરલાઈન્સ દ્વારા કરવામાં આવતી આવી મનમાની સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. કોર્ટે કહ્યું, જો એરલાઈન્સ નિયમોનું પાલન નહીં કરે તો તેમની ઉડાન રોકવા પર વિચાર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે નવા નિયમોને અંતિમ રૂપ આપવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો છે.

ન્યાયધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની પીઠે કહ્યું હતું કે જો એરલાઈન્સ કંપનીઓ નિયમોનું પાલન ન કરતી હોય તો તેમની ઉડાન રોકવામાં આવશે. મુસાફરોના હિતમાં વ્યવસ્થા તો બનાવવામાં આવી છે, પરંતુ તેના પાલન અને નિયમોને લઈ હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે જણાવ્યું હતું કે હવાઈ ભાડાં સાથે સંકળાયેલા નવા નિયમો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. તેમણે કોર્ટને સીલબંધ કવરમાં નિયમોનો ડ્રાફ્ટ પણ સોંપ્યો હતો. કેન્દ્રએ જણાવ્યું હતું કે નિયમોને આખરી ઓપ આપવામાં ત્રણ અઠવાડિયાનો સમય લાગશે અને ત્યાર બાદ તેને કોર્ટની વિચારણા માટે રજૂ કરવામાં આવશે.

ભાડાં પર નિયંત્રણને લઈને ઊઠ્યા સવાલ

અરજદાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે નાગરિક ઉડ્ડયન મંત્રીએ સંસદમાં કહ્યું છે કે સરકાર હવાઈ ભાડાં પર કોઈ મર્યાદા નક્કી કરી શકતી નથી. અરજદારનો આરોપ છે કે એરલાઇન્સ જે રીતે મુસાફરો પાસેથી ભાડું વસૂલી રહી છે, તે માટે બનાવવામાં આવેલા સત્તાવાર નિયમોનું અસરકારક રીતે પાલન થઈ રહ્યું નથી.

આ મામલે સામાજિક કાર્યકર એસ. લક્ષ્મી નારાયણને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ખાનગી એરલાઇન્સ પર મનસ્વી રીતે ભાડું નક્કી કરવાનો અને અલગ-અલગ વધારાના શુલ્ક વસૂલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીમાં હવાઈ ભાડાંને પારદર્શક બનાવવા અને મુસાફરોના હિતોનું રક્ષણ કરવા માટે મજબૂત રેગ્યુલેટરી સિસ્ટમ બનાવવાની માંગ કરવામાં આવી છે.

અગાઉ પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

આ પહેલાં સુપ્રીમ કોર્ટે તહેવારો અને મોટા કાર્યક્રમો દરમિયાન હવાઈ ભાડાંમાં થતા અચાનક વધારાને મુસાફરોનું શોષણ ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે એક જ રૂટ પર અલગ-અલગ એરલાઇન્સના ભાડામાં મોટો તફાવત છે. મે મહિનામાં સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ એક જ રૂટ પર  રૂ. 8 હજાર અને રૂ. 18 હજાર સુધીના ભાડાનું ઉદાહરણ પણ આપ્યું હતું.

7 સપ્ટેમ્બરે હાથ ધરાશે આગામી સુનાવણી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તરફથી માંગવામાં આવેલો ત્રણ અઠવાડિયાનો સમય મંજૂર કરી દીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે થશે. કેન્દ્ર કોર્ટ સમક્ષ નવા નિયમોનું અંતિમ સ્વરૂપ રજૂ કરશે. ત્યાર બાદ હવાઈ ભાડાં અને મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા વધારાના શુલ્ક અંગે શું પગલાં લઈ શકાય તે નક્કી થશે.

ડાયનેમિક પ્રાઇસિંગ શું છે, એરલાઇન્સ કરે છે શું?

ડાયનેમિક પ્રાઇસિંગ એ કિંમત નક્કી કરવાની એવી વ્યૂહરચના  છે, જ્યાં કંપનીઓ બજારની માંગ, ગ્રાહકોના વલણ અને રિયલ-ટાઇમ ડેટાના આધારે પોતાના ઉત્પાદનો કે સેવાઓની કિંમતોમાં સતત ફેરફાર કરતી રહે છે. આના જ આધારે એરલાઇન્સ, કોઈ એક ફ્લાઇટ માટે એક નક્કી ભાવ રાખવાને બદલે માંગ અનુસાર દર કલાકે કે દિવસે ટિકિટના ભાવ બદલે છે. જો કોઈ ચોક્કસ રૂટ પર અચાનક મુસાફરોની સંખ્યા વધી જાય અથવા કોઈ સીટની માંગ વધુ હોય, તો ભાવ વધારી દેવામાં આવે છે.