સ્થાનિક ચાંદીમાં રૂ. 1111નું બાઉન્સબૅક, સોનામાં રૂ. 704નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના અથવા તો પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટાની થનારી જાહેરાત અને આગામી શુક્રવારના અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવિન વાર્શનાં જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પૂર્વે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી હાજર ભાવમાં અનુક્રમે 0.8 ટકાનો અને 0.2 ટકાનો ઘટાડો આવ્યો હતો.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતા કિલોદીઠ રૂ. 1111નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 701થી 704નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3493નો કડાકો બોલાઈ ગયા બાદ આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1111ના બાઉન્સબૅક સાથે રૂ. 2,42,959ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 701 ઘટીને રૂ. 1,60,691 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 704 ઘટીને રૂ. 1,61,337ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 4618.03 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4673.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત મંગળવારે અમેરિકી ટ્રેઝરી વિભાગે બજારમાં પ્રવાહિતા વધારવા માટે લાંબાગાળાની ટ્રેઝરીના બાયબેકનો કાર્યક્રમ બમણો કરવાની જાહેરાત કરતાં સોનાના વૈશ્વિક ભાવ ગત 14મી મે પછીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 68.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ફુગાવાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝુબોરોસે જણાવતા ઉમેર્યું હતું કે રોકાણકારોની નજર આગામી શુક્રવારનાં જેક્શન હૉલમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષનાં વક્તવ્ય પર પણ સ્થિર થઈ છે.
જો ફુગાવામાં હળવી માત્રામાં વૃદ્ધિ થાય તો ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડશે. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી 64 ટકા શક્યતા જોઈ રહ્યા હતા.
જેક્શન હૉલ ખાતેના વક્તવ્યમાં કેવિન વાર્શ જો નાણાનીતિ અંગે મૌન સેવે તો નીતિવિષયક અનિશ્ચિતતાને કારણે ડૉલર નબળો પડતાં સોનામાં સુધારો આવશે, પરંતુ જો તંગ નાણાનીતિનું વલણ દાખવશે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે, એમ સ્ટોન એક્સનાં વિશ્લેષક ર્હોના ઑ કૉનેલે જણાવ્યું હતું. જોકે, આજે ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અંગે ઓમાન સાથે વાટાઘાટો શરૂ કરી હોવાનું જણાવ્યું હોવાથી ક્રૂડતેલના ભાવ અમુક અંશે દબાણ હેઠળ રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.