કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 5)
નામ: સ્નેહલતા
સમય: 2026
સ્થળ: બાંદ્રા, મુંબઈ
ઉંમર: 71 વર્ષ
કોઈ પણ અભિનેત્રીનાં લગ્નની ઉંમર કંઈ હોય? એ જ્યારે શરૂઆતમાં પોતાની કારકિર્દીમાં સંઘર્ષ કરતી હોય ત્યારે લગ્ન ન કરી શકે, પછી જ્યારે કારકિર્દી મધ્યાહ્ને હોય ત્યારે એની પાસે લગ્ન કરવાનો સમય ન હોય. એક માન્યતા એવી પણ છે કે પરિણીત અભિનેત્રીનો ફૅન વર્ગ ઘટી જાય-કદાચ આજે એ માન્યતા નથી, પરંતુ 1970-80ના દાયકામાં પરિણીત અભિનેત્રીને અન્ય હીરો સાથે રોમાંસ કરતી જોવાનું પ્રેક્ષકો પસંદ કરતા નહીં.
હેમા માલિની, રેખા, ઝીનત અમાન, પરવીન બાબી સહિત અનેક અભિનેત્રીઓએ પોતાની કારકિર્દી માટે લગ્ન ન કર્યાં. તો વહીદા રહેમાન અને શર્મિલા ટાગોર જેવી અભિનેત્રીઓએ પોતાના લગ્નજીવનને બહુ જાહેર ન થવા દીધું. આ એવો સમય હતો જ્યારે પ્રેક્ષકોના મોરલ અને વૅલ્યૂ થોડાં જુદાં હતાં.
70ના દાયકામાં જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મારી જોડી જામી ત્યારે નવાઈની વાત એ હતી કે ઉપેન્દ્ર ત્રિવેદી પરણેલા હતા, પણ પ્રેક્ષકો એમના પરિણીત હોવા વિશે સભાન કે સજાગ નહોતા. જ્યારે મારા નિર્માતાઓ એ વાતે ડરતા હતા કે જો હું લગ્ન કરીશ કે મારાં લગ્ન જાહેર થઈ જશે તો મારી લોકપ્રિયતામાં ઓટ આવશે. આમ તો અભિનેત્રીના પરિણીત હોવા સાથે એના અભિનયને કોઈ સંબંધ ન જ હોવો જોઈએ, પરંતુ એ સમયની વાત જુદી હતી!
1972માં ‘બેઇમાન’ નામની ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કરતા એક નિર્માતા-દિગ્દર્શક સોહનલાલ કંવર મને મળવા આવ્યા. એ ફિલ્મમાં મનોજકુમાર અને રાખી હતાં, પરંતુ એક મજબૂત સહાયક અભિનેત્રી માટે એમણે મને ઑફર આપી. મારી ગુજરાતી ફિલ્મની કારકિર્દી હજી શરૂ નહોતી થઈ. હિન્દી ફિલ્મોમાં મારી પાસે એવું કામ નહોતું.
મારે મુખ્ય હીરોઇનના રોલ કરવા હતા, પરંતુ એવી કોઈ ઑફર આવતી નહોતી એટલે મેં સહાયક અભિનેત્રીનો રોલ સ્વીકારી લીધો. ફિલ્મ સારી બની અને ચાલી પણ સારી. સોહનલાલ કંવરજી સાથે મારી એ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઓળખાણ થઈ. એ પછી એમણે ‘સમાનતા’ અને ‘નાટક’ જેવી ફિલ્મો બનાવી. વિજય અરોરા અને મૌસમી ચૅટર્જી સાથે એ ફિલ્મમાં પણ હું મહત્ત્વની ભૂમિકામાં હતી. અમારી ઓળખાણ પછી ધીરે ધીરે અમારી વચ્ચે મૈત્રી કેળવાઈ.
સોહનલાલજી પણ પરિણીત હતા. એમની પત્ની શીલા સાથે એમના સંબંધો થોડાક તનાવપૂર્ણ હતા. ‘નાગ પદ્મિની’ (1957), ‘અનપઢ’ (1962) અને ‘આપ કી પડછાઇયા’ (1964) જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યા પછી એ સ્વતંત્ર નિર્માતા-દિગ્દર્શક બન્યા. એમની પહેલી ફિલ્મ ‘પહેચાન’ (1970)માં આવી. એ પછી ‘બેઇમાન’ (1972), ‘સંન્યાસી’ (1975), ‘આત્મારામ’ (1979), ‘પૈસા યે પૈસા’ (1985) અને ‘સ્વાર્થી’ (1986) જેવી ફિલ્મોનું એમણે નિર્માણ અને દિગ્દર્શન કર્યું.
અમારી મૈત્રી દરમિયાન મારી કારકિર્દી વધુને વધુ સફળ થઈ રહી હતી. સોહનલાલજીએ મારી કેટલીક ફિલ્મોમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું. એથી અમારે અવારનવાર મળવાનું થતું. હું એક સંસ્કારી મરાઠી પરિવારમાં જન્મી અને ઉછરી, લગ્ન માટે મારી મા આગ્રહ કરી રહી હતી. 1970ના દાયકામાં હું પણ યુવાન હતી, લગ્ન માટે મારી યોગ્ય ઉંમર હતી, પરંતુ હું કારકિર્દીમાં વ્યસ્ત હતી એટલે લગ્ન ટાળી રહી હતી.
હિન્દી સિનેમામાં એવી યોગ્ય ઑફર નહોતી આવતી એટલે મારાં માતા-પિતા લગ્ન માટે વધુ ને વધુ દબાણ કરવા લાગ્યાં, પરંતુ એ જ સમયે મને ગુજરાતી ફિલ્મ ‘હોથલ પદમણી’ની ઑફર આવી. ફિલ્મ સુપરહિટ થઈ. ગીતો લોકપ્રિય થયાં, ને પછી તો પાછું વળીને જોવાનો સમય જ નહોતો.
1974માં રજૂ થયેલી ફિલ્મ પછી લગભગ 1980 સુધી લગાતાર દર વર્ષે મેં ત્રણથી વધુ ફિલ્મો કરી. એ દરમિયાન લગ્નનો વિચાર ન આવે એ સ્વાભાવિક હતું, ને સાથે જ માતા-પિતાને મારા ભવિષ્યની ચિંતા થાય એ પણ સ્વાભાવિક હતું. હું ઘરે કહી શકતી નહોતી, પરંતુ સોહનલાલજી સાથે મારા સંબંધો વધુ ને વધુ ગાઢ થતા જતા હતા. એમનો નમ્ર સ્વભાવ, સમજણ શક્તિ અને ઉદાર વ્યક્તિત્વ મને વધુ ને વધુ આકર્ષતાં હતાં. હું આમ પણ સેટ પર કોઈની સાથે ઝાઝી વાત કરતી નહીં.
સ્વભાવે રિઝર્વ્ડ હોવાને કારણે મારે બહુ મિત્રો પણ થતા નહીં, એટલે સોહનલાલજી સાથેની નિકટતા બહુ જાહેર થઈ નહીં. એ મને ભાગ્યે જ સેટ પર મળવા આવતા. કદાચ મળવા આવે તો પણ અમે બહાર જ બેસતાં. પરિણીત હોવાને કારણે એ પોતાના પ્રેમનો સ્વીકાર કરી શકે એમ નહોતા, પરંતુ એમની આંખોમાં મારા પરત્વેની લાગણી જોઈ શકતી હતી. એક દિવસ મેં એમને પૂછી નાખ્યું.
એમણે ખૂબ જ સંસ્કારી અને આદરપૂર્ણ જવાબ આપ્યો જેનાથી મને સમજાયું કે હું જે વ્યક્તિની સાથે મારું જીવન જોડવા માગું છું એ આવી જ, બલ્કે આ જ હોઈ શકે! અમારી વચ્ચેનો મૌન પ્રેમ પાંગરતો રહ્યો, પરંતુ એની જાહેરાત થઈ શકે એવી સ્થિતિ નહોતી. શીલાજી સાથેના એમના સંબંધો તનાવપૂર્ણ હોવા છતાં એ પોતાના પરિવાર પ્રત્યે નિષ્ઠા અને સ્નેહ ધરાવતા હતા. હું પણ મારા ઘરે આ વાત ખૂલીને જાહેર કરી શકું એમ નહોતી.
એક પરિણીત વ્યક્તિ સાથેના સંબંધો મારાં માતા-પિતા ક્યારેય નહીં સ્વીકારે એની મને ખાતરી હતી. સોહનલાલજી વર્ષો સુધી અમારાં પારિવારિક મિત્ર રહ્યા. એ અમારા ઘરે આવતા. સૌને હળતા-મળતા, પરંતુ અમારો પ્રેમ બહુ ખૂલીને અભિવ્યક્ત ન જ થઈ શક્યો.
1980ના દાયકામાં જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ રાજકારણ તરફ વળવા માંડ્યું ત્યારે નરેશભાઈ સાથે મિત્રતા થઈ. સાથે કામ કરતાં કરતાં અમે ક્યારેક અંગત વાતો પણ કરી લેતાં. મેં જ્યારે નરેશભાઈને મારા પ્રેમ અને એની સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું ત્યારે એમણે એમના સ્વભાવ મુજબ કહ્યું, ‘પ્યાર કિયા તો ડરના ક્યા!’ મેં હિંમત કરીને સોહનલાલજીને જણાવ્યું કે હું એમની સાથે લગ્ન કરવા માગું છું. એ સમયમાં નરેશભાઈ સાથે અમારી જોડીની લોકપ્રિયતા શિખર પર હતી.
સોહનલાલજીએ તરત જ મારો પ્રસ્તાવ સ્વીકારી લીધો, પરંતુ એમણે સ્પષ્ટતા કરી કે એમના પ્રથમ પરિવાર પરત્વે એમની જવાબદારી કે નિષ્ઠા ક્યારેય ઓછાં નહીં થાય. મને પણ એમાં કોઈ વાંધો કે વિરોધ નહોતો જ. મરાઠી સંસ્કારી પરિવારમાં ઉછરેલી એક છોકરી કોઈનું ઘર તોડીને પોતાનું ઘર ન વસાવે એટલું તો નક્કી જ હતું! શીલાજીના તમામ અધિકારો પૂર્ણ કર્યા પછી એમની મંજૂરી સાથે મેં અને સોહનલાલજીએ લગ્ન કર્યાં. મેં સિનેમાની કારકિર્દી છોડી દેવાનું નક્કી કર્યું...
વર્ષો સુધી કામ કર્યા પછી હું પણ એક શાંત-સુખી પારિવારિક જીવન જીવવા માગતી હતી. ત્યાં સુધીમાં મેં એટલું કમાઈ લીધું હતું કે હું સ્વતંત્ર રીતે કોઈનીયે આર્થિક સહાય વગર મારી જિંદગી જીવી શકું. સોહનલાલજી પાસેથી મને આર્થિક સહાયની કોઈ અપેક્ષા ક્યારેય નહોતી... પરંતુ એમણે પોતાની લાગણી અને સ્નેહનો સહારો મને જીવનભર આપ્યો. અમારે ત્યાં એક પુત્રીનો જન્મ થયો. 1989માં સોહનલાલજી આ જગત છોડીને ચાલી ગયા. એ પછી શીલાજીએ અને એમના પરિવારે સંપતિ માટે કોર્ટમાં કેસ કર્યા. જે હજી ચાલી રહ્યા છે...
ફિલ્મી દુનિયાથી વિદાય લીધા પછી મારા બાંદ્રાના ઘરમાં હું શાંતિથી જીવું છું. મને કોઈ દિવસ ગ્લૅમરની દુનિયા કે ફિલ્મી કારકિર્દીનો અભાવ સાલ્યો નથી. અચાનક એક દિવસ અરુણ ભટ્ટ મને મળવા આવ્યા. એ એક સુંદર ફિલ્મ ‘લખતરની લાડી વિલાયતનો વર’ (1998) બનાવી રહ્યા હતા.
જેમાં નરેશ કનોડિયાની પત્ની અને હિતુ કનોડિયાની માતાની ભૂમિકા માટે એમને મારી જરૂર હતી. એમણે ખૂબ આગ્રહ કર્યો ત્યારે મેં એક નાનકડી ભૂમિકા ભજવવાની હા પાડી. આનંદ અને આશ્ર્ચર્ય એ વાતનું થયું કે ફિલ્મમાં દસ વર્ષ પછી પણ પ્રેક્ષકોએ અમારી જોડીને વધાવી લીધી!
આજે પણ ટેલિવિઝન અને સિનેમા માટે ઑફર આવતી રહે છે, પરંતુ મેં જાહેરજીવનથી નિવૃત્તિ સ્વીકારી છે... આનંદથી અને સંતોષથી સ્વીકારેલી આ નિવૃત્તિની સ્થિતિ મારે હવે બદલવી નથી.
(સમાપ્ત)