વરસાદ વગર અચાનક નદીઓ બે કાંઠે, ગામડાં, પુલ અને સરકારી વસાહતો વહી ગઈ, સેના દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ
કાઠમંડુંઃ પડોશી દેશ નેપાળના ઉત્તરભાગમાં સ્થિત રસુવા જિલ્લામાં થયેલા વિનાશકારી પૂરના કારણે તારાજી થઈ છે. પાણીનો પ્રવાહ વધતાં સેંકડો ગામડા સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે અનેક સરકારી વસાહતો, ઈન્ડસ્ટ્રિયલ એકમો સહિત પુલ અને ઘરો વહી ગયા હતા. નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 95 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 105 ભારતીયો સહિત 400 પ્રવાસીઓ ગુમ થયાના અહેવાલ છે. ચીનના તિબેટ પ્રદેશમાંથી નીકળતી ભોટે કોશી નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે આ વિનાશક પૂર આવ્યું હતું. મેયર બાલેન્દ્ર શાહે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન બેઠક બોલાવી છે અને તમામ હેલિકોપ્ટર કંપનીઓને એલર્ટ પર રાખી છે.

નેપાળમાં સૌથી વધારે નુકસાન
આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેપાળના ઉત્તરી હિમાલયી વિસ્તારમાં થયેલા ગ્લેશિયર બ્લાસ્ટ થતા અથવા બરફ પીગળતા અચાનક આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્તર પર ખાસ કોઈ વરસાદ થયો નથી એવું જાણવા મળ્યું હતું. પણ જે વીડિયો સામે આવ્યો છે એમાં તારાજી કેટલી થઈ હશે અને કેવી થઈ હશે એના વિશે કલ્પના કરવી મુશ્કેલ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, નેપાળના નુવાકોટ અને ધાડિંગ જિલ્લામાં ભાટેકોશી નદીમાં અચાનક પાણીમાં વધારો થતા પૂરની સ્થિતિ ઊભી થઈ હતી.
નેપાળના મીડિયા રિપોર્ટ અનુસાર પૂરનું પાણી બોર્ડરના તિબ્બેતના ભાગમાંથી પાણી આવ્યું હતું. પ્રચંડ વેગના કારણે નેપાળને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નુવાકોટ અને ધાંડિંગ જિલ્લામાંથી ઓછામાં ઓછા આઠ મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ ટુરિઝમ બોર્ડના રિપોર્ટ અનુસાર પૂરથી પ્રભાવિત વિસ્તારમાંથી આશરે 384 પ્રવાસીઓ લાપતા થયા છે. જેમાં 291 વિદેશી 93 નેપાળી નાગરિકો છે. રસુવા જિલ્લામાં નેપાળ પોલીસ પોલીસના પણ 26 જવાન લાપતા થયા છે.

બિહારના જિલ્લાઓમાં એલર્ટ
ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ આફતથી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ સુવિધાઓને નુકસાન થયું છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે, નેપાળમાં ઘણા હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. નેપાળ પોલીસ અને અન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં તિબેટની સરહદે આવેલા હિમાલયી રાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પર્વતીય ખીણોમાંથી કાદવવાળું પાણી ઝડપથી ઉભરાઈ રહ્યું છે. આ પાણી ગંડક નદી દ્વારા બિહારના છ જિલ્લાઓ સુધી પહોંચી શકે છે. આને ધ્યાનમાં રાખીને આ છ જિલ્લાઓ અને NDRF ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. નેપાળી સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટર અને આપત્તિ રાહત કર્મચારીઓને તૈનાત કર્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે સરહદ પર સ્પેશિયલ ટીમોને તહેનાત રાખવામાં આવી છે, જ્યારે 11 રેસ્ક્યુ એન્ડ રિલીફ ટીમ તૈયાર રાખી છે. આ ઉપરાંત, સાત એડિશનલ ફોર્સને પણ સ્ટેન્ડબાય રાખી છે.

વીજ પુરવઠો ખોરવાયો
સેનાએ જણાવ્યું હતું કે નુકસાન અંગે માહિતી એકત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે. ચિંતા એવી છે કે નેપાળના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નોંધપાત્ર નુકસાન થયું છે. પૂરને કારણે રસ્તાઓ અને વીજ પુરવઠો પ્રણાલી ખોરવાઈ ગઈ છે.
નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)એ અહેવાલ આપ્યો છે કે તેની ઓછામાં ઓછી છ મુખ્ય હાઇડ્રોપાવર અને ટ્રાન્સમિશન સુવિધાઓ - જેમાં રસુવાગઢી, ચિલિમે, ત્રિશુલી 3A, ત્રિશુલી 3B હબ 220 kV સબસ્ટેશન, ત્રિશુલી હાઇડ્રોપાવર સ્ટેશન અને દેવીઘાટ હાઇડ્રોપાવર સ્ટેશનનો સમાવેશ થાય છે તેને નુકસાન થયું છે.