Fri Sep 04 2026

Logo

ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી અભિનેતા અંકિત બાલિયનની ગોળી મારીને હત્યા

2026-08-26 22:29:20
Author: Chandrakant Kanoja
ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી અભિનેતા અંકિત બાલિયનની ગોળી મારીને હત્યા

શામલી: ઉત્તર પ્રદેશના શામલીમાં આજે સાંજે યુટ્યુબર અને હરિયાણવી અભિનેતા અંકિત બાલિયનની ગોળી મારીને હત્યા કરવામાં હતી. આ અંગે મળતી માહિતી મુજબ અંકિત બાલિયાન જીમમાં વર્કઆઉટ માટે ગયો હતો. જ્યારે તે જીમની બહાર નીકળ્યો ત્યારે જ તેની પર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. 

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ અંકિત બાલિયાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે, ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનાના સ્થળે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને શોધવા માટે નજીકના લોકો પાસેથી માહિતી એકત્રિત કરી રહી છે.

અંકિત બાલિયાન હરિયાણવી સંગીતમાં નામના મેળવી હતી 

ઉલ્લેખનીય છે કે, અંકિત બાલિયાન હરિયાણવી સંગીત અને સોશિયલ મીડિયાની દુનિયામાં સક્રિય હતા. તેમણે તેમના ગીત "ભારી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન" માટે નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી. વર્ષ 2023 માં શામલીમાં તેમના રોડ શોએ પણ ધ્યાન ખેંચ્યું હતું. તેઓ શામલીના બંટીખેડાના વતની હરિયાણવી કલાકાર તરીકે જાણીતા હતા. તેમણે સોશિયલ મીડિયા પર સારી નામના મેળવી હતી. 

અંકિત બાલિયાન જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા

અંકિત બાલિયાન તાજેતરમાં  જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા. તેમની અચાનક હત્યાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. જોકે, હત્યા પાછળનો વાસ્તવિક હેતુ હજુ સ્પષ્ટ નથી. પોલીસ હાલમાં હત્યા સાથે સંકળાયેલા તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.