Mon Aug 31 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ભાગવતનો વિરોધ કરવો હોય તો કરો, ભારતને ગાળો શું કામ?

2026-08-27 07:33:00
Author: Mumbai Samachar Team
એકસ્ટ્રા અફેરઃ ભાગવતનો વિરોધ કરવો હોય તો કરો, ભારતને ગાળો શું કામ?


ભરત ભારદ્વાજ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખિયા મોહન ભાગવતે અમેરિકામાં પધરામણી કરી તેની સામે વિરોધ થઈ રહ્યો છે. ભાગવત 29 ઓગસ્ટે ન્યૂ યોર્કના પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ’ નામના કાર્યક્રમમાં લગભગ પાંચ હજાર ભારતીયોને સંબોધવાના છે. ભાગવતનો આ કાર્યક્રમ રદ કરાવવા માટે અમેરિકાનાં કેટલાંક સંગઠનો અને નેતા મચેલા છે. 

માનવાધિકાર અને બિનસાંપ્રદાયિકતાનો ઝંડો લઈને ફરતાં હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ, ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને ઈન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂ યોર્ક જેવાં કેટલાંક સંગઠનોના ચૂલિયા કાર્યકરો તો ભાગવતનો કાર્યક્રમ રદ કરાવવા માટે ન્યૂ યોર્ક સિટી હોલની બહાર ધામા પણ નાખેલા છે. આ સંગઠનોએ મેડિસ સ્ક્વેર ગાર્ડનના કારભારીઓને ભાગવતનો કાર્યક્રમ રદ કરવા પણ વિનંતી કરી છે. 

આ વિરોધમાં કેટલાક સ્થાનિક નેતાઓ પણ જોડાયા છે. આ બધાંનું કહેવું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા નફરતની છે અને ભારતમાં મુસ્લિમો પરના અત્યાચારોમાં સંઘની સંડોવણી છે તેથી અમેરિકા જેવા દેશમાં આ સંગઠનના વડાનો કાર્યક્રમ ના જ થવો જોઈએ. એ લોકોએ 29 એપ્રિલે ભાગવત મેડિસન સ્ક્વેર આવે ત્યારે વિરોધ કરવાની ચીમકી પણ આપી છે. 

ભારતમાં આ બધાંને કોઈ ભોજીયોભાઈ પણ ઓળખતો નથી એટલે તેમનાં નામનો ઉલ્લેખ કરવાનો મતલબ નથી. અમેરિકામાં પણ તેમનો કોઈ ભાવ પૂછતું નથી તેથી અમેરિકામાં પણ તેમના વિરોધની નોંધ નહોતી લેવાતી પણ હવે ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાની પણ આ વિરોધમાં જોડાયા તેથી અચાનક વિરોધમાં ગરમી આવી ગઈ છે. 

મમદાનીના ભાગવતના વિરોધમાં દમ નથી. મમદાનીએ પણ એ જ રેકર્ડ વગાડી છે કે જે બીજા માનવાધિકારવાદી અને સેક્યુલરો વગાડી રહ્યા છે. મમદાનીનું કહેવું છે કે, ભારત અલગ અલગ પ્રકારના લોકોનો બનેલો ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક દેશ છે પણ ભાગવતની વિચારધારા ભારતીય સમાજમાં ભાગલા અને નફરત ફેલાવવાની છે. 

સંઘ મુસ્લિમોના બહિષ્કારની વાતો પણ કરે છે.  કોઈપણ દેશમાં બહિષ્કાર અને ભેદભાવ પર આધારિત વિચારધારાનો ઉદ્ભવ ચિંતાજનક છે જ્યારે ભારત તો અમારો મૂળ દેશ છે તેથી એક ભારતીય-અમેરિકન તથા ન્યૂ યોર્કના મેયર તરીકે પોતે આ વિચારધારાનો સખત વિરોધ કરે છે. ભાગવતનો કાર્યક્રમ રદ કરવાની અપીલ પણ મમદાનીએ કરી છે. 

ઝોહરાન મમદાની ફાલતુ વ્યક્તિ નથી. અમેરિકાના સૌથી ધનિક શહેરના મેયર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીની વિરોધી ડેમોક્રેટિક પાર્ટીના છે અને ભવિષ્યમાં અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવાર મનાય છે તેથી અમેરિકામાં મોટું માથું મનાય છે. આવો ધરખમ રાજકારણી વિરોધ કરે એટલે તેની નોંધ લેવી પડે પણ સારી વાત એ છે કે, મમદાની ભાગવતનું કશું બગાડી શકે તેમ નથી. 

મમદાનીએ પોતાના ચેલકા નિરાશ ના થાય એટલા માટે સિટી કાઉન્સિલ પાસે આ કાર્યક્રમ રદ કરવાની સત્તા છે કે નહીં એ તપાસી જવાની ખાતરી આપી છે પણ પોતાની પાસેથી બહુ આશા ના રખાય એટલે કબૂ્લી પણ લીધું છે કે, ભાગવતનો મેડિસન સ્ક્વેરનો કાર્યક્રમ ખાનગી કાર્યક્રમ હોવાથી પોતે રોકી શકે એવી શકયતા સાવ ઓછી છે. 

ભારતમાં પોતાના રાજકીય કે વિચારધારાની રીતે વિરોધી હોય એવાં લોકોના કાર્યક્રમો કે સભાઓ રદ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો ગમે તે હદે જતાં ખચકાતા નથી. પોલીસ પાસે મંજૂરી રદ કરાવવાથી માંડીને તોડફોડ કરવા સુધીના દાવપેચ ભારતમાં બેશરમીથી અપનાવાય છે પણ અમેરિકામાં સાવ પોપાબાઈનું રાજ નથી. 

અમેરિકામાં સરકારમાં બેઠેલા લોકો અને સામાન્ય લોકો પણ કાયદાના શાસનમાં માને છે અને બીજાં લોકોના વાણી સ્વાતંત્ર્યના અધિકારને સ્વીકારે છે. આ કારણે ભાગવતનો વિરોધ કરનારા પ્લેકાર્ડ લઈને બેઠા છે પણ કાર્યક્રમમાં ઘૂસીને ઘમાઘમી કરી નાખે એવી જરાય શક્યતા નથી. 

ભારતમાં તો શહેરનો મેયર દાદાગીરી કરીને આવો કાર્યક્રમ જ ના થવા દે પણ ઝોહરાન મમદાની અમેરિકામાં જન્મ્યો ને મોટો થયો છે એટલે એ પણ લુખ્ખી દાદાગીરી કરીને કશું કરે એ વાતમાં માલ નથી. બહુ બહુ તો ભાગવતનો વિરોધ કરવા ઉભેલાં લોકોની સાથે મેડિસન સ્ક્વેર ગાર્ડનની બહાર પ્લેકાર્ડ લઈને ઊભો રહી જશે. એ સિવાય બીજું કશું નહીં કરે તેથી ભાગવતના કાર્યક્રમમાં કોઈ વિઘ્ન નથી આવવાનું. 

ભારતીયોને ભાગવત ન્યૂ યોર્કમાં કાર્યક્રમ કરે કે ના કરે તેનાથી કોઈ ફરક પડતો નથી. ભાગવત ખાનગી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા છે, ભારતમાં કોઈ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ નથી તેથી ભાગવતનો કાર્યક્રમ રદ થઈ જાય તો દેશને કશું નુકસાન નથી ને ભાગવત પાંચના બદલે પચ્ચીસ હજાર લોકોને ભેગાં કરીને ભાષણબાજી કરે તો કોઈ ફાયદો નથી પણ ભાગવતના વિરોધને બહાને ભારતમાં પ્રવર્તતા માહોલ અંગે ઊભું કરાઈ રહેલું ચિત્ર ચોક્કસ ભારતીયોને ચિંતા કરાવનારું છે. 

મમદાની સહિતના લોકો એક જ રેકર્ડ વગાડી રહ્યા છે કે, ભારતમાં નફરતનો માહોલ પેદા કરાઈ રહ્યો છે અને બહુવિધતા ધરાવતા ભારતીય સમાજને વિભાજીત કરાઈ રહ્યો છે. સંઘ નફરતની વિચારધારા ફેલાવે છે તેથી  મુસ્લિમોના બહિષ્કાર સહિતના તુક્કા પોષાઈ રહ્યા છે એવી વાતો પણ થઈ રહી છે. સૌથી પહેલી વાત એ કે, ભારતમાં નફરતનો માહોલ છે જ નહીં ને બધાં લોકો પ્રેમથી જ રહે છે. સંઘ મોટું સંગઠન હશે પણ એટલું મોટું સંગઠન પણ નથી કે દોઢસો કરોડ ભારતીયો તેના દોરવાયા ચાલતા હોય. 

મુસ્લિમોના બહિષ્કાર સહિતની વાતો તો સાવ બકવાસ જ છે કેમ કે આ દેશમાં ક્યાંય મુસ્લિમોનો બહિષ્કાર નથી થતો. વોટ્સએપ પર એ પ્રકારના મેસેજ કેટલાક નમૂના ફરતા કરે છે પણ આ દેશની શાણી પ્રજામાં એટલી અક્કલ છે જ કે, આ વાતા ના મનાય.  ભારતીય સમાજમાં આ પ્રકારની નફરત કે બહિષ્કાર પહેલાં પણ નહોતાં ને આજેય નથી તેથી તમામ ભારતીયોએ તેનો વિરોધ કરવો જોઈએ. સંઘની વિચારધારા સામે જેમને વાંધો હોય એ સંઘને કહેવું હોય એ કહે પણ તેના બહાને ભારતમાં ખરાબ માહોલ થઈ ગયો છે એવાં જૂઠાણાં ફેલાવવાથી દૂર રહે. 

ઝોહરાન મમદાનીની વાતોથી ભારતીયો માટે તો વખાણેલી ખિચડી દાંતે વળગી જેવો ઘાટ થયો છે કેમ કે 2025ના નવેમ્બરમાં મમદાની ન્યૂ યોર્કના મેયરપદની ચૂંટણી જીત્યા ત્યારે ભારતીયોએ તેમનાં બહુ ઓવારણાં લીધેલાં. મમદાનીનાં માતા મીરા નાયર એક ખ્યાતનામ ફિલ્મ ડાયરેક્ટર છે. ઓસ્કારમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ માટેની કેટેગરીની ફાઈનલમાં પહોંચેલી સલામ બોમ્બે સહિત ઘણી અદ્ભૂત ફિલ્મો મીરાએ બનાવી છે. 

ઝોહરાનના પિતા પ્રોફેસર મહમૂદ મમદાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવે છે. મહમૂદ મમદાની મૂળ ગુજરાતી છે અને મીરા તથા મહમૂદ બંને હાર્વર્ડમાં ભણેલાં છે. આ કારણે બધાં બહુ હરખાતાં હતાં કે ભારતીય મૂળનો જણ ન્યૂ યોર્કમાં મેયર બન્યો પણ મમદાનીએ ભારતના માહોલ વિશે બકવાસ કરીને બધું ધોઈ નાખ્યું.