ડૉ. નિરંજન રાજ્યગુરુ
સંતવાણી કે સંતકવિતા જનસમુદાયમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે. વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ, સેવા, સમર્પણ અને સાધનાની ઈચ્છાવાળા સંસારીઓ કે સાધુઓની મંડળીઓ દ્વારા, અધિકારીજનો દ્વારા ચોક્ક્સ ધાર્મિક ક્રિયાકાંડના એક ભાગ રૂપે આ વાણીનું ગાન અનિવાર્ય મનાયું છે અને તે કારણે મુખોપમુખ આ સાહિત્ય જીવંત સરવાણી રૂપે વહેતું આવ્યું છે.
મંદિરો, મઠો, સંતસ્થાનો અને ભજનિકોને ત્યાં ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં જળવાયેલું આ સાહિત્ય બહુધા ગૂઢ-રહસ્યાત્મક-સાધનાત્મક પરિભાષા અને ઉક્તિઓ ધરાવે છે. એની ચોક્ક્સ પારિભાષિક શબ્દાવલીના કોશગત, લોકપ્રચલિત અને સાધનાપરંપરાગત અર્થો જાણ્યા સિવાય એના મર્મને પૂરેપૂરો પામી શકાતો નથી.
આ પદોમાં આત્મકથનાત્મક ઉદ્બોધનાત્મક, રૂપકાત્મક, સંવાદાત્મક જેવી અભિવ્યક્તિ રીતિઓ જોવા મળે. સચોટ દૃષ્ટાંતો અને રૂપકોથી અલંકૃત આ પદવાણીમાં, સ્તુતિ, પ્રાર્થના, કીર્તન, ભજન, આરતી, ધોળ, ગરબી, હોરી, ધમાર, પ્રભાતિયાં, કાફી, ઝૂલણા, ચાબખા, વિષ્ણુપદ જેવાં અનેક પ્રકારનામો મળે છે.
પ્રાત:કાળથી સાયંકાળ સુધીનાં-મંગળાથી શયન-આરતી સુધીમાં ગવાતી રચનાઓ તે પદો અને રાત્રે ગવાય તે ભજન એવી લૌકિક સમજણ સાથે કેટલાક ગાયકોમાં જે રચનાઓ ગવાય છે તે સ્તુતિ, પ્રાર્થના, થાળ, આરતી, વધાઈ, હોરી, હિંડોળા, વસંત, ધમાર, ખ્યાલ વગેરે પ્રકારની અને સગુણ સાકાર પરમાત્માની ઉપાસનાવિધિ સાથે સીધી સંકળાયેલી પદરચનાઓ હોય છે અને સાંયકાળથી સૂર્યોદય સુધીના સમગ્ર રાત્રિકાળ દરમ્યાન ગવાતાં પદો-ભજનોના વિવિધ પ્રકારો નિર્ગુણ-નિરાકારની ઉપાસના, જ્યોતપૂજા, પાટપુજા, યોગસાધના વગેરે સાથે સંકળાયેલા હોય છે.
છોડી મત જાજે મું ને એકલી વણજારા રે, જીયો રામ઼.
મેલી મત જાજે તારે દેશ, જી હો વણજારા જી રે વણજારા...
ડુંગર માથે દેરડી વણજારા રે, જીયો રામ઼.
ચડી ચડી જોઉં તારા વાટ, જી હો વણજારા જી રે વણજારા...
સોનું જાણી મેં સંગ ર્ક્યો વણજારા રે, જીયો રામ઼.
મારા કરમે નીકળ્યું કથીર, જી હો વણજારા જી રે વણજારા...
દૂધે ભરી તળાવડી વણજારા રે, જીયો રામ઼.
એની મોતીડે બાંધી પાળ,જી હો વણજારા જી રે વણજારા...
કાયા છે કાચની પૂતળી વણજારા રે, જીયો રામ઼.
એને તૂટતા નહિ લાગે વાર, જી હો વણજારા જી રે વણજારા...
કાજી મામદશાની વિનતી વણજારા રે, જીયો રામ઼.
તમે રહી જાવ આજની રાત, જી હો વણજારા જી રે વણજારા...
સંતવાણીમાં મૂળ ભાવ, મૂળ સત્ત્વ કે મૂળ તત્ત્વ છે અધ્યાત્મસાધના દ્વારા બ્રહ્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કારની અનુભૂતિનું બયાન. આ મૂળ કેન્દ્રવર્તી વિષયવસ્તુના આનુષંગે એની વાણીમાં વૈરાગ્યબોધ, ઉપદેશ કે ચેતવણી, લોકકલ્યાણની ભાવના, ગુરુમહિમા, યોગસાધનાના અનુભવો, સાધના અંગે માર્ગદર્શન, સદાચાર અને સત્સંગનું મહત્ત્વ, મનુષ્યદેહની ક્ષણભંગુરતા કે પોતાના મનની મુંઝવણ જેવા વિષયો તેમની કવિતામાં ગુંથાતા રહ્યા છે.
નિર્ગુણ-નિરાકાર જ્યોતસ્વરૂપી બ્રહ્મતત્ત્વ અને તેની અલૌકિક ગૂઢ લીલા વર્ણનાત્મક, વ્યંગ્યાત્મક, ભાવાત્મક, વિચારાત્મક કે ચિત્રણાત્મક શૈલીએ પ્રાસાદિક, આલંકારિક કે તદ્ન સહજ સરળ શબ્દાવલી એ આ સંતોની વાણીમાં ગવાતી આવી છે. તો સગુણ-સાકારની ઉપાસના કે આરાધના કરનારા ભક્તોએ પણ પોતાના અપરંપાર ભાવસંવેદનોને વાચા આપી છે.
કાજી મામદશા નામના એકથી વધુ સંતકવિઓ થયા હોવાના સંકેતો પણ મળે છે. એક કાજી મામદશા વિશે ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ)ના અધિકરણમાં ‘પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિન્દીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’ તથા અધ્યાત્મરંગી ગુજરાતી પદોના રચયિતા, બાબા દીન દરવેશના શિષ્ય’ એટલી ઓળખાણ અપાઈ છે. કાજી મામદશાના ગુરુ દીન દરવેશ ઈ.સ.1807 થી 1832 દરમ્યાન હયાત હોવાના અને પાલનપુરમાં ઘણા વર્ષો ગાળેલા હોવાના પુરાવા મળે છે. ‘દરવેશગીતા’ નામની રચના પણ કવિ દીનદરવેશે કરેલી, તેમના કુંડળિયા છંદો ખૂબ જ પ્રખ્યાત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાં હસ્તપ્રત નંબ2 399/6428માં કાજી મામદશાને નામે કોઈ હિન્દુ નારી વટલીને મુસલમાન થઈ તેનાં બે ભજનો સચવાયાં છે. આ સંતકવિ કાજી મામદશા ઈ.સ.182પમાં હયાત હતા અને તેઓ નાનકશા નામના પુત્રના પિતા હતા એ સિવાય તેમના જીવન વિશે અન્ય કશી જ સામગ્રી પ્રાપ્ત થતી નથી. જ્યારે બીજા કાજી મામદશા વિશે નોંધાયેલી વિગતો મુજબ ખેડા જિલ્લાના બીરપુર ગામે ઈ.સ.1468માં જન્મ઼ પિતા : કાજી હમીદ જેઓ અમદાવાદના શાહ આલમના શિષ્ય તરીકે, શાહ ચાલન્દા તરીકે પણ ઓળખાતા. કાજી મામદશાનું મૂળ નામ કાજી મહેમૂદ દરિયાઈ હતું.
રાજસ્થાની સાહિત્યના ઈતિહાસમાં નોંધાયેલા સંત કવિ કાઝી મહમૂદ (1પમી સદી)નાં 4પ જેટલાં પદો વિવિધ હસ્તપ્રતોમાંથી મળે છે. જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.સ.162પની સાલની છે. જ્યારે ઈ.સ.1પ2પમાં સહજસુંદર નામના જૈન કવિએ પોતાની ‘રત્નસાર ચોપાઈ’માં કાઝી મહમૂદના એક પદ ‘ભૂલા ભમરલા કાંઈ ભમઈ એ’ના ઢાળ મુજબ રચના કરી છે.