Fri Sep 04 2026

Logo

દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ

2026-08-31 07:50:00
Author: Mayur Patel
દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ

Ai Image


 

અમદાવાદ/ નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદનો દોર ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે (IMD) વધુ એક ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 12 કલાકની અંદર દેશભરના 18 રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન 40 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઘણી જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ થવાની શક્યતા પણ છે. આ દરમિયાન હવામાન વિભાગે, ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ પડ્યો હતો.વલસાડના કપરાડામાં 0.16 ઇંચ, વાપીમાં 0.16 ઇંચ, નાનાપોંઢામાં 0.12 ઇંચ, ધરમપુરમાં 0.08 ઇંચ, વાંસદામાં 0.08 ઇંચ, માળિયામાં 0.08 ઇંચ, પારડીમાં 0.04 ઇંચ, વ્યારામાં 0.04 ઇંચ, રાજકોટમાં 0.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અંબાલાલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત, અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વરસાદના નવો રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, તમામ પરિસ્થિતિ અને સિસ્ટમ જોતા આગામી 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભેજ આવવાથી અને ત્યારબાદ આગામી 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. 

IMDના તાજા અપડેટ મુજબ, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે બનેલા વેલ-માર્ક્ડ લો પ્રેશર એરિયાની અસરથી પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદી ગતિવિધિઓ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. IMD એ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, પૂર, ભૂસ્ખલન અને જમીન ધસી પડવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે પવન અને વરસાદથી વૃક્ષોની ડાળીઓ તૂટવા, નબળા બાંધકામોને નુકસાન થવા તેમજ માર્ગ અને રેલ વાહનવ્યવહાર પ્રભાવિત થવાની આશંકા છે.

આગામી 24 કલાકમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ સ્તરના અચાનક પૂર (ફ્લેશ ફ્લડ)ના જોખમનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં પૂર્વ અને મધ્ય ભારતની સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદની અસર ચાલુ રહેશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના લોકોને હવામાન સંબંધિત ચેતવણીઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

કયા રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ?

હવામાન વિભાગે જે 18 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે, તેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સામેલ છે.