દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
મહિલા હૉકીમાં ભારતે જર્મનીની ચડિયાતી ટીમને હરાવી
નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટલ્વીનમાં ભારતની નવમા ક્રમની મહિલા હૉકી ટીમે વર્લ્ડ કપમાં ગુરુવારે જર્મનીની પાંચમા નંબરની ચડિયાતી ટીમને 3-1થી હરાવીને પાંચમું સ્થાન મેળવ્યું હતું. પહેલા બે ક્વૉર્ટરમાં એકેય ગોલ નહોતો થયો, પણ ત્રીજા ક્વૉર્ટરમાં ભારતે બે ગોલ કર્યા હતા. 43મી મિનિટમાં ઇશિકાએ ગોલ કર્યા બાદ 44મી મિનિટમાં નવનીત કૌરે ગોલ કરીને ભારતને 2-0થી સરસાઈ અપાવી હતી. 47મી મિનિટમાં નવનીતે વધુ એક ગોલ કરીને સરસાઈ 3-0ની કરી આપી હતી. જર્મન ટીમ વતી એકમાત્ર ગોલ 59મી મિનિટમાં થયો હતો.

નેપાળમાં હજુ પણ પૂરનો ખતરો, ચીને આપી ચેતવણી
નેપાળમાં વિનાશક પૂર બાદ હજુ મોટા પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ અંગે ચીનના જળ સંશાધન મંત્રાલયે જણાવ્યું છે કે નદીઓના સંગમ સ્થળ નજીક પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. તેમજ આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કુદરતી બંધ તૂટશે ફરી પૂર આવશે.
ભારત-શ્રીલંકા ટેસ્ટ ડ્રૉ, ટીમ ઇન્ડિયાનો 1-0થી શ્રેણી-વિજય
કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી અને આખરી ટેસ્ટને ડ્રૉ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકન બૅટ્સમેનો (ખાસ કરીને 264 બૉલમાં 133 રન બનાવનાર સોનાલ દિનુશા)એ ભારતને બીજા દાવની બૅટિંગનો મોકો જ ન આપ્યો અને મર્યાદિત સમય બાકી રહ્યો હોવાથી બન્ને ટીમે એકમેક સાથે સહમત થઈને ટેસ્ટને ડ્રૉ જાહેર કરાવી હતી. ભારતે આ સિરીઝ 1-0થી જીતી લીધી છે. મૅચ ડ્રૉ જાહેર થઈ ત્યારે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર 9/429 હતો. ભારતની પ્રથમ દાવની 213 રનની સરસાઈ બાદ કરતા બીજા દાવમાં શ્રીલંકાનો સ્કોર 9/216 હતો.

નેપાળના વિનાશક પૂરમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ફસાયા
નેપાળના બુધવારે આવેલા વિનાશક પૂરમાં અનેક લોકો હજુ લાપતા છે. જેમાં મળતી માહિતી મુજબ કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ફસાયા છે. જેમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2, રાજકોટ અને વલસાડના 1-1 યાત્રાળુઓ સમાવેશ થાય છે. આ અંગે ગુજરાત સરકારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે તેમજ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલનમાં છે.
ભારત માટે જીતવું મુશ્કેલ, શ્રીલંકન બૅટ્સમેનો ટસના મસ નથી થતા
કોલંબોમાં બીજી ટેસ્ટ પણ જીતીને શ્રીલંકનોનો 2-0થી વાઇટવૉશ કરવાનું ભારત માટે હવે મુશ્કેલ છે, કારણકે યજમાન ટીમના એક પછી એક બૅટ્સમૅન ભારતીય બોલર્સને હંફાવે છે અને લાંબો સમય ક્રીઝમાં ટકી રહે છે. ખાસ કરીને સોનાલ દિનુશા (104 નૉટઆઉટ, 223 બૉલ, છ ચોગ્ગા) મૅચમાં સતત બીજી સદી ફટકારીને ભારતને ખૂબ નડી ગયો છે. 141મી ઓવરને અંતે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર આઠ વિકેટે 399 રન હતો અને ભારતની 213 રનની સરસાઈ ઉતાર્યા બાદ શ્રીલંકાના 186 રન હતા. તેની સાથે લાહિરુ કુમારા રમી રહ્યો હતો જેણે 82 બૉલમાં 11 રન બનાવ્યા છે. આઠમાંથી ત્રણ વિકેટ માનવ સુથારે અને બે વિકેટ રવીન્દ્ર જાડેજાએ લીધી છે.

22,000 કરોડ રુપિયાનું દેવું રફેદફે, બેંકોના વિરોધ વચ્ચે ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રાને મોટી રાહત
સુપ્રીમ કોર્ટે બેંકોને દેવા માફી ન કરવા આપેલા નિર્દેશ વચ્ચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ ₹22,000 કરોડથી વધુના દેવાના સમાધાનને માત્ર ₹6.5 કરોડમાં મંજૂરી આપી હતી. એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રાને દેવાની માત્ર 0.1 ટકા રકમ ભરવાની આપેલી મંજૂરીના પગલે બેંકોને મોટાપાયે નુકસાન સહન કરવાનું આવશે.
હરિયાણા વિધાનસભાના ચોમાસુ સત્રની તોફાની શરૂઆત, કોંગ્રેસ ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હરિયાણા વિધાનસભાના ચોમાસુ સત્રની તોફાની શરૂઆત થઈ છે. જેમાં વિપક્ષ કોંગ્રેસે સરકારને અનેક મુદ્દાઓ પર ગૃહની અંદર અને બહાર ઘેરી હતી. જેમાં વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વિપક્ષ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી હતી.
લંચ બાદ તરત જ માનવ સુથારે અપાવી સફળતા
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે પાંચમો અને અંતિમ દિવસ છે. લંચ બાદ માનવ સુથારે ભારતને મોટી સફળતા અપાવી હતી. કેશારા નુવન્થા 150 બોલમાં 46 રન બનાવી માનવ સુથારની ઓવરમાં ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. શ્રીલંકાએ ભારત પર 117 રનની લીડ લીધી છે અને ત્રણ વિકેટ હાથમાં છે.
આંધ્ર પ્રદેશમાં બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, સાત લોકોના મોત
આંધ્ર પ્રદેશમાં એક ગંભીર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પલનાડુ જિલ્લામાં આજે સવારે એક બસ અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બે લોકોની હાલત વધારે ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત એક ખાનગી બસ અને ઓટો રિક્ષા વચ્ચે થયો છે.
નેપાળમાં ફસાયેલા ગુજરાતનીઓ માટે કંટ્રોલરૂમ નંબર જાહેર
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત ગુજરાતીઓ માટે કંટ્રોલરૂમ નંબર કરવામાં આવ્યા છે. 079232-51900, 9978405304, હેલ્પલાઇન નં. 1070 તેમજ જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077 પર સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવાયું છે
નેપાળમાં ભયંકર પૂરના કારણે 160 લોકોના મોત, 750 લાપતા
નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં 160 લોકોના મોત થયા છે અને 750 થી વધુ લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ મૃત્યુઆંક વધી રહ્યો છે. ગુમ થયેલા લોકોમાં 130 ભારતીયો પણ છે; જેમાંથી મોટાભાગના માનસરોવર યાત્રા પર ગયા હતા. અત્યારે બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પૂરમાં ફસાયેલા ભારતીયોના પરિવાર જનો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યાં છે.