દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દક્ષિણ આફ્રિકામાં સામૂહિક ગોળીબાર, 17 લોકોના મોત
દક્ષિણ આફ્રિકામાં સામૂહિક ગોળીબારની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ગોળીબારમાં કુલ 17 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગયા અઠવાડિયે ડરબન શહેરમાં એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો ત્યારે ગર્ભવતી મહિલા સહિત 11 લોકો માર્યા ગયા હતા. જૂન મહિનામાં જોહાનિસબર્ગના ઉપનગરમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. તે પછી ફરી એકવાર થયેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયાં છે.
વલસાડમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
વલસાડમાં ગત રાત્રે 10:33 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના આંકડા પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ હતી, જેનું કેન્દ્રબિંદુ વલસાડથી અંદાજે 53 કિલોમીટર દૂર સ્થિત હતું. રાત્રિના સમયે અચાનક જમીન ધ્રૂજતા સ્થાનિક લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. જો કે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ કે મોટા માલ-સામાનના નુકસાનની માહિતી સામે આવી નથી.
આત્મઘાતી હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જતી ઈમરજન્સી ટીમો પર ગોળીબાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ સ્વીકારી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ આત્મઘાતી વિસ્ફોટ બાદ, જ્યારે ઈમરજન્સી ટીમો પીડિતોને નજીકની હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી ત્યારે બંદૂકધારીઓએ એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
આજે દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડમાં પણ આજે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં હોવાથી અનેક વિસ્તારોમાં ગરણીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે, આગામી 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં પણ ધીમા વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા આજે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા રહેશે.