Mon Oct 05 2026

Logo

‘રામાયણ’ના નવા પોસ્ટર્સ રિલીઝ, રામ-સીતા અને લક્ષ્મણના લુકે જીત્યું દિલ; રાવણની પણ જોવા મળી ઝલક

2026-09-27 11:17:00
Author: Mumbai Samachar Team
‘રામાયણ’ના નવા પોસ્ટર્સ રિલીઝ, રામ-સીતા અને લક્ષ્મણના લુકે જીત્યું દિલ; રાવણની પણ જોવા મળી ઝલક

મુંબઈઃ રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ‘રામાયણ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર તગણી કમાણી કરશે તેવું ચાહકો માની રહ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. તેવામાં હવે મેકર્સે ફિલ્મના પાત્રોના નવા પોસ્ટર્સ રિલીઝ કર્યા છે. જેમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, રવિ દુબે અને યશનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે. પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર રિલીઝ થતાં જ વાયરલ થઈ ગયા છે અને ફેન્સની ઉત્સુકતા પણ વધી ગઈ છે.

પહેલા પોસ્ટરમાં જોવા મળી રામ-સીતા અને લક્ષ્મણની ઝલક

મેકર્સે રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબેના લુકને એક જ પોસ્ટરમાં રજૂ કર્યા છે. રણબીર કપૂર રામના પાત્રમાં જોવા મળી રહ્યા છે. તેમની એક તરફ માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવી, જ્યારે બીજી તરફ લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે નજરે પડે છે. પોસ્ટરની પાછળ જંગલનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે અને ત્રણેય કલાકારો વનવાસના વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરના કેપ્શનમાં મેકર્સે ‘Together always, in Dharma’  લખ્યું છે.

 

બીજા પોસ્ટરમાં જોવા મળ્યો રાવણનો શાનદાર લુક

બીજા પોસ્ટરમાં સુપરસ્ટાર યશ રાવણના પાત્રમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં સોનાની લંકાની ઝલક પણ જોવા મળે છે. યશનો રાવણ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબેના પોસ્ટર બાદ યશનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. યશના પોસ્ટરના કેપ્શનમાં ‘ત્રણેય લોકનો શાસક, રાવણ.’ (The ruler of all 3 worlds, Ravana.) લખવામાં આવ્યું છે. 

 

‘રામાયણ’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં કોણ કોણ જોવા મળશે?

‘રામાયણ’માં રણબીર કપૂર રામના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે સાઈ પલ્લવી, યશ, રવિ દુબે, વિવેક ઓબેરોય, રકુલ પ્રીત સિંહ, કાજલ અગ્રવાલ, લારા દત્તા, કુણાલ કપૂર, ઇંદિરા કૃષ્ણન અને શીબા ચઢ્ઢા સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો ‘રામાયણ’ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનો બીજો ભાગ આગામી વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે.