નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 138મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે દેશની સુરક્ષા, પર્યાવરણ, સંસ્કૃતિ અને ગ્રામીણ સશક્તિકરણ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. ચાલો વિગતે જાણીએ...
138મા એપિસોડમાં સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષની વાત કરી
'મન કી બાત'ના 138મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 10 વર્ષ પહેલાં 28-29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. LoC પાર જઈને આતંકવાદ સામે કરાયેલી આ કાર્યવાહીથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકે સમગ્ર વિશ્વ સમક્ષ આતંકવાદ સામેની ભારતની નીતિનું એક નવું ઉદાહરણ રજૂ કર્યું. આતંકવાદી હુમલાઓને કારણે ભારતે જે લાંબા સમયથી વેઠેલી પીડા હતી, તેના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક એ અમારો નિર્ણાયક પ્રતિસાદ હતો.
અશોક સિંઘલજીની જન્મ શતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપી
'મન કી બાત' દરમિયાન વડાપ્રધાને 27 સપ્ટેમ્બર 1926ના રોજ આગ્રામાં જન્મેલા સ્વર્ગીય અશોક સિંઘલજીને તેમની જન્મ શતાબ્દી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, અશોક સિંઘલજીએ સમાજ વચ્ચે રહીને તપસ્વી જેવું જીવન વિતાવ્યું અને રામ જન્મભૂમિ આંદોલનને નવી દિશા તથા ઊર્જા આપી, જેના પરિણામે આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે.
મોઢેરા સૂર્ય મંદિરના 1000 વર્ષ અને 'સોલર વિલેજ'નો ખાસ ઉલ્લેખ
ગુજરાતના ઐતિહાસિક વારસાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, 1025 ઈસવીમાં રાજા ભીમદેવે મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 1026 ઈસવીમાં ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે મોઢેરાના આ મંદિરને પણ ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું, જેને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આજે મોઢેરા પોતાના સમૃદ્ધ વારસાની સાથે દેશના પ્રથમ 'સોલર વિલેજ' તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ બનાવી ચૂક્યું છે.
દેશભરમાં થઈ રહેલા પ્રેરણાદાયી કાર્યોની સરાહના
દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સકારાત્મક અને પ્રેરણાદાયી પ્રયાસોને પીએમ મોદીએ બિરદાવ્યા છે. પશ્ચિમ બંગાળના સુંદરબનમાં વાઘના હુમલામાં પતિ ગુમાવનારી મહિલાઓ મેંગ્રોવના જંગલો તૈયાર કરી રહી છે, જે ગામડાઓ માટે કુદરતી સુરક્ષા કવચ બનવાની સાથે તેમની રોજીરોટીનું માધ્યમ પણ બની રહ્યું છે. આ સાથે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં આમળા પ્રોસેસિંગ માટે આશરે 100 યુનિટ્સ ચાલી રહી છે. ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) યોજના હેઠળ 'સાવિત્રી ફૂલે સ્વસહાય જૂથ' જેવી મહિલા સમિતિઓ આમળામાંથી કૅન્ડી, મુરબ્બો અને જ્યુસ બનાવીને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.
Do listen to this month's #MannKiBaat as we discuss a range of subjects. https://t.co/uNlANtGly7
— Narendra Modi (@narendramodi) September 27, 2026
આ સાથે તમિલનાડુના તિરુચિરાપલ્લી (મનપ્પારઈ) માં સંસ્કૃતિ જતન અને અસમમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોની પણ વડાપ્રધાને વિશેષ નોંધ લીધી હતી. રાજેન્દર સિંહ સીનિયર દ્વારા ગ્રામીણ અને નાના શહેરોના બાળકોમાંથી રમતગમતની પ્રતિભા શોધીને તેમને હોકીની તાલીમ આપવામાં આવી રહી છે તેને પણ પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો. આ સાથે દેશના લાખો યુવાનોએ ડ્રગ્સ અને નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને જાગૃત કરવા માટે મહત્ત્વપૂર્ણ સંકલ્પ લીધો તેનો પણ પીએમ મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો.