ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સુરક્ષા દળો અને પોલીસને નિશાન બનાવીને ફરી એકવાર ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં એક પોલીસ અને કસ્ટમ્સ ચેકપોસ્ટ પર થયેલા ભીષણ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 35 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કેવી રીતે થયો આ ભયાનક આત્મઘાતી હુમલો?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દારાઝિંડા વિસ્તારમાં આવેલી 'અમાન મેલા' ચેકપોસ્ટ પર બની હતી. આ ચેકપોસ્ટ પોલીસ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા ગેરકાયદેસર દાણચોરી રોકવા માટે સંયુક્ત રીતે તૈનાત કરવામાં આવી હતી. એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સીધી ચેકપોસ્ટ સાથે અથડાવી દીધી હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ચેકપોસ્ટનો મોટાભાગનો હિસ્સો તબાહ થઈ ગયો હતો અને નજીકમાં આવેલું એક મકાન પણ ધરાશાયી થઈ ગયું હતું.
વિસ્ફોટ બાદ એમ્બ્યુલન્સ પર ફાયરિંગ
ચોંકાવનારી વાત એ છે કે, આત્મઘાતી હુમલાના તુરંત બાદ જ્યારે રાહત ટીમ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે અજ્ઞાત બંદૂકધારીઓએ એમ્બ્યુલન્સને લક્ષ્ય બનાવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબારને કારણે બચાવ કાર્યમાં અવરોધ ઊભો થયો હતો અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 13 લોકોમાં કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ મહિલાઓ અને બાળકો સહિતના સામાન્ય નાગરિકો સામેલ છે.
TTP એ લીધી હુમલાની જવાબદારી
આ કાયરતાપૂર્ણ આતંકી હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ લીધી છે. પાકિસ્તાન સરકાર સાથે સીઝફાયરનો અંત આવ્યા બાદ TTP દ્વારા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્થાનના સરહદી વિસ્તારોમાં હિંસક હુમલાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનમાં ઉગ્રવાદી હિંસામાં વધારો થયો છે, જેમાં મોટાભાગની હિંસાની જવાબદારી TTP અને બલોચ લિબરેશન આર્મી (BLA) એ સ્વીકારી છે. BLA એ પાડોશી પ્રાંત બલોચિસ્તાનમાં સક્રિય એક ઉગ્રવાદી સંગઠન છે.
મહત્વની વાત એ છે કે, યુએનમાં એક પાકિસ્તાની પત્રકારે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતો પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કડક અને બેબાક પ્રતિક્રિયા આપી હતી. એસ. જયશંકરે કહ્યું હતું કે, ‘એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે? કમ ઓન! (A terrorist country is asking me that question? Come on!)’. પાકિસ્તાન જાતે વિશ્વ સામે બેનકાબ થઈ રહ્યું છે. પોતાના દેશમાં સતત આંતકવાદી હુમલાઓ થઈ રહ્યાં છે. આ પહેલા પાક વડાપ્રધાને પણ આવું જ કઈક નિવેદન આપ્યું હતું.