Sun Sep 27 2026

Logo

રણબીર કપૂર પહેલા મિસ્ટર બીસ્ટને કોણે શીખવાડ્યું 'હરે રામ હરે કૃષ્ણ' ? તેની ફિલ્મ થઈ હતી સુપર હિટ

2026-09-27 10:06:00
Author: Mumbai Samachar Team
રણબીર કપૂર પહેલા મિસ્ટર બીસ્ટને કોણે શીખવાડ્યું 'હરે રામ હરે કૃષ્ણ' ? તેની ફિલ્મ થઈ હતી સુપર હિટ

મુંબઈઃ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને ફિલ્મમેકર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ગ્લોબલ પ્રમોશન માટે 26 સપ્ટેમ્બરે યોજાયેલા ખાસ પ્રમોશનલ ઈવેન્ટમાં દુનિયાભરમાં જાણીતા યુટ્યુબર અને કન્ટેન્ટ ક્રિએટર મિસ્ટર બીસ્ટ પણ જોવા મળ્યા હતા.

આ ઈવેન્ટમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, નિતેશ તિવારી, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને રવિ દુબે સાથે મિસ્ટર બીસ્ટ પણ હાજર રહ્યા હતા. ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂરે મિસ્ટર બીસ્ટને ભગવાન રામ વિશે સમજાવ્યું અને તેમને ‘જય શ્રી રામ’ બોલવા માટે કહ્યું. મિસ્ટર બીસ્ટએ પણ ઉત્સાહપૂર્વક ‘જય શ્રી રામ’નો નારો લગાવ્યો, જેને ત્યાં હાજર લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

કાર્તિક આર્યન સાથે પણ કરી ચૂક્યા છે પ્રમોશન

રસપ્રદ વાત એ છે કે, મિસ્ટર બીસ્ટનું બોલિવૂડ સાથે આ પહેલું જોડાણ નથી. રણબીર કપૂર પહેલા તેઓ નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેતા કાર્તિક આર્યન સાથે પણ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ના પ્રમોશન દરમિયાન જોવા મળ્યા હતા. તે સમયે કાર્તિક આર્યને મિસ્ટર બીસ્ટને ફિલ્મના લોકપ્રિય ગીત ‘હરે રામ, હરે રામ’નો હૂક સ્ટેપ શીખવ્યો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ફેન્સે તેને ખૂબ પસંદ કર્યો હતો.

‘ભૂલ ભુલૈયા 3’એ કરી હતી શાનદાર કમાણી

કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભુલૈયા 3’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે વિશ્વભરમાં આશરે 423.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 283.80 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 334.67 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે 89.18 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.

‘રામાયણ’નું ગ્લોબલ પ્રમોશન

હવે મિસ્ટર બીસ્ટ ‘રામાયણ’ના ગ્લોબલ પ્રમોશનલ કેમ્પેઈનનો હિસ્સો બન્યા છે. તેમની વિશાળ આંતરરાષ્ટ્રીય ફેન ફોલોઇંગને ધ્યાનમાં રાખીને ફિલ્મના મેકર્સ તેને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઈવેન્ટમાં મિસ્ટર બીસ્ટની હાજરી અને રણબીર કપૂર સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહી હતી.

નિતેશ તિવારીની ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે યશ રાવણના પાત્રમાં નજર આવશે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 દરમિયાન રિલીઝ થવાનો છે, જ્યારે બીજો ભાગ 2027માં સિનેમાઘરોમાં આવશે.