Wed Sep 30 2026

Logo

50 દિવસ પછી પણ ‘હનુમાન અંશ’ નો દબદબો બરકરાર; સિદ્ધાર્થ-નાનીની ફિલ્મને આપી ટક્કર, વીકએન્ડમાં કરી જોરદાર કમાણી

2026-09-27 10:40:49
Author: Mumbai Samachar Team
50 દિવસ પછી પણ ‘હનુમાન અંશ’ નો દબદબો બરકરાર; સિદ્ધાર્થ-નાનીની ફિલ્મને આપી ટક્કર, વીકએન્ડમાં કરી જોરદાર કમાણી

મુંબઈઃ આ અઠવાડિયે સિનેમાઘરોમાં ફેમિલી ઓડિયન્સ અને સિનેપ્રેમીઓ માટે મનોરંજનનો મોટો ધમાકો થયો છે. બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધીની નવી-નવી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ છે. જોકે, નવી રિલીઝ વચ્ચે પણ બોક્સ ઓફિસ પર છેલ્લા સાત અઠવાડિયાથી ચાલી રહેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુમાન અંશ’ નો વિજયરથ અટકવાનું નામ લઈ રહ્યો નથી.

‘હનુમાન અંશ’ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 50 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ફિલ્મ હજુ પણ દર્શકોને થિયેટરો સુધી ખેંચવામાં સફળ રહી છે. આ અઠવાડિયે સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘ધ વન’ અને નાનીની ‘ધ પેરેડાઇઝ’ જેવી ફિલ્મો રિલીઝ થઈ હોવા છતાં ‘હનુમાન અંશ’ની કમાણીમાં મજબૂતાઈ જોવા મળી છે.

‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો

'હનુમાન અંશ' ફિલ્મ છેલ્લા સાત અઠવાડિયાથી સતત થિયેટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મે તેના 51મા દિવસે ફરી ઝડપ પકડી છે. એક રિપોર્ટ અનુસાર શનિવારે લિમિટેડ શોઝથી આ ફિલ્મે ભારતમાં આશરે 6.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ફિલ્મનું ભારતમાં કુલ ગ્રોસ કલેક્શન 298.03 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 

‘ધ પેરેડાઇઝ’ની પણ સારી શરૂઆત

નાનીની ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ 24 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્રીજા દિવસે ફિલ્મે ભારતમાં 15.25 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે ભારતમાં તેનું કુલ નેટ કલેક્શન 76.40 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઇડ ગ્રોસ 119 કરોડ રૂપિયા થઈ ગયું છે.બે દિવસમાં આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. નાનીના કરિયરની આ સૌથી મોટી ફિલ્મ હશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

‘ધ વન’ની પણ બોક્સ ઓફિસ પર એન્ટ્રી

સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ‘ધ વન- ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’એ પહેલા દિવસે ભારતમાં 8 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 11 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન નોંધાવ્યું હતું. બે દિવસમાં ફિલ્મનું ભારતનું કુલ નેટ કલેક્શન 19 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 24.85 કરોડ રૂપિયા થયું છે. આ ફિલ્મોની વચ્ચે પણ ‘હનુમાન અંશ’નો બિઝનેસ સતત ચર્ચામાં રહ્યો છે અને ફિલ્મે લાંબી થિયેટર રન દરમિયાન પોતાની પકડ જાળવી રાખી છે.