રાસુવા: નેપાળમાં તિબેટ બાજુથી આવેલા ભયાનક પૂરે તબાહી મચાવી છે. આ પ્રચંડ પૂરને કારણે નેપાળના રાસુવા જિલ્લાના તૈમુરે બજાર વિસ્તારમાં વ્યાપક વિનાશ થયો છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોતની માહિતી સાંપડી છે. જ્યારે 1000 થી વધારે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 105 થી વધુ ભારતીયો પણ લાપતા હોવાની માહિતી સાંપડી છે.
રહેણાંક વસાહતોને વ્યાપક નુકસાન
જોકે, નેપાળના રાસુવા જિલ્લાથી વહેતી ભોટે કોશી નદીના પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હતો. જેના પગલે નદી કાંઠે રહેણાંક વસાહતોને વ્યાપક નુકસાન થયું છે.
જોકે, નેપાળની રાસુવાની ભોટે કોશી નદીમાં અચાનક અને તીવ્ર પૂરના કારણો અંગે વૈજ્ઞાનિકો અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક મૂલ્યાંકન મુખ્યત્વે તિબેટમાં હિમપ્રપાત અને હિમનદી તળાવ ફાટવા તરફ નિર્દેશ કરે છે.
આ અંગે કાઠમંડુ યુનિવર્સિટીના પ્રોફેસર અને આબોહવા સંશોધક રિજન ભક્ત કાયસ્થે નેપાળી વેબસાઇટને જણાવ્યું છે કે આની માટે હિમપ્રપાત જવાબદાર છે.
આ જ વિસ્તારમાં આવેલા ભૂકંપને હિમપ્રપાતનું સંભવિત કારણ માનવામાં આવે છે.
ભૂકંપના લીધે લહેન્ડે નદી અચાનક બંધ થઈ ગઈ
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના ડેટા અનુસાર, ગોસાઈકુંડથી લગભગ 47 કિલોમીટર ઉત્તરમાં તિબેટીયન પ્રદેશમાં બુધવારે સવારે 8:37 વાગ્યે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેથી હિમપ્રપાતથી લહેન્ડે નદી અચાનક બંધ થઈ ગઈ. આ નદી તિબેટથી નેપાળમાં વહે છે. જ્યાં તે ત્રિશુલી નદીમાં જોડાય છે અને તેને ભોટે કોશી તરીકે ઓળખવામાં આવે છે. ચીની સ્ત્રોતો પાસેથી આ પ્રાથમિક માહિતી મળી છે.

હિમનદી તળાવ ફાટ્યું હોવાનું અનુમાન
આ વિસ્તારોમાં અનેક મોટા હિમનદી તળાવો પણ આવેલા છે. તેથી, વૈજ્ઞાનિકો હિમપ્રપાતની સાથે હિમનદી તળાવ ફાટ્યું હતું કે કેમ તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. નેપાળ અથવા તિબેટના પ્રદેશમાં હિમનદી તળાવ ફાટવાની પ્રબળ શક્યતા છે. ગત વર્ષે 8 જુલાઈ, 2025ના રોજ લહેન્ડે નદીમાં પણ આવું જ પૂર આવ્યું હતું. તેમજ સેટેલાઇટ ઇમેજના વિશ્લેષણમાં હિમનદી તળાવ ફાટવાનું મુખ્ય કારણ જાણવા મળ્યું હતું.
કુદરતી અવરોધ તૂટતા પૂર આવ્યાની શક્યતા
આ ઉપરાંત નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ સામાન્ય ચોમાસાનું પૂર નહોતું. જળવિજ્ઞાન અને હવામાન વિભાગના ખાસ અપડેટ મુજબ મંગળવાર અને બુધવારે સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો ન હતો. વરસાદ ન હોવા છતાં અચાનક પૂર કુદરતી અવરોધ તૂટવાના લીધે આવ્યું હોવું જોઈએ.

માનસરોવર જતાં ભારતીય યાત્રીઓ પૂરમાં ફસાયા
આ પૂરમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ થઈને તિબેટ જઈ રહ્યા હતા. આ ભારતીય અને અન્ય વિદેશી પ્રવાસીઓ આજે સવારે નેપાળ-ચીન સરહદ પર સ્થિત રસુવાગઢી ખાતે હતા અને તિબેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે વિનાશક પૂરમાં સરહદી ગામડાઓ, રસ્તાઓ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ નાશ પામી છે. જેના કારણે પ્રવાસીઓનો સાથે સંપર્ક તૂટી ગયો છે.