મુંબઈ: બોલીવુડના કલાકારોના સંબંધો, લિંકઅપ્સ, બ્રેકઅપ્સ, લગ્ન અને અનેક ચર્ચાસ્પદ ખુલાસાઓ માટે જાણીતો લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. હોસ્ટ અને ફિલ્મમેકર કરણ જોહરે સીઝન-9ને શોની છેલ્લી સિઝન તરીકે જાહેર કરી છે. 22 વર્ષના લાંબા સફર દરમિયાન શોની 8 સીઝન અને 161 એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. હવે અંતિમ સીઝનનો પ્રીમિયર 14 ઓક્ટોબરથી ઓટીટી પર જોવા મળશે.
કરણ જોહરે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં આ જાહેરાત કરી છે. વીડિયોમાં તે ભાવુક જોવા મળે છે અને હાથમાં શોનો જાણીતો ‘કોફી મગ’ લઈને અત્યાર સુધીની સફરને યાદ કરી હતી અને તેણે કહ્યું હતું કે આ માત્ર કોઈ પ્રોફેશનલ જાહેરાત નથી, પરંતુ તેના મનની વાત છે. કરણે ખાસ કરીને પોતાના પિતા યશ જોહર અને શોની શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા.
કરણના જણાવ્યા અનુસાર, જૂન 2004માં તેણે પોતાના પિતાને કહ્યું હતું કે તે એવો ટોક શો હોસ્ટ કરવા માગે છે, જેમાં બે કલાકારને બોલાવીને તેમની સાથે અનૌપચારિક વાતચીત કરવામાં આવે છે, પરંતુ એ જ મહિનાની 26 જૂને યશ જોહરનું નિધન થયું હતું. ત્યાર બાદ 16 ઓગસ્ટ 2004ના કરણે શોના પ્રથમ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. આજે 22 વર્ષ, 8 સિઝન અને 161 એપિસોડ બાદ તે આ શોને અલવિદા કહી રહ્યો છે.
‘કોફી વિથ કરણ’ની સફર માત્ર ગ્લેમર અને મનોરંજન પૂરતી મર્યાદિત રહી નથી. શો સાથે અનેક વિવાદો પણ જોડાયા હતા. કરણે ખુદ સ્વીકાર્યું કે તેને આ શોના કારણે જીવનભરની મિત્રતા, પ્રેમ અને યાદો મળી, પરંતુ સાથે ‘નેપોટિઝમ’ જેવા મુદ્દાઓને લઈને સતત ચર્ચા અને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. તેને એવું પણ કહ્યું હતું કે લોકો ઘણી વખત તેની આગામી ફિલ્મ વિશે પૂછવાને બદલે ‘કોફી વિથ કરણ’ની નવી સિઝન ક્યારે આવશે તે પૂછે છે.
આ શોએ ભારતીય પોપ કલ્ચરમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. શોનો લોકપ્રિય ‘રૅપિડ ફાયર રાઉન્ડ’ અને ગિફ્ટ હૅમ્પર સેલિબ્રિટીઝ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, કરીના કપૂર અને આલિયા ભટ્ટ સહિત બોલિવૂડના અનેક જાણીતા કલાકારો શોના કાઉચ પર પોતાની વાતો શેર કરી ચૂક્યા છે.
કરણ જોહરે અંતિમ સીઝનની જાહેરાત કરતાં એ પણ સંકેત આપ્યો છે કે શો સાથે જોડાયેલી ટ્રોલિંગ અને મીમ્સ આગળ પણ જોવા મળી શકે છે. જોકે, તેના મતે આ બધાની પાછળ દર્શકોનો જે પ્રેમ રહ્યો છે, તેના નામે તે ‘કોફી’ના છેલ્લા ઘૂંટડાને સમર્પિત કરી રહ્યો છે. એપ્રિલ 2026માં પણ કરણે સીઝન-9ના આ વર્ષે પરત ફરવાની પુષ્ટિ કરી હતી, ત્યારે તેણે દિવાળી દરમિયાન સીઝન આવવાની વાત કરી હતી.
હવે 14 ઓક્ટોબરે ઓટીટી પર શરૂ થનાર ‘કોફી વિથ કરણ 9’ સાથે આ લાંબી સફરનો અંત આવશે. છેલ્લી સિઝનમાં કયા-કયા સેલિબ્રિટીઝ કરણના કાઉચ પર બેસશે અને શોના આ ‘વન લાસ્ટ કપ’માં કઈ વાતો ચર્ચામાં આવશે, તેના પર દર્શકોની નજર રહેશે. 22 વર્ષ સુધી ભારતીય મનોરંજન જગતમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા આ શોની છેલ્લી સીઝન હવે તેની સફરનું છેલ્લું પ્રકરણ બનશે.