Tue Oct 06 2026

Logo

રિલાયન્સના ધનરાજ નથવાણી રાજ્યસભાના ઉમેદવાર, ક્યા ભાજપ વિરોધી પક્ષે બનાવ્યા ઉમેદવાર ?

2026-09-30 10:36:00
Author: Mayur Patel
રિલાયન્સના ધનરાજ નથવાણી રાજ્યસભાના ઉમેદવાર, ક્યા ભાજપ વિરોધી પક્ષે બનાવ્યા ઉમેદવાર ?

નવી દિલ્હીઃ રિલાયન્સના ધનરાજ નથવાણીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ભાજપ વિરોધી સમાજવાદી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે. ધનરાજ નથવાણીએ સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

સમાજવાદી પાર્ટીએ બુધવારે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે પ્રોફેસર રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણીને પોતાના બે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં આ બંને ઉમેદવારો  પોતાની ઉમેદવારી નોંધાવશે.

કોણ છે ધનરાજ નથવાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ એવા 40 વર્ષીય ધનરાજ નથવાણી ગુજરાતમાં વેપાર, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે સક્રિય વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. તેમનો જન્મ  5 ફેબ્રુઆરી, 1986ના રોજ થયો હતો. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.

ધનરાજ નથવાણીએ ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ રીજેન્ટસ્ બિઝનેસ સ્કુલ, લંડનથી કર્યો છે. આ ઉપરાંત એમ.બી.એનો અભ્યાસ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ્ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીથી કર્યો છે. સ્નાતક થયા બાદ, તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.

2014માં કર્યા લગ્ન

17 ફેબ્રુઆરી 2014ના રોજ ધનરાજ નથવાણીનાં લગ્ન ગુજરાતી રીત-રીવાજથી અમદાવાદમાં થયાં હતા.  જેમાં ત્યારના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુકેશ અંબાણી અને કૉંગ્રેસના અહેમદ પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના મંત્રી ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીની ઉમેદવાર પસંદગી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું પાર્ટી પછાત, દલિત અને લઘુમતી  સમુદાયોમાંના બદલે  ધનાઢ્યો અને ગુનેગારોને સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો ઈરાદો ધરાવે છે?

ક્યારે યોજાશે ચૂંટણી

22 સપ્ટેમ્બરે  ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક મળીને કુલ 11 રાજ્યસભા બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં એક બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની બેઠકો ધરાવતા વર્તમાન સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે.

અખિલેશ યાદવે શું કર્યો હતો આક્ષેપ

અગાઉ અખિલેશ યાદવે એવો આક્ષેપ કર્યો હતો કે 2022ની ચૂંટણી દરમિયાન તેમની પાર્ટીના સમર્થકોના મતો જાણીજોઈને રદ કરી દેવામાં આવ્યા હતા અને આવી ગેરરીતિ વર્ષોથી ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે પાર્ટીએ 2017માં પૂરતું ધ્યાન આપ્યું ન હતું અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેશે તેમજ પોતાની વિશ્વસનીયતા જાળવશે તેવો વિશ્વાસ રાખ્યો હતો. અમે 2017માં પૂરતું ધ્યાન ન આપ્યું. અમને ચૂંટણી પંચ પર વિશ્વાસ હતો અને માનતા હતા કે તે નિષ્પક્ષ રહેશે અને પોતાની વિશ્વસનીયતા સાથે સમાધાન નહીં કરે.

આ ઉપરાંત કહ્યું કે,  2022ના પરિણામો પછી, તેમણે SPના રાષ્ટ્રીય અધિવેશનમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ અને અધિકારીઓએ મળીને સમાજવાદી પાર્ટીના મતો જાણીજોઈને રદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ  403માંથી 255 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સત્તા જાળવી રાખી હતી.

તેમણે ઉમેર્યું કે, જ્યારે 2022માં પરિણામો આવ્યા, ત્યારે મને યાદ છે કે મેં અમારા રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ અને અધિકારીઓએ સાંઠગાંઠ કરીને સમાજવાદી પાર્ટીના મતો ઇરાદાપૂર્વક રદ કર્યા હતા. જેમણે 2019માં મત આપ્યો હતો તેમને કોઈપણ નોટિસ વિના કે નિયમો-કાયદાનું પાલન કર્યા વિના 2022માં મત આપવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા, અને પરિણામે 2022માં સમાજવાદી પાર્ટીની સરકાર ન બની શકી. આ ગેરરીતિ સતત ચાલી રહી હતી ફરક માત્ર એટલો છે કે હવે તેનો પર્દાફાશ થઈ ગયો છે.