Tue Oct 06 2026

Logo

ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટે કરી મોટી ટિપ્પણી, દિવાળીનો તહેવાર એ...

2026-09-30 14:59:04
Author: Mayur Patel
ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટે કરી મોટી ટિપ્પણી, દિવાળીનો તહેવાર એ...

નવી દિલ્હીઃ દિવાળી પૂર્વે સુપ્રીમ કોર્ટે આજે ફટાકડા ફોડવા અંગે મહત્ત્વની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશભરમાં ફડાકડાનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાનો ઉદ્દેશ નથી, કારણ કે દિવાળી લોકોની ભાવના સાથે જોડાયેલો તહેવાર છે.

દેશમાં દર વર્ષે દિવાળી નજીકમાં આવે ત્યારે ફટાકડાથી થતાં પ્રદૂષણનો મુદ્દો ઉઠાવવામાં આવે છે અને કેટલાક લોકો દ્વારા આ અંગે કોર્ટમાં અરજી પણ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટતા કરી હતી કે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કોઈ ઈરાદો ધરાવતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર લોકોની લાગણીઓ સાથે જોડાયેલો છે અને તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી શકાય નહીં.

ફટાકડા ફોડવાની 24 કલાકની મંજૂરી

કોર્ટે સાથોસાથ એ પણ કહ્યું કે ફટાકડા ફોડવા માટે 24 કલાકની મંજૂરી પણ આપી શકાય નહીં. અદાલતે ટાંક્યું કે સતત ફટાકડા ફોડવાથી તેનો ધુમાડો બીમાર લોકો, વડીલો અને બાળકો પર તેની વિપરીત અસર પડી શકે છે.

ફટાકડાના પ્રકાર અને સમય-મર્યાદા પર વિચારણા થશે
ન્યાયાધીશ એમ. એમ. સુંદરેશે જણાવ્યું કે, સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવાથી કેટલાલ લોકોની ધાર્મિક લાગણીઓ દુભાશે. અમે સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તે ફટાકડાના પ્રકાર અને તેને ફોડવાની સમય-મર્યાદા પર વિચાર કરશે. અદાલતનું સમગ્ર ધ્યાન તહેવાર ઉજવવાની લોકોની લાગણીઓ પણ જળવાઈ રહે અને આરોગ્ય સંબંધિત ચિંતાઓનું પણ ધ્યાન રાખી શકાય તેવું સંતુલન સાધવા પર છે.  

કોર્ટે CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) અને કેન્દ્ર સરકારને બેરિયમની હાજરી તપાસવા માટે વધુ પરીક્ષણ કરવા તથા ફટાકડાના સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને ડેસિબલ સ્તર નિર્ધારિત કરવા માટે વધુ સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરે હાથ ધરાશે.

દિલ્હી-NCRમાં ફટાકડાથી થતા પ્રદૂષણ અંગે સુનાવણી

સુપ્રીમ કોર્ટ 2015ના એક કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં તે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણથી પ્રભાવિત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવાના આદેશ આપતી રહી છે. દિલ્હીમાં શિયાળા દરમિયાન હવા ખરાબ થવાને કારણે કોર્ટે અગાઉ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 

જોકે 2025માં સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવાર દરમિયાન દિલ્હી NCRમાં મર્યાદિત સમય માટે ગ્રીન ફટાકડા વેચવા અને ફોડવાની છૂટ આપી હતી. થોડા મહિના પહેલાં સુનાવણી દરમિયાન કોર્ટે CPCBને પૂછ્યું હતું કે શું અમુક ચોક્કસ પ્રકારના ફટાકડાના કિસ્સામાં થોડી છૂટછાટ આપી શકાય છે.

એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ બેરિયમ આધારિત ફટાકડાના ઉપયોગ પર CPCBનો જવાબ રજૂ કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો હતો. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે લડી જેવા જોઈન્ટ ફટાકડાના નિર્માણ માટે કેટલીક શરતોને આધિન પરવાનગી આપી શકાય છે. કોર્ટે આ સૂચનને સ્વીકારવા માટે તૈયારી દર્શાવી હતી.