Thu Oct 01 2026

Logo

દુબઇ-ઇઝરાયેલ ફ્લાઇટમાં ઝઘડયા બે પાયલોટ, હાઇજેકની સૂચના પર મોકલવા પડ્યા ફાઇટર જેટ્સ; નેતન્યાહૂની ઇમરજન્સી મીટિંગ

Tel Aviv   2026-09-30 14:19:58
Author: Mumbai Samachar Team
દુબઇ-ઇઝરાયેલ ફ્લાઇટમાં ઝઘડયા બે પાયલોટ, હાઇજેકની સૂચના પર મોકલવા પડ્યા ફાઇટર જેટ્સ; નેતન્યાહૂની ઇમરજન્સી મીટિંગ

તેલ અવીવ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈથી ઈઝરાયલ જઈ રહેલા એક કોમર્શિયલ વિમાનનું બુધવારે સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ કારણે થોડા સમય માટે વિમાન હાઇજેક થયું હોવાની આશંકા ઊભી થઈ હતી અને ઈઝરાયલને પોતાના ફાઈટર જેટ વિમાનો મોકલવા પડ્યા હતા. ફ્લાઇટમાં 150થી વધુ ઈઝરાયલી મુસાફરો સવાર હતા. વિમાનને સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાંથી પહેલાં ઇમરજન્સી કોડ આવ્યો અને ત્યારબાદ હાઇજેક કોડ મળ્યો હતો. આ મુદ્દે વડાપ્રધાન નેતન્યાહૂ અને ઈઝરાયલના સંરક્ષણ મંત્રી વચ્ચે ઇમરજન્સી બેઠક પણ યોજાઈ હતી.

બે પાયલટો વચ્ચે થયો હતો ઝઘડો

સુરક્ષા અધિકારીઓને ટાંકીને ઈઝરાયલી મીડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના વિમાનના બે પાયલટો વચ્ચે થયેલા ઝઘડાને કારણે બની હતી અને વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હતા. વિમાન સાઉદી અરેબિયાના એક સિવિલ અને મિલિટ્રી બેઝ 'તબુક' ખાતે ઉતર્યું હતું.

ઈઝરાયલે મોકલ્યા પોતાના ફાઈટર જેટ વિમાનો

ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, દુબઈથી તેલ અવીવ જઈ રહેલા 'ફ્લાયદુબઈ'ના એક પેસેન્જર વિમાને સાઉદી અરેબિયા પરથી ઉડાન ભરતી વખતે ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી "સ્ક્વોક કોડ" 7700 મોકલ્યા બાદ વિમાન પાછું વળી ગયું હતું. આ ઘટનાથી સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ હતી. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, ઈઝરાયલી વાયુસેનાના ફાઈટર જેટ વિમાનોને તે પ્લેન તરફ રવાના કરવામાં આવ્યા હતા.

ફ્લાય દુબઇનું વિમાન સાઉદી એરપોર્ટ પર ઉતર્યુ

ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ' અનુસાર, બાદમાં વિમાન સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર ઉતર્યું હતું. વિમાનના લેન્ડિંગ પછી હાઇજેકની આશંકાને ફગાવી દેવામાં આવી છે. આ ફ્લાઇટ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી, ત્યારે સાઉદી અરેબિયા પરથી તે પાછી વળી ગઈ હતી. વિમાન દ્વારા મોકલવામાં આવેલો ઇમરજન્સી સિગ્નલ એક સ્ટાન્ડર્ડ એવિએશન એલર્ટ છે, જે દર્શાવે છે કે વિમાન કોઈ કટોકટી કે ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.

ઇઝરાયેલી મીડિયા અનુસાર, લગભગ 180 ઇઝરાયેલી મુસાફરોને લઇ જઇ રહેલી ફ્લાઇટ FZ1073એ પહેલા 'સ્વાક કોડ 7700' (સામાન્ય ઇમરજન્સીનો સંકેત) મોકલ્યો, પછી 'કોડ 7500' (ગેરકાયદે દખલનો સંકેત) પર સ્વિચ કર્યું અને પછી ફરી શરુઆતી કોડ પર આવી ગઇ. ઇઝરાયેલી એરસ્પેસને પણ કેટલાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને પ્લેનના સાઉદી અરેબિયામાં ઉતર્યા બાદ તેને ફરીથી ખોલી દેવામાં આવ્યું. હજુ તાજેતરમાં જ ચુપચાપ રીતે UAE પહોંચ્યા ત્યાંના રાષ્ટ્રપતિ નાહયાનની સીક્રેટ મુલાકાત થઇ હતી.