Sat Oct 03 2026

Logo

સીએસએમટી યાર્ડમાં દુરંતો એક્સપ્રેસના ખાલી રેકમાં લાગી આગ: કોચ બળીને ખાખ

2026-09-30 17:01:00
Author: Mumbai Samachar Team
સીએસએમટી યાર્ડમાં દુરંતો એક્સપ્રેસના ખાલી રેકમાં લાગી આગ: કોચ બળીને ખાખ

નિર્ધારિત સમય કરતાં પ્રીમિયમ ટ્રેન સાડા સોળ કલાક મોડી દોડી: પ્રવાસીઓને ભારે હાલાકી 

(ચેતના રાજા) 
મુંબઈ:
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના યાર્ડમાં આજે વહેલી સવારે હાવડા જતી દુરંતો એક્સપ્રેસના ખાલી રેકના પેન્ટ્રી ડબ્બામાં અચાનક આગ લાગતાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું હતું. જોકે ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ, દુરંતો એક્સપ્રેસનો ખાલી રેક સીએસએમટી યાર્ડમાં ઊભો હતો. સવારે આશરે 3.40 વાગ્યે તેના પેન્ટ્રી ડબ્બામાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ દેખાતાં જ રેલવે કર્મચારીઓએ તાત્કાલિક અગ્નિશમન દળને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ અગ્નિશમન દળની ટીમ સવારે 4.01 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાર બાદ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માત્ર ચાર મિનિટની કામગીરી બાદ સવારે 4.05 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ઘટના સમયે દુરંતો એક્સપ્રેસનો આખો રેક ખાલી હતો અને તેમાં કોઈ મુસાફર હાજર નહોતો. તેથી આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ અન્ય ડબ્બાઓ સુધી ફેલાય તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

જો કે પેન્ટ્રી ડબ્બામાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. રેલવે પ્રશાસન દ્વારા હાલ આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આગથી પેન્ટ્રી ડબ્બાને થયેલા નુકસાનનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સવારે અંધારામાં લાગેલી આગને કારણે થોડા સમય માટે યાર્ડમાં ચકચાર મચી હતી, પરંતુ અગ્નિશમન દળની ઝડપી કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી.

આ પ્રકરણે મુંબઈ સમાચારના પ્રતિનિધિ સાથે વાત કરતા મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે પેન્ટ્રી કારમાં અચાનક આગ લાગી હતી અને આ બાબતની જાણકારી તરત જ અગ્નિશમન દળને અપાઈ હતી. અને માત્ર ચાર જ મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાનિ પણ ટળી હતી. ત્યારબાદ આ ટ્રેનો કોચ બદલી તેને આગળ મોકલી દેવાઈ હતી. 

મુંબઈ હાવડા દુરંતો એક્સપ્રેસ અગાઉ મંગળવારે સાંજે સવા પાંચ વાગે શેડ્યૂલ કરાઈ હતી, પરંતુ તેને બુધવારે સવારે સાડા આઠ વાગ્યે રિશેડ્યૂલ કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારે આજ ટ્રેનના કોચમાં આગ ફાટી નીકળતા આ ટ્રેનનો આગ લાગેલો કોચ રિપ્લેસ કરાયો હતો અને ટ્રેનને ફરી એક વાર રિશેડ્યૂલ કરવાની ફરજ પડી હતી. અને છેવટે પ્રવાસીઓ સાથે આ ટ્રેન સવારે 9.47 વાગ્યે મુંબઈ સીએસએમટીથી હાવડા જવા રવાના થઈ હતી. 

આમ નિર્ધારિત સમય કરતાં આ પ્રીમિયમ ટ્રેન સાડા સોળ કલાક મોડી દોડી હતી. જેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પ્રવાસીઓની સુવિધા માટે મધ્ય રેલવેએ ચા પાણીની સુવિધા પૂરી પાડી હોવાની માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેની નાશિક સીએસએમટી દુરંતો એક્સપ્રેસ ઉપર 26 સપ્ટેમ્બરના રોજ પથ્થરમારાની ઘટના પણ બની હતી. જેમાં ચાર પ્રવાસીઓ ઘાયલ થયા હતા. અને હવે દુરંતો એક્સપ્રેસના જ પેન્ટ્રી કોચમાં આગ ફાટી નીકળતા દુરંતો ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા શું રામભરોસે છે તેવો સવાલ પણ હવે નિર્માણ થયો છે.