Tue Oct 06 2026

Logo

કેન્સરના નિદાન માટે મહત્ત્વના ગણાતા અલ્ટ્રાસાઉન્ડ મશીન માટે હજી રાહ જોવી પડશે

2026-10-03 07:57:00
Author: Sapna Desai
કેન્સરના નિદાન માટે મહત્ત્વના ગણાતા અલ્ટ્રાસાઉન્ડ મશીન માટે હજી રાહ જોવી પડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સાયન અને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં બે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ મશીનોની ખરીદીને રદ કરવાના નિર્ણય સામે સર્વ પક્ષીય નગરસેવકોના વિરોધને પગલે સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવ પાછો મોકલ્યો હતો.

પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે કેન્સર જેવી જીવલેણ બીમારીના પરીક્ષણ  માટે મહત્ત્વના ગણાતા એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ મશીનો ખરીદી કરવાનું પાલિકાએ માંડી વાળ્યું હતું અને તેને લગતો પ્રસ્તાવ પણ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો ત્યારે નગરસેવકોએ  મશીનની ખરીદીમાં વિલંબ કરવાથી ગંભીર બીમારીના નિદાનની સુવિધાથી પાલિકાની  હૉસ્પિટલો પર આધાર રાખતા દર્દીઓને હાલાકી થશે એવી ફરિયાદ કરી હતી. 

પાલિકાએ કે.ઈ.એમ અને સાયન હૉસ્પિટલમાં એક-એક  એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ મશીન માટે ટેન્ડર બહાર પાડ્યાના ત્રણ વર્ષ પછી પણ એક જ બિડર આગળ આવ્યો હતો. આ ટેન્ડરમાં ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, ત્રણ વર્ષની વોરંટી અને પાંચ વર્ષની વ્યાપક જાળવણી આવરી લેવામાં આવી હતી.  બે મશીનની  અંદાજિત રકમ  ૫.૫૩ કરોડ રૂપિયા હતી. માત્ર એક બિડર સાથે પ્રશાસને ગુરુવારે સ્થાયી સમિતિ  સમક્ષ આ પ્રસ્તાવ  રદ કરવાની રજૂઆત કરી હતી.

શિવસેના (શિંદે)ના જૂથના નેતા અમેય ખોલેએ સ્થાયી સમિતિને કહ્યું હતું કે  ખાનગી હૉસ્પિટલોમાં મોંઘી સારવાર ન કરી શકતા ગરીબ દર્દીઓ માટે આ  મશીનોની તાત્કાલિક જરૂર છે. કૉંગ્રેસે પણ સિંગલ-બિડ ટેન્ડર સામે સવાલ કર્યો હતો. કૉંગ્રેસના નગરસેવક અને જૂથ નેતા અશરફ આઝમીએ એનેસ્થેસિયાનાં સાધનો અને એમઆરઆઈ મશીનોની ખરીદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે  એક જ બિડ હોવા છતાં કથિત રીતે ક્લીયર કરવામાં આવી હતી ત્યારે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ મશીનના ટેન્ડરને રદ કરવાથી પ્રક્રિયા બીજા એક વર્ષ સુધી પાછળ જઈ શકે છે.  ગરીબ દર્દીઓ ખાસ કરીને જેઓને ખાનગી સારવાર પરવડતી નથી તેઓએ  શું એક વર્ષ રાહ જોવી?
નગરસેવકોના વાંધા બાદ સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવને પાલિકા પ્રશાસનને પાછો મોકલી હતો. એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ મશીનનો ઉપયોગ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને સ્વાદુપિંડના રોગો તેમજ અમુક કેન્સરના નિદાન અને મૂલ્યાંકન માટે થાય છે.  ખાનગી હૉસ્પિટલોમાં ટેસ્ટનો ખર્ચ લગભગ ૫,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયા થાય છે, જે આર્થિક રીતે નબળા પરિવારો પર આર્થિક બોજો બની રહે છે.